Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ખેડુતો-કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવા જોઇએઃભીખાભાઇ બાંભણીયાની માંગણી

રાજકોટ, તા., ૧૬: જસદણના પુર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, ભારતીય કિસાન સંઘ મારફત ઘણા સમયથી કિસાનોના પ્રશ્નો અંગે રજુઆતો કરવા છતા તે બાબતે સરકારે લક્ષ આપેલ નહી પરીણામે ૨૧ દિવસથી આંદોલન ચાલુ છે. ખેડુતોની આવક બમણી કરવાની વાત તો એક બાજુએ રહી પરંતુ કિસાનોની વ્‍યાજબી માંગણી સ્‍વીકારવામાં શું નડતરરૂપ છે એ સમજાતુ નથી. પંજાબ તથા હરીયાણાના ખેડુતો ૧ વરસ સુધી હેરાન થયેલા એ આપણે સૌ જાણીએ છીએ.

આ ઉપરાંત જુદી જુદી વહીવટી પાંખના કર્મચારીઓના આંદોલનો ચાલુ છે.ચુંટણી નજીકમાં છે. ત્‍યારે આંદોલનો તથા તડજોડ, પક્ષાંતરની પ્રવૃતીઓ વેગ પકડતી જાય છે. સરકારના ખાતમુહુર્ત, લોકાર્પણ, ઉત્‍સવો, જાહેરાતો, પોસ્‍ટરો, સંમેલનો પાછળ લાખો રૂપીયાનો ખર્ચ કરવામાં આવે છે. ચુંટણી લક્ષી કાર્યક્રમો પણ બિનજરૂરી ખર્ચ કર્યા વગર સાદાઇથી ઉજવવાનું રાખવુ જોઇએ. હાલના સંજોગોમાં વિકાસના નામે બણગા ફુંકવાથી શરમાવુ જોઇએ.

પુર્વ સાંસદો, અધિકારીઓ, કર્મચારીઓને મળતી પેન્‍શન પ્રથા બંધ થવી જ જોઇએ. (ગુજરાતમાં પુર્વ ધારાસભ્‍યોને પેન્‍શન મળતુ નથી) ધારાસભ્‍યો, સાંસદસભ્‍યો, રાજયસભા કે અન્‍ય પદાધિકારીને મળતા પગાર બંધ થવા જોઇએ. કારણ કે તેઓ સરકારી નોકરીયાત નથી. ધારાસભા, લોકસભા કે રાજયસભાનું સત્ર હોય ત્‍યારે તેમ જ વરસ દરમ્‍યાન મળતી સમીતીઓની મીટીંગમાં હાજરી આપે તો જ ભાડુ-ભથ્‍થુ, સીટીંગ ફી વિગેરે મળવા જોઇએ. મંત્રીઓના પગાર તેમજ અન્‍ય સવલતોમાં પણ ફેરફાર કરવાની જરૂર છે. સરકારનું દેવુ ટેક્ષમાં વધારો કરવા છતાં વધતુ જાય છે. તેવા સંજોગોમાં પાછુ વાળીને નજર કરવાની જરૂર છે. જેના હાથમાં તેના મોમાં જેવી પરિસ્‍થિતિનું નિર્માણ થતુજાય છે. જે તમામ સમાજના લોકો એ મનોમંથન કરવાની આવશ્‍યકતા છે. સરકાર ચુંટણીની તૈયારીમાં ગળાડૂબ છે.  તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું હતું.

(5:00 pm IST)