Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજકોટના વેલ્‍યુઅર વૃધ્‍ધની ભાવનગરની ઓફિસમાંથી મહિલા કર્મચારીનો પુત્ર વેચવાના બ્‍હાને સરસામાન ચોરી ગયો !

ભાવનગર તા.૧૯ : રાજકોટમાં રહેતા અને વેલ્‍યુઅર તરીકે કામ કરતા વૃદ્ધની ભાવનગરના કાળાનાળા વિસ્‍તારમાં આવેલ બે ઓફિસનું ફર્નિચર, કોમ્‍પ્‍યુટર, એસી સહિતનો તમામ સમાન તેમજ ઓફિસના અસલ દસ્‍તાવેજ સહિતના ડોક્‍યુમેન્‍ટની તેમની ઓફિસમાં કામ કરતા મહિલા કર્મચારીનો પુત્ર ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાતા નીલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચોરીની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ઇન્‍દિરા સર્કલ નજીક ન્‍યુ એમ્‍પાયર બિલ્‍ડીંગમાં રહેતા અને વેલ્‍યુઅર તરીકે કામકાજ કરતા નીતિનભાઈ કાંતિભાઈ નાયક (ઉં.વ.૬૨) ની કાળાનાળા વિસ્‍તારમાં આવેલ પંચકલ્‍યાણ કોમ્‍પ્‍લેક્‍સ અને પૃથ્‍વી કોમ્‍પ્‍લેક્‍સમાં બે અલગ અલગ ઓફિસની ચાવી ભાવનગરમાં રહેતા અને છેલ્લા ૨૫ વર્ષથી નીતિનભાઈ સાથે કામ કરતા બીનાબેન જતીનભાઈ પટેલ પાસે રહેતી હોય ઓફિસનું કામકાજ હોય ત્‍યારે તેઓ કામ કરી આપતા હતા.

દરમિયાન ગત તા. ૧૯ અને ૨૦ ડિસેમ્‍બર ૨૦૨૨ દરમિયાન બીનાબેન પટેલનો દીકરો વિશાલ જતીનભાઈ પટેલ (રહે. બાલયોગીનગર, રીંગરોડ) બંને ઓફિસમાંથી તમામ ફર્નિચર, બે કોમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર, કમ્‍પ્રેસર સાથેનું એ.સી., ઇન્‍વેટર, બેટરી, ત્રણ નંગ પંખા, એલઇડી લાઇટ તેમજ ઓફિસ તથા ઘરના અસલ દસ્‍તાવેજો લઈ ગયો હતો.

પંચકલ્‍યાણ કોમ્‍પ્‍લેક્‍સમાં આવેલ ઓફિસની બાજુમાં ઓફિસ ધરાવતા જીગ્નેશભાઈ અંધારીયાએ ફર્નિચર લઈ જવા બાબતે વિશાલને પૂછતા તેણે ઓફિસ વેચી દેવાની હોવાથી બધા સામાન પણ વેચવા માટે લઈ જવાનો છે તેનું જણાવતા જીગ્નેશભાઈએ નીતિનભાઈને ફોન કરીને આ બાબતની જાણ કરી હતી. આ બનાવ અંગે નીતિનભાઈ તેમના મહિલા કર્મચારી બીનાબહેનને પૂછતા તેઓ આ બાબતથી અજાણ હોવાનું જણાવ્‍યું હતું.

છ માસ પહેલા થયેલ ચોરી અંગે બીપીનભાઈએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રંઘોળામાં બસ હડફેટે મહિલાનું મોત

ઉમરાળા ગામમાં રહેતા રંજનબા કિશોરસિંહ ગોહિલ ( ઉં.વ.૪૦ )ᅠ તેમના બહેન ગીતાબા સાથે રંઘોળા આરોગ્‍ય કેન્‍દ્રમાં દવા લેવા ગયા હતા ત્‍યારે આરોગ્‍ય કેન્‍દ્રના દરવાજાની બહાર રોડ પર ભાવનગર તરફથી આવતી એસ.ટી. બસ નં. જી.જે.૧૮-ઝેડ ૮૮૩૫ એ અડફેટે લેતા રંજનબાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત ભાવનગર હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ બનાવ અંગે મૃતકના દિયર પૃથ્‍વીરાજસિંહ જયરાજસિંહ ગોહિલે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઉમરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)