Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

સૌરાષ્ટ્ર હાઇસ્કુલ દ્વારા સતત પાંચમાં વર્ષે વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને વિજયભાઇ ધોળકીયા એવોર્ડ અર્પણ થશે

રાજકોટ તા. ૧૭ :.. આઝાદી પહેલા લગભગ પાંચ દાયકા અગાઉ ૧૯૦૦ માં શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટની સ્થાપના થઇ ત્યારથી તેમનો ૧ર૧ વર્ષનો ભવ્ય ભૂતકાળ છે અને ઉજજવળ ભવિષ્ય પણ છે. સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાં અનેક વિભૂતિઓએ પોતાની કારકીર્દીનું ઘડતર કરી સમાજના વિવિધ ક્ષેત્રોમાં મૂલ્યવાન પ્રદાન અદા કર્યુ છે. સૌરાષ્ટ્ર હાઇસ્કુલમાંથી આજ સુધીમાં લાખો વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી દેશ વિદેશમાં અલગ અલગ ક્ષેત્રોમાં આજે કામ કરે છે. સૌરાષ્ટ્ર હાઇસ્કુલે ૧ર૧ વર્ષના ઇતિહાસમાં અનેક ચડાવ ઉતાર જોયા છે. આજે સેલ્ફ ફાયનાન્સના યુગમાં પણ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ હરણફાળ વિકાસ તરફ આગળ વધી રહી છે.

સૌરાષ્ટ્ર હાઇસ્કુલના એક વખતના આદર્શ શિક્ષક આજે પણ હજારો લાખો વિદ્યાર્થીઓ જેમને યાદ કરીને નમન કરે છે એવા મૂલ્યનિષ્ઠ-પ્રમાણિક શિક્ષક સ્વ. વિજયભાઇ ધોળકીયાની સૌરાષ્ટ્ર હાઇસ્કુલની ચિરંજીવ સેવાને યાદ કરીને તેમના નામે સમાજ જીવનમાં વિવિધ ક્ષેત્રે કામ કરતા મહાનુભાવોને છેલ્લા પાંચ વર્ષથી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. કોરોનાની વિપરીત પરિસ્થિતિને કારણે ર૦ર૦ નો એવોર્ડ અર્પણ કાર્યક્રમ થઇ શકેલ નહિ, જેથી ચાલુ સાલ ર૦ર૦-ર૧ નો સંયુકત એવોર્ડ અર્પણ કાર્યક્રમ આગામી તા. ર૧-૧ર ને મંગળવારના રોજ સાંજે પ.૩૦ કલાકે સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ઓડીટોરીયમ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સ્નમાનિતોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ અર્પણ કરાશે. અત્યંત જાજરમાન અને ગરીમાપુર્ણ કાર્યક્રમ શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાશે.

ર૦ર૦-ર૧ નો ગૌરવ ભર્યો પ્રતિષ્ઠિત સ્વ. વિજયભાઇ ધોળકીયા એવોર્ડ શ્રી મનસુખભાઇ સાવલીયા, (સાહિત્ય), શ્રી પ્રદ્યુમનભાઇ જોષીપુરા (સાહિત્ય), શ્રી પીયુબેન સરખેલ (કલા), શ્રી પ્રકાશભાઇ મંકોડી (સેવા), શ્રી પુજાબેન પટેલ (સેવા), શ્રી કિરીટભાઇ આદ્રોજા (ઉદ્યોગ), શ્રી પ્રતાપભાઇ પટેલ (ઉદ્યોગ), શ્રી રમેશભાઇ ભાયાણી (વિજ્ઞાન), ડો. એન. જે. મેઘાણી (તબીબ), શ્રી જયદેવભાઇ શાહ (રમત-ગમત), શ્રી વિજયભાઇ ડોબરીયા (પર્યાવરણ) ને અર્પણ કરાશે.

સૌરાષ્ટ્ર હાઇસ્કુલના સંચાલક ડો. ભદ્રાયુભાઇ વછરાજાની, ડો. નિદત બારોટ, મુકેશ દોશી, હરદેવસિંહ જાડેજા, ઇન્દુભાઇ વોરા અને જયંતભાઇ દેસાઇના માર્ગદર્શન નીચે સમગ્ર આયોજન સુદ્રઢ વ્યવસ્થા સૌરાષ્ટ્ર હાઇસ્કુલના કેમ્પસ ડાયરેકટર સત્યજીતસિંહ  જાડેજાના નેતૃત્વ નીચે આચાર્ય ભરતભાઇ સુમકીયા, જયભાઇ પાઢ, વિનોદભાઇ પટેલ, નેહલબેન શિંગાળા, જીતેન ઉધાસ સંભાળી રહેલ છે. તેમ કેમ્પસ ડાયરેકટર સત્યજીતસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(2:48 pm IST)