Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ક્રાંતિકારી સૂર્યસેન : અંગ્રેજોએ નખ અને દાંત તોડી નાખ્યા, જેથી તેઓ મૃત્યુ વખતે વંદે માતરમ બોલી ન શકે!

સૂર્ય સેન ઉર્ફે સુરાજ્ય સેન, જેઓ હવે અવિભાજિત બંગાળમાં, ચટગાંવમાં આઝાદીની ચળવળના અમર હીરો બની ગયા : બ્રિટિશ શાસન ક્રાંતિકારી સૂર્ય સેનથી એટલું ડરતું હતું કે તેમને બેભાન અવસ્થામાં ફાંસી આપવામાં આવી હતી! : ૧૯૩૦ના ચિટ્ટાગોંગ આર્મરી રેઈડના હીરો માસ્ટર સૂર્યસેને બ્રિટિશ સરકારને સીધો પડકાર આપી ચિટાગોંગ ગામને બ્રિટિશ શાસનના દાયરામાંથી બહાર કાઢી ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. : બ્રિટિશ સરકારે સૂર્ય સેન પર ૧૦ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. : સૂર્ય સેન પર ફિલ્મ પણ બની છે 'ખેલે હમ જી જાન સે'

આજના યુવાનો કે બાળકો ને પૂછો કે સૂર્ય સેનને ઓળખો છો? તો પૂછશે, કોઇ ક્રિકેટર છે? કોઇ રાજા છે? કોઇ એકટર છે? હકીકતમાં આપણા દેશ માટે બલીદાન દેનાર આવા ક્રાંતિકારી આ બધાથી ઉપર છે છતાં આપણે તેમને વિસરી ગયા છીએ. આપણા દેશને સરળ રીતે આઝાદી મળી નથી. ભારતની આઝાદીની પૃષ્ઠભૂમિમાં અનેક મહાન ક્રાંતિકારીઓએ પોતાના દેશની આઝાદી માટે લોહીના કડવા ઘૂંટ પીધા છે. આવા જ એક મહાન દેશભકત ક્રાંતિકારી હતા સૂર્ય સેન. જેમને અંગ્રેજોએ મૃત્યુ સુધી અસહ્ય યાતનાઓ આપી હતી. સૂર્ય સેન ઉર્ફે સુરાજ્ય સેન, જેઓ અવિભાજિત બંગાળમાં, ચટગાંવમાં આઝાદીની ચળવળના અમર હીરો બની ગયા. ચટગાંવ, હવે બાંગ્લાદેશમાં છે. ૨૨ માર્ચ, ૧૮૯૪ના રોજ જન્મેલા ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની સૂર્યસેનને ધ હીરો ઓફ ચટગાંવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 જાણીતા ઈતિહાસકાર બિપિન ચંદ્રજીએ તેમના પુસ્તક ઈન્ડિયાઝ સ્ટ્રગલ ફોર ઈન્ડિપેન્ડન્સ ૧૮૫૭-૧૯૪૭માં લખે છે કે 'સૂર્ય સેન, એક તેજસ્વી અને પ્રેરણાદાયી આયોજક, એક અભૂતપૂર્વ, મૃદુભાષી અને પારદર્શક રીતે નિષ્ઠાવાન વ્યકિત હતા. અપાર વ્યકિતગત હિંમત ધરાવતા, તેઓ તેમના અભિગમમાં ખૂબ જ માનવીય હતા. તેઓ કહેતા કે 'માનવવાદ એ ક્રાંતિકારીનો વિશેષ ગુણ છે.'

 એપ્રિલ ૧૯૧૯ ના કુખ્યાત જલિયાવાલા બાગ હત્યાકાંડ સહિત બ્રિટિશ સંસ્થાનવાદીઓના હાથે નિર્દયતાની ઘટનાઓ પછી, ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ક્રાંતિકારી સ્ટ્રેંડ મુખ્યત્વે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળમાં પકડ્યો. યુરોપમાં કામદાર વર્ગના સંઘર્ષો અને બોલ્શેવિક ક્રાંતિની ભાવનાથી પ્રભાવિત, આ ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે સશસ્ત્ર ક્રાંતિની ચિનગારી પ્રગટાવવાનો પ્રયાસ કર્યો. સૂર્ય સેન આ ક્રાંતિકારીઓમાંના એક નેતા હતા, એક ભૂતપૂર્વ શાળા શિક્ષક, જે ચિટ્ટાગોંગ ગામના (આધુનિક બાંગ્લાદેશમાં) 'માસ્ટર દા' તરીકે ઓળખાતા હતા.

 બ્રિટિશ શાસન ક્રાંતિકારી સૂર્ય સેનથી એટલું ડરતું હતું કે તેમને બેભાન અવસ્થામાં ફાંસી આપવામાં આવી હતી.! એટલું જ નહીં બ્રિટિશ સરમુખત્યારશાહીની અમાનવીય બર્બરતા અને નિર્દયતાની હદ જ્યારે સૂર્યસેનને ફાંસી આપવામાં આવી રહી હતી ત્યારે જોવા મળી હતી. ફાંસી પહેલા તેના હાથના નખ ઉખાડી દિધા હતા. તેમના દાંત એટલા માટે તોડી પડાયા કારણ તેઓ છેલ્લા શ્વાસ સુધી વંદે માતરમનો જાપ ન કરી શકે.! પણ તેમણે માતૃભૂમિ માટે હસતા હસતા સહન કર્યું હતું.

 ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથેનો તેમનો પ્રથમ ગંભીર બૌદ્ધિક મુકાબલો ૧૯૧૬માં બેરહામપોર કૉલેજમાં અંડર ગ્રેજ્યુએટ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન થયો હતો. તેમના એક શિક્ષકથી પ્રેરિત થઈને, તેઓ અન્ય બંગાળી ક્રાંતિકારી - સરતચંદ્ર બસુ દ્વારા સ્થાપિત ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિમાં જોડાયા હતા. ભારતમાં બ્રિટિશ શાસનને સમાપ્ત કરવાના સાધન તરીકે હિંસાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે બંગાળમાં અસહકાર ચળવળનું નેતૃત્વ કરનાર અન્ય સ્વતંત્રતા સેનાની અને અહિંસાના પ્રબળ હિમાયતી ચિત્તરંજન દાસ સાથે પણ કામ કર્યું હતું. જ્યારે આ ચાલી રહ્યું હતું, ત્યારે સેનની ૧૯૨૬ થી ૧૯૨૮ દરમિયાન બે વર્ષ માટે બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓ માટે ધરપકડ કરવામાં આવી.

 જેલમાંથી છૂટ્યા પછી, સેને એક મિશન શરૂ કર્યું જે મોટાભાગે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યુવાન અને જુસ્સાદાર ક્રાંતિકારીઓના વિશાળ જૂથ સાથે જોડાયા. જેમાં ગણેશ ઘોષ અને લોકનાથ બાઉલ જેવા લોકોનો સમાવેશ થાય છે. સૂર્ય સેને ભારતમાં બ્રિટિશ સંસ્થાનવાદી સામ્રાજ્યના અંગોને નિશાન બનાવવાનું નક્કી કર્યું. બંગાળના આ હીરો, જે વ્યવસાયે શિક્ષક હતા તેમને લોકો સૂર્યસેન કમ માસ્ટર દા કહીને બોલાવતા હતા. ૧૯૩૦ના ચિટ્ટાગોંગ આર્મરી રેઈડના હીરો માસ્ટર સૂર્યસેને બ્રિટિશ સરકારને સીધો પડકાર આપ્યો. તેમણે તેમના સાથીઓ સાથે મળીને ચિટાગોંગ ગામને બ્રિટિશ શાસનના દાયરામાંથી બહાર કાઢ્યું હતું અને ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. તેઓએ આ વિસ્તારમાં બ્રિટિશ શાસનની સંદેશાવ્યવહાર સુવિધાને તો અટકાવી અને વધુમાં બ્રિટિશ સરકારની ચિટાગોંગ ગામ સાથેની સંચાર વ્યવસ્થાને નષ્ટ કરી દીધી હતી. તમામ સંદેશાવ્યવહાર અને માહિતી માધ્યમો, રેલવે, પોસ્ટ અને ટેલિગ્રાફનો નાશ કર્યો હતો. આ બળવા દ્વારા, સેન અન્ય લોકોને બતાવવા માંગતા હતા કે બ્રિટિશ સામ્રાજ્યની સશસ્ત્ર શકિતને પડકારવાનું શક્ય છે.

 સૂર્ય સેનનું પ્રારંભિક શિક્ષણ ચટગાંવમાં જ થયું હતું. તેમના પિતા રામનિરંજન પણ (ચટગાંવ) ચિટાગોંગના નોઆપારા વિસ્તારમાં શિક્ષક હતા. જ્યારે સૂર્યસેન ૨૨ વર્ષની ઉંમરે મધ્યવર્તી વિદ્યાર્થી હતા ત્યારે જ તેમના એક શિક્ષકની પ્રેરણાથી તેઓ બંગાળની અગ્રણી ક્રાંતિકારી સંસ્થા અનુશીલન સમિતિના સભ્ય બન્યા હતા. આ પછી તેણે બહેરામપુર કોલેજમાં બીએ કોર્સમાં એડમિશન લીધું. અહીં જ તેઓ પ્રખ્યાત ક્રાંતિકારી સંગઠન યુગાંતરમાં જોડાયા. વર્ષ ૧૯૧૮માં ચિટાગોંગ પાછા આવીને, તેમણે સ્થાનિક યુવાનોને સંગઠિત કરવા યુગાંતર પાર્ટીની સ્થાપના કરી હતી. શિક્ષક બન્યા પછી, તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચિત્તાગોંગ જિલ્લા શાખાના પ્રમુખ તરીકે પણ ચૂંટાયા. પૈસા અને શસ્ત્રોનો અભાવ જોઈને તેમણે બ્રિટિશ સરકાર સાથે ગેરિલા યુદ્ધ કરવાનું નક્કી કર્યું. તેઓએ ૨૩ ડિસેમ્બર ૧૯૨૩ના રોજ ચટગાંવમાં આસામ-બંગાળ રેલ્વેની ટ્રેઝરી ઓફિસને લૂંટી લીધી હતી. પરંતુ તેમની સૌથી મોટી સફળતા ચિત્તાગોંગ આર્મરી રેઈડના રૂપમાં મળી, જેણે બ્રિટિશ સરકારને હચમચાવી દીધી.

 માસ્ટરા દાએ યુવાનોને સંગઠિત કર્યા અને ભારતીય લોકશાહી આર્મી નામની સંસ્થા બનાવી. ૧૮ એપ્રિલ, ૧૯૩૦ના રોજ, લશ્કરી વસ્ત્રોમાં આ યુવાનોના નેતૃત્વ હેઠળ બે ટીમો બનાવી. તેઓએ ચિટાગોંગના સહાયક લશ્કરી શસ્ત્રાગાર પર કબજો કર્યો. પરંતુ કમનસીબે તેમને બંદૂકો મળી, પણ તેમની ગોળીઓ મળી શકી નહીં. ક્રાંતિકારીઓએ ટેલિફોન અને ટેલિગ્રાફના વાયરો કાપી નાખ્યા અને રેલરોડ બ્લોક કરી દીધા. તેણે પોતાની સાહસિક ઘટનાઓથી બ્રિટિશ સરકારને સ્તબ્ધ કરવાનું ચાલુ રાખ્યું. જો કે, ૨૨ એપ્રિલના રોજ, હજારો બ્રિટિશ સૈન્ય કર્મચારીઓ તેમની સાથે જલાલાબાદ ટેકરી પર અથડાયા અને બંને પક્ષો ઘાતકી સંઘર્ષમાં સામેલ થયા. આ યુદ્ધમાં, ૧૨ ક્રાંતિકારીઓ અને ૮૦ બ્રિટિશ આર્મી કર્મચારીઓ મૃત્યુ પામ્યા. વિજયની કોઈ આશા ન દેખાતા, સેન અને તેના સાથીઓ પડોશી ગામોમાં ભાગી ગયા જ્યાં તેઓએ પોતાની જાતને નાના જૂથોમાં વહેંચી દીધી અને વસાહતી કર્મચારીઓ અને મિલકત પર ગેરીલા દરોડા અને આશ્ચર્યજનક હુમલાઓ કર્યા. સૂર્ય સેનની ક્રિયાઓથી સ્તબ્ધ થઈને, અંગ્રેજોએ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા ગામોની આસપાસ ક્રૂર કોમ્બિંગ ઓપરેશનની શ્રેણી શરૂ કરી જ્યાં ક્રાંતિકારીઓ છુપાયેલા હતા. દમનકારી બ્રિટિશ ક્રિયાઓ છતાં, આ ગ્રામજનોએ સૂર્ય અને તેના પક્ષ સાથે દગો કર્યો ન હતો. તેના બદલે લોકોએ તેમને ત્રણ વર્ષ માટે ખોરાક, કામ અને આશ્રયની ઓફર કરી. આવી ઘણી ઘટનાઓમાં, ૧૯૩૦ થી ૧૯૩૨ ની વચ્ચે ૨૨ બ્રિટિશ અધિકારીઓ અને તેમના લગભગ ૨૨૦ સહાયકોની હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન માસ્ટર સૂર્યસેનને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બ્રિટિશ સરકારે સૂર્યસેન પર ૧૦ હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. તેના લોભમાં, સૂર્ય સેનને ૧૬ ફેબ્રુઆરી, ૧૯૩૩ના રોજ એક કપટી સાથી નેત્રસેનની બાતમી ના આધારે બ્રિટિશ પોલીસે ધરપકડ કરી હતી. ઘટનાઓની ક્રૂર શ્રેણીમાં, નેત્રાસેનને તેના વિશ્વાસઘાત માટે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. સેનના સાથી ક્રાંતિકારીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી અને ઘણા વર્ષોની જેલની સજા થઈ. ૧૨ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ ફાંસીની ક્ષણો પહેલાં સેનને નિર્દય અંગ્રેજો દ્વારા નિર્દયતાથી ત્રાસ આપવામાં આવ્યો હતો. આવા વિરપુરુષ પર આશુતોષ ગોવારિકરે ફિલ્મ પણ બનાવી છે જેમાં અભિષેક બચ્ચન લીડ રોલમાં છે ૅખેલે હમ જી જાન સે'.

 એવા અહેવાલો છે કે કેવી રીતે તેના હાડકાં, અંગો અને સાંધાઓ હથોડીથી વિખેરી નાખવામાં આવ્યા હતા, ઉપરાંત તેના તમામ નખ ફાડી નંખાયા હતા. તમામ યાતનાઓ છતાં સેનનો આત્મા ક્યારેય તૂટ્યો નહીં. 'મૃત્યુ મારા દરવાજે ખટખટાવી રહ્યું છે. મારું મન અનંતકાળ તરફ ઉડી રહ્યું છે ... આવી સુખદ, આવી કબર પર, આવી ગૌરવપૂર્ણ ક્ષણે, હું તમારી પાછળ શું છોડીશ? માત્ર એક જ વસ્તુ, તે મારું સપનું છે, સોનેરી સપનું - આઝાદ ભારતનું સપનું. ૧૮મી એપ્રિલ, ૧૯૩૦, ચિટાગોંગમાં પૂર્વીય વિદ્રોહનો દિવસ ક્યારેય ભૂલશો નહીં... આ તમારા હૃદયના મૂળમાં લાલ અક્ષરોમાં લખો. જેઓએ ભારતની આઝાદીની વેદી પર પોતાનું બલિદાન આપ્યું છે તેવા દેશભકતોના નામ લખો. કોઈએ આપણા ભારતીયોને યાદ અપાવવું જોઈએ કે આવા માણસ આપણી વચ્ચે રહેતા હતા. તેમના બલીદાનને શત શત નમન..  (૪૦.૬)

 માસ્ટર સૂર્યસેનનો છેલ્લો પત્ર

  માસ્ટર સૂર્યસેને ફાંસીના એક દિવસ પહેલા ૧૧ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ એક મિત્રને છેલ્લો પત્ર લખ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, મૃત્યુ મારા દરવાજા પર દસ્તક આપી રહ્યું છે. મારું મન અનંત તરફ વહી રહ્યું છે. આ મારા માટે મૃત્યુને મારા શ્રેષ્ઠ મિત્ર તરીકે સ્વીકારવાની ક્ષણ છે. આ ભાગ્યશાળી, પવિત્ર અને નિર્ણાયક ક્ષણમાં, હું તમારા બધા માટે શું છોડીને જઈ રહ્યો છું? માત્ર એક જ વસ્તુ - મારું સ્વપ્ન, મારું સોનેરી સ્વપ્ન, મારું સ્વતંત્ર ભારતનું સ્વપ્ન. પ્રિય મિત્રો, આગળ વધો અને ક્યારેય પાછળ ન રહો. ઉઠો અને ક્યારેય નિરાશ થશો નહીં. ચોક્કસ સફળ થશો.

 મૃતદેહ બંગાળની ખાડીમાં ફેંકવામાં આવ્યો

 ૧૨ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ, સૂર્યસેનને સાથી તારકેશ્વર સાથે ચિટગાંવ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. પરંતુ ફાંસી આપતા પહેલા તેમને ઘણી અમાનવીય યાતનાઓ આપવામાં આવી હતી. બ્રિટિશ સરકારની ક્રૂરતા અને અપમાનની પરાકાષ્ઠા એ હતી કે તેમના મૃતદેહને પણ મેટલ બોકસમાં બંધ કરીને બંગાળની ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. આઝાદી પછી, બાંગ્લાદેશ સરકાર દ્વારા ચિત્તાગોંગ સેન્ટ્રલ જેલના ફાંસી સિંહાસનને માસ્ટર સૂર્યસેન મેમોરિયલ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫૫૮૪૬૯

(2:57 pm IST)