Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

બસ સ્ટેશન પાછળ ગેસ્ટ હાઉસમાં સુરદાસ દિનેશભાઇ દેસાઇનો ઝેરી દવા પી આપઘાત

યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા એ ડીવીઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ૧૭ :. એસ. ટી. બસ સ્ટેશનની પાછળ આવેલા આર્શીવાદ ગેસ્ટ હાઉસમાં સુરદાસ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મળતી વિગત મુજબ એસ. ટી. બસ સ્ટેશન પાછળ આવેલા આર્શીવાદ ગેસ્ટ હાઉસના રૂમ નં. ૧૦૪ માં મુળ ગાંધીનગરના ચાણસમાના હાલ રાજકોટ કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ સામે આવેલા અંધજન કલ્યાણ મંડળમાં રહેતા  દિનેશભાઇ રણમલભાઇ દેસાઇ (ઉે.વ.૪૦) એ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ગેસ્ટ હાઉસના કર્મચારીએ રૂમનો દરવાજો ખખડાવતા તેણે ન ખોલતા  જાણ કરતા ગેસ્ટ હાઉસના અન્ય કર્મચારીઓ એકઠા થઇ ગયા હતાં. બાદ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા એ. ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. વિમલભાઇ ઘાણજા સહિતે સ્થળ પર પહોંચી ગયા હતાં. બાદ દરવાજો ખોલતા દિનેશભાઇ બેભાન હાલતમાં પડેલ હોઇ ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ના ઇએમટી યોગેશભાઇ ખાંટ સહિતે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જાહેર કર્યુ હતુું. મૃતક મુળ ગાંધીનગરના ચાણસમાના વતની હતાં.

તે ત્રણ ભાઇમાં વચેટ હતાં. ઘણા સમયથી અહીં અંધજન કલ્યાણ મંડળમાં રહેતા હતાં. તેણે ગત તા. ૪ ના રોજ નાનાભાઇ સાથે ફોનમાં વાત પણ કરી હતી. તેણે બે દિવસ પહેલા ગેસ્ટ હાઉસમાં એક દિવસ માટે રૂમ રાખ્યો હતો. યુવાને કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા  એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:23 pm IST)