Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

નેશનલ ગેમ્‍સ : ગુજરાતની હોકી ટીમ કરતા પંજાબ-હરિયાણા-મહારાષ્‍ટ્રની ટીમો ફિટનેસ-ટેકનીકલમાં ખાસ ચડિયાતી

કોચ પ્રસાદ ભારત વતી એશીયા કપ રમી ચૂકયા છે : ૧પ વર્ષ નેવીમાં ફરજ બજાવી : આપણા ખેલાડીઓએ વધૂ જોર લગાવવુ પડશે : એકસપોર્ટ કોચ પ્રસાદ રાજકોટમાં

રાજકોટ, તા. ૧૬: ભારતીય હોકી ટીમ વતી આંતરરાષ્‍ટ્રીય મેચમાં રમવાના સ્‍વપ્ન સાથે નેશનલ ગેમ્‍સ પૂર્વે રાજકોટ ટર્ફ ગ્રાઉન્‍ડ ખાતે ગુજરાતના ટોપ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે. જેને વિશેષ તાલિમ પુરી પાડવા માટે ગુજરાત હોકી દ્વારા નિયુક્‍ત એક્‍સપર્ટ કોચ આર.વી.એસ. પ્રસાદ રાજકોટ ખાતે આવી ચુકયા છે.
શ્રી પ્રસાદે જણાવ્‍યું હતું કે, ગુજરાતની ટીમ સામે પંજાબ, હરિયાણા, મહારાષ્‍ટ્ર સહિતની સશક્‍ત ટીમો પડકારરૂપ છે. તેઓ ફિટનેસ અને ટેક્રિક્‍સમાં આપણી ટીમ કરતાં ચડિયાતા છે.  જેથી આપણા ખેલાડીઓએ વધારે જોર લગાવવું પડશે.
હોકીની નેશનલ ટીમમાં સામેલ થવા માટે ગુજરાતના ખેલાડીઓ માટે શું ટિપ્‍સ આપશો તેના પ્રતિસાદમાં તેઓએ જણાવ્‍યું હતું કે, ખેલમાં કન્‍સિટન્‍સી જરૂરી છે, એક પણ દિવસના બ્રેક વગર ટર્ફ ગ્રાઉન્‍ડ પર રોજની પાંચ થી સાત કલાક સેશન વાઈઝ પ્રેક્‍ટિસ જરૂરી છે. સાથોસાથ સપ્તાહમાં ઓછામાં ઓછો એક પ્રેક્‍ટિસ મેચ રમવો જોઈએ. ગુજરાતના ખેલાડીએ તેમના ડાયેટ અને સ્‍ટેમિના વધારવા પર સતત ફોક્‍સ કરવું જરૂરી છે.
ગુજરાતમાંથી ખેલાડીઓને એક્‍સપર્ટ કોચિંગ ઉપરાંત ફિઝીયો, ફોરવર્ડ, ગોલ કીપીંગ વગેરે માટે અલગથી  ટ્રેનર તેમજ વિડીયો રેર્કોડિંગ સાથે જરૂરી માર્ગદર્શન મળે તો તેઓ શ્રેષ્ઠ રમત બતાવી ,શકે તેમ શ્રી પ્રસાદે વધુમાં જણાવ્‍યું હતું.
જામનગર નેવીમાં ૧૫ વર્ષ જેટલો સમય ફરજ બજાવી ચૂકેલા પ્રસાદ ગોલ કીપર તરીકે ભારત વતી  એશિયા કપ રમી ચુકયા છે. જેમાં ટીમ ઇન્‍ડિયાએ બ્રોન્‍ઝ મેડલ  મેળવ્‍યો હતો. સ્‍પેન, હોલેન્‍ડ સહિતના યુરોપિયન દેશો, સિડનીમાં પ્રી-ઓલીમ્‍પિક રમી ચૂકેલા પ્રસાદ ૬૦ થી વધુ આંતરરાષ્‍ટ્રીય મેચ રમી ચુકયા છે.       
        રાજકોટ ખાતે તેમની સાથે કોચ શશી દિવેચા, ફ્રાંસિસ પરમાર તેમજ રાજકોટના મહેશ દિવેચા ખેલાડીઓને નેશનલ ગેમ્‍સ પૂર્વે કોચિંગ પૂરું પાડી રહ્યા છે

 

(4:21 pm IST)