Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

કિટીપરાના વોંકળાના દબાણો દુર કરવા અમીત અરોરાની સૂચના

આજે વોર્ડ નં. ૩માં લોકોના પ્રશ્નો સાંભળતા મ્યુ. કમિશનર : હવેથી વોર્ડ ઓફિસે બપોરે ૧૨ વાગ્યા સુધી અધિકારીઓએ બેસી નાગરિકોની રજૂઆત સાંભળવી જ પડશે : ખાસ પરિપત્ર

રાજકોટ તા. ૧૭ : મ્યુ. કમિશનર અમિત અરોરા દ્વારા હાલમાં દરરોજ એક વોર્ડમાં ફેરણી કરીને લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે વોર્ડ નં. ૩માં આવેલ કિટીપરાના વોંકળાના દબાણો દુર કરી 'વોટર-વે' ખુલ્લો કરાવવા સુચનાઓ આપી હતી.

કમિશનરે વોર્ડ નં.૩માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ ત્યાં બેસીને સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો ત્યારબાદ ઈશ્વરીયા પાર્ક ગાર્ડન પાસે નવા બનતા સાયન્સ સિટી સુધી ડામર રસ્તાની સુવિધા માટે સ્થળ મુલાકાત કરી કામગીરી શરૂ કરવા સંબધિત અધિકારીને મ્યુનિ. કમિશનરે સુચના આપી હતી.

ઉપરાંત મ્યુનિ. કમિશનરે આ વોર્ડના નવા વિસ્તારમાં સફાઈની સુવિધા વધારવા માટે વ્યવસ્થા કરવા તેમજ કિટ્ટીપરા વોંકળાની અંદર વોટર-વેમાં નડતરરૂપ દબાણો દુર કરવા સુચના આપી હતી.

આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજિયક એરિયા, ટેકસ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેકસીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી. તેમજ કમિશનરશ્રીએ વોર્ડમાં હાલ ચાલી રહેલી કોવીડ વેકસીનેશન, ટેકસ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની સમીક્ષા કરી હતી. આગામી મહિનાઓમાં વોર્ડમાં બાકી મિલકત વેરાની વસુલાત અંગે ચર્ચા કરી હતી.

આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, આસી. ટાઉન પ્લાનિંગ અઢીયા, ડીઈઈ શ્રીવાસ્તવ અને વોર્ડ નં. ૩ના વોર્ડ ઓફિસર નીલમ બેલીમ હાજર રહ્યા હતા.

અધિકારીઓને વોર્ડ ઓફિસે બેસવું ફરજીયાત

વોર્ડમાં ફેરણી દરમિયાન મ્યુ. કમિશનરશ્રીને લોકોએ ફરિયાદ કરી હતી કે વોર્ડ ઓફિસે કોઇ અધિકારી બેસતા જ નથી ?? આથી, મ્યુ. કમિશનરશ્રીએ આજે તાત્કાલિક પરિપત્ર બહાર પાડી અને વોર્ડ ઓફિસે દરરોજ સવારે ૧૧ થી ૧૨ સુધી વોર્ડ ઓફિસર, વોર્ડ ઇજનેર, સેનેટરી ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓએ ફરજીયાત બેસી અને લોકોની રજૂઆત સાંભળવી જ પડશે તેવો હુકમ કર્યો છે. આમ, હવે લોકોને રજૂઆત માટે ધક્કા નહી થાય.

(3:58 pm IST)