Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

પાણી પ્રશ્‍ને મ્‍યુનિ. કોર્પો.માં તોડફોડ કરવાના કેસમાં પકડાયેલ તમામ રાજકીય આગેવાનોનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

સને ૨૦૦૪માં બનેલ બનાવમાં ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ, વશરામ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ગોવિંદ સભાયા, કેયુર મસરાણી સહિતના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી : કયા આરોપીએ શું રોલ ભજવેલ છે તે પુરવાર થતુ નથી : મ્‍યુનિ. કમિ.ની જુબાનીમાં પણ કોઇ નામજોગ આક્ષેપ નથી : કોર્ટ

રાજકોટ,તા. ૧૬ : રાજકોટ મ્‍યુનિસીપલ કમીશ્‍નરની ચેમ્‍બરમાં તોડફોડ કરી નુકશાન કરવાના કેસમાં સંડોવાયેલા પૂર્વ કોંગી અગ્રણીઓ વિગેરે  તમામ રાજકીય આગેવાનો નો છુટકારો કોર્ટ ફરમાવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, મ્‍યુનિસીપલ કમિશ્‍નરશ્રી મુકેશકુમારની ચેમ્‍બરમાં રાજકીય આગેવાનો જસવંતસિંહ ભટ્ટી, ઈન્‍દ્રનિલભાઈ રાજયગુરૂ, વશરામભાઈ સાગઢીયા, કેયુરભાઈ મસરાણી, ગોવિંદભાઈ સભાયા, નિતીનભાઈ નથવાણી, પ્રવિણભાઈ સોરાણી, શકીલભાઈ રફાઈ , સતુભા જાડેજા, બહાદુરભાઈ સિંધવ, જગદિશભાઈ પુરબીયા, વિજયભાઈ ચૌહાણ તથા જયંતભાઈ ઠકકર, વિગેરે પાણીકાપ અંગે રજુઆત કરવા ગયેલા હતા. તે વખતે તેમની સાથે અન્‍ય લોકોનુ ટોળુ પણ તેમા જોડાયા હતા એમ કુલ-પ૦ માણસો રજુઆત કરવા ગયેલ હતું.
આ રજુઆત દરમ્‍યાન વાતાવરણ ઉગ્ર બનતા ટોળા દ્વારા કમિશ્‍નરશ્રીની ચેમ્‍બરમાં તોડફોડ કરવામાં આવેલી. કમિશ્‍નરશ્રીના ચશ્‍મા તોડી નાંખવામાં આવેલા. સરકારી કાગળો ફાડી નાંખવામાં આવેલા તથા ટેબલ-ખુરશીના પાયા તોડી નાંખવામાં આવેલા અને ચેમ્‍બરની બહાર કમિશ્‍નરશ્રીના નેઈમપ્‍લેટને પણ તોડી નાંખવામાં આવેલ તથા કમિશ્‍નરશ્રીની સરકારી ગાડીની ઉપરની લાઈટને પણ નુકશાન કરવામાં આવેલ હતું તેવા મતલબની ફરીયાદ ‘એ' ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં જે-તે સમયનાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન શાખાના વિજીલન્‍સ શાખાના પી.આઈ. શ્રી જાડેજાએ ઉપરોકત વ્‍યકિતઓ સામે નામજોગ ૧૩ વ્‍યકિતઓ તથા અન્‍ય અજાણ્‍યા લોકો સામે ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદના આધારે ઉપરોકત તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને તેમની સામે કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.
ઉપરોકત કેસમાં સરકારશ્રી તરફથી જે-તે સમયના મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી
મુકેશકુમાર તથા તેના પી.આઈ. તેમજ વિજીલન્‍સ શાખાના પી.આઈ. તથા અન્‍ય પોલીસ અધિકારીશ્રીઓને તપાસવામાં આવેલ હતા.
સમગ્ર કેસ ચાલી જતાં સરકાર તરફથી સ્‍પે. પી.પી. શ્રી તથા આરોપીપક્ષના વકીલશ્રી. ભાવીન દફતરી તથા દિપક ત્રિવેદીએ રજુઆત કરેલ હતી. જયારે પ્રવિણભાઈ સોરાણી ના એડવોકેટ તરીકે દિપકભાઈ ત્રિવેદીએ એવી રજુઆત કરેલ હતી કે, એકપણ સાહેદ ઘ્‍વારા તેમના આરોપી દ્વારા હાલના બનાવમાં કોઈપણ ભાગ ભજવેલો હોય તેવી એકપણ હકીકત જણાવેલ ન હોય છોડી મુકવા દલીલ કરેલ હતી. બાકી ના તમામ આરોપી ઓ વતી એડવોકેટ ભાવિન દફતરીએ એવી દલીલ કરેલ હતી કે, મ્‍યુનિસિપલ કમિશ્‍નરશ્રી મુકેશકુમારની જુબાની જોતાં પણ કોઈપણ વ્‍યકિત સામે નામજોગ કોઈ આક્ષેપ કરતી જુબાની તેમણે આપેલ નથી. તમામ આરોપીઓ વર્ષોથી રાજકીય આગેવાનો હોય બધા સાહેદો તેમને બનાવ અગાઉથી ઓળખતા જ હોય તેમજ કોઈપણ આરોપીએ કોઈપણ પ્રકારની ચોકકસ ભૂમિકા ભજવેલી ન હોય બનાવ અંગે તમામ સાહેદોમાં મહત્‍વનો વિરોધાભાસ આવતો હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા વિનંતી કરેલ હતી.
તમામ પુરાવાઓનું મૂલ્‍યાંકન કર્યા બાદ રાજકોટનાં એડિશ્‍નલ ચીફ જયુડી.મેજી. શ્રી કે. એમ. ગોહેલે તમામ આરોપીઓને છોડી મુકેલ હતા. ઉપરોકત કેસમાં પ્રવિણ સોરાણી વતી એડવોકેટશ્રી. દિપકભાઇ ત્રિવેદી, હસમુખભાઈ પરમાર રોકાયેલા હતા તથા જસવંતસિંહ ભટ્ટી, ઈન્‍દ્રનિલભાઈ રાજયગુરૂ,વશરાભાઈ સાગઠીયા, કેયુરભાઈ મસરાણી, ગોવિંદભાઈ સભાયા, નિતીનભાઈ નથવાણી, શકીલભાઈ રફાઈ , સતુભા જાડેજા, બહાદુરભાઈ સિંધવ, જગદિશભાઈ પુરબીયા, વિજયભાઈ ચૌહાણ તથા જયંતભાઈ ઠકકર આરોપી ઓ વતી વકીલશ્રી. પથીક દફતરી, ભાવિન દફતરી, નુપુર પી દફતરી, નેહા બી દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજા , હાર્દિક મહેતા, વ્રિકાંત વ્‍યાસ, પાર્થ જાની તથા પરેશ કુકાવા રોકાયેલ હતા.

 

(10:51 am IST)