Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

બાલાજી મંદિર વિવાદઃ હાઇકોર્ટની સૂચના છે કે શકય હોય તો અને ઇચ્‍છનીય લાગે તો કલેકટરે નિર્ણય લેવો : પ્રભવ જોષી

સ્‍થળ મુલાકાત દરમિયાન ગેરકાયદેસર બાંધકામ-અન્નક્ષેત્ર- ઓટલા તોડી પડાયા વિગેરે રજુઆતો આવી હતી : બંને પક્ષકારોને નોટીસો ફટકારાઇઃ આવતા બુધવારે સુનાવણીઃ તમામ રેકર્ડની તપાસણી કરાશે

રાજકોટ, તા. ૧૮ : રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું કે પોતે ગઇકાલે બાલાજી મંદિર ખાતે સ્‍થળ વિઝીટ કરી હતી, આ સમયે ત્‍યાંના સ્‍થાનિક લોકોએ વિવિધ પ્રકારે રજુઆતો કરી હતી, કોઇએ ગેરકાયદેસર બાંધકામ જણાવ્‍યું, તો અન્‍ય લોકોએ અન્ન ક્ષેત્ર બંધ કરાવાયું, અડચણો ઉભી કરાઇ તો અમુકે ઓટલા તોડી પડાયા વિગેરે બાબતે પોતપોતાની રીતે રજુઆતો કરી હતી.

હાઇકોર્ટને રીપોર્ટ કરશો કે કેમ તે અંગે કલેકટરે જણાવેલ કે હાઇકોર્ટની સૂચના નિર્દેશ છે કે ૪ વીકમાં શકય હોય તો અને ઇચ્‍છનીય લાગે તો કલેકટર પોતે નિર્ણય લેવો.

કલેકટરશ્રી પ્રભવ જોષીએ ઉમેર્યુ હતું કે અમે બંને પક્ષકારોને ગઇકાલે જ નોટીસો આપી છે, આવતા વીકમાં એટલે કે આવતા બુધવારે બંને પક્ષકારોની સુનાવણી રખાઇ છે, બંને પક્ષકારોને સાંભળીશુ, કાયદાકીય તમામ રેકોર્ડની તપાસણી થશે, અને ત્‍યારબાદ કાંઇ મહત્‍વના તારણ ઉપર પહોંચીશુ, ગઇકાલે કલેકટરશ્રી એ સ્‍થળ વિઝીટ દરમિયાન બાલાજી મંદિર પટાંગણમાં કઇ રીતે સ્‍થિતિ છે, બાંધકામ વિગેરે બાબતો ખાસ નીહાળી હતી.

(3:27 pm IST)