Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ડિઝલની કુત્રિમ અછત સર્જાતા સૌરાષ્ટ્રના ખેડૂતોની ઉપાધી વધી

સૌરાષ્ટ્રમાં ગામેગામમાં વાવણીની મોસમ ખીલી : ટ્રેક્ટરમાં ઈંધણ પૂરાવવા લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે જેની માઠી અસર ખેતીવાડીના કામ પર થઈ રહી છે

રાજકોટ, તા.૧૬ : ગુજરાતમાં ૭૫ ટકાથી વધુ વાવણી સૌરાષ્ટ્રમાં થઈ રહી છે અને ગામેગામ વાવણીની મૌસમ ખિલી છે, કૃષિપાક લેવા સમયની કિંમત હોય છે ત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના અન્ય પ્રશ્નોમાં ઉમેરો કરતો ડીઝલની કૃત્રિમ તંગીનો પ્રશ્ન સર્જાતા ભુમિપુત્રોની ઉપાધિ વધી છે.

ડીઝલની પડતર ઉંચી થતા નફો મળે તો જ વેચાણ વધારતી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ ડીલર્સને શોર્ટ સપ્લાય કરાઈ રહ્યો છે. ડીલર્સો જણાવે છે કે આ અંગે કંપનીઓમાં ફરિયાદ કરીએ તો ઉપરથી સૂચના છે તેમ કહીનેં કોઈ કારણો અપાતા નથી.

હાલ એક સપ્તાહથી રાજકોટ,જામનગર, જુનાગઢ ,અમરેલી, ભાવનગર સહિત જિલ્લાઓના મોટાભાગના તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે જેમાં ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલની જરુરિયાત રહેતી હોય છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ટ્રેક્ટરમાં ઈંધણ પૂરાવવા લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે  છે અને સમયની બરબાદી થાય છે  જેની માઠી અસર ખેતીવાડીના કામ પર થઈ રહી છે.

એક તરફ, વિજળી દરો અને વિજથાંભલાના પ્રશ્નો, પાકવિમો, ખાતર-બિયારણ મોંઘા, તેની ગુણવત્તાની ચકાસણી નહીં, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી કેનાલની બાકી મરમ્મત, ચેકડેમો જર્જરિત સહિતના પ્રશ્નો  છે ત્યારે વાવણીમાં ડીઝલની કૃત્રિમ અછતના પ્રશ્નનો ઉમેરો થયો છે.
 

(8:05 pm IST)