Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

આગ લાગે તો શું કરશું ! ૩ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઇ

ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલના સ્ટાફને પ્રેકટીકલ જાણકારી અપાઇ

રાજકોટ,તા.૧૭:  મનપાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે તા. ૧૭ના રોજ શહેરની ત્રણ હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટીકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

શહેરમાં જે ત્રણ હોસ્પિટલોએ મોકડ્રીલ કરવામાં આવી હતી તેમાં (૧) પ્રભુકૃપા હોસ્પિટલ – જયુબેલી બાગ પાસે, (૨) દેવશ્ય હોસ્પિટલ – પટેલ વાડી પાછળ, રણછોડનગર અને (૩)સાર્થક હોસ્પિટલ અને આઈ.સી.યુ. – રાજનગર ચોક પાસેની હોસ્પિટલ ખાતે મોકડ્રીલ કરવામાં આવી હતી.

આ મોકડ્રીલની કામગીરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આજ્ઞાનુસાર ચીફ ફાયર ઓફિસર આઈ. વી. ખેર અને ડે. ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટેશન ઓફિસર અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(4:13 pm IST)