Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ચોટીલા-નાની મોલડીના સુનિલે સગીરાનું અપહરણ કરી હળવદ પંથકમાં વાંરવાર બળાત્કાર ગુજાર્યો

લગ્નની લાલચે ગયેલી સગીરાને ખેત મજૂરીમાં જોતરી દીધી'તીઃ કુવાડવા પોલીસે અપહરણ-બળાત્કાર-પોકસો હેઠળ ગુનો નોંધી ઢગાને સકંજામાં લેવા તજવીજ આદરી

રાજકોટ તા. ૧૭: દૂષ્કર્મનો વધુ એક ગુનો કુવાડવા રોડ પોલીસ મથકમાં સતત બીજા દિવસે નોંધાયો છે. ચોટીલાના નાની મોલડી ગામના સુનિલ નથુભાઇ બથવાર નામના શખ્સે એક સગીરાને લગ્ નની લાલચ આપી ભગાડી જઇ હળવદ પાસેના ઇશ્વરનગર ગામે આવેલી વાડીમાં મજૂરીએ પોતાની સાથે રાખી વારંવાર ઇચ્છાવિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લેતાં પોલીસે ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

પોલીસે આ બનાવમાં ભોગ બનેલી સગીરાની માતાની ફરિયાદ પરથી નાની મોલડીના સુનિલ બથવાર સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨), જે, એન, ૩૭૬ (૩) તથા પોકસો હેઠળ ગુનો નોંધ્યો છે.  પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે અમે હાલમાં કુવાડવા પોલીસ મથક હેઠળના ગામમાં રહીએ છીએ અને મજૂરી કરીએ છીએ. ૬/૧૨ના બપોરે હું મજૂરીમાં હતી અને પતિ થોડીવાર આરામ કરતાં હતાં ત્યારે ૧૫ વર્ષની દિકરી દૂકાને કંઇક લેવા જવાનું કહીને નીકળ્યા બાદ મોડે સુધી પાછી ન આવતાં અમે શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો.

દરમિયાન આજથી ત્રણેક દિવસ પહેલા અમને માહિતી મળી હતી કે અમારી દિકરીને નાની મોલડીનો સુનિલ નથુભાઇ ભગાડી ગયો છે. અમે તેની ઘરે જઇ તપાસ કરી હતી પણ યોગ્ય જવાબ મળ્યો નહોતો. એ દરમિયાન ગઇકાલે અમારી દિકરી પાછી અમારા ઘરે આવી ગઇ હતી. તેણીએ કહ્યું હતું કે તેને સુનિલ ભગાડીને હળવદના ઇશ્વરનગર ગામે લઇ ગયો હતો અને સાગરભાઇની વાડીએ ઝૂપડામાં રાખી હતી. ત્યાં પોતે બંને મજૂરી કરતાં હતાં. જ્યાં કિશોરે અવાર-નવાર તેણી સાથે શરીર સંબંધ પણ બાંધી લીધો હતો. દિકરીની આ કેફીયત બાદ માતાએ કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ કરતાં પીઆઇ એન. એન. ચુડાસમા, હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા સહિતે ગુનો દાખલ કરી આરોપી સુનિલને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

(2:51 pm IST)