Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સોશિયલ મીડિયાના સમયમાં બાળકો મોબાઇલથી દૂર રહે અને શારીરિક તથા રચનાત્‍મક પ્રવળતિ કરે તે ઉદેશથી મ્‍યુઝિયમ દ્વારા વર્કશોપ : નિરાલા જોષી

આંતરરાષ્‍ટ્રિય મ્‍યુઝિયમ દિને' રાજકોટના વોટસન મ્‍યુઝિયમમાં ૨૦ મે સુધી ચાલનારા મહાન હસ્‍તીઓના ઓટોગ્રાફનું પ્રદર્શન તથા પેપર આર્ટ વર્કશોપનો નાયબ માહિતી નિયામકના હસ્‍તે શુભારંભ : ધો.૧૨ ની ૧૮ વર્ષીય વિદ્યાર્થીનિ કુ.હિરલ રાઠોડના નિદર્શનમાં પેપર આર્ટ વર્કશોપમાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ લીધો ભાગ લઇ બનાવ્‍યા રંગબેરંગી પોસ્‍ટર્સ

 રાજકોટ તા. ૧૯ : ‘આંતરરાષ્‍ટ્રિય મ્‍યુઝિયમ દિને' વોટસન મ્‍યુઝિયમ, રાજકોટ દ્વારા તા. ૨૦ મે ૨૦૨૩ સુધી ચાલનારા રાજકોટના યુવા સંગ્રાહક શ્રી રક્ષિત પાંભરના વિશ્વ વિખ્‍યાત હસ્‍તીઓના ઓટોગ્રાફના - ‘મહાનુભાવોના ભાવભર્યા હસ્‍તાક્ષર'નું પ્રદર્શન અને કલર થેરાપી આધારિત પેપર આર્ટનો એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. આ બંને કાર્યક્રમોનો શુભારંભ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક નિરાલા જોષીના દિપપ્રાગ્‍યટય થકી થયો હતો.

 આ તકે નાયબ માહિતી નિયામક નિરાલા જોષીએ કહયું હતું કે, ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળતિઓ વિભાગના પુરાતત્‍વ અને સંગ્રહાલય ખાતા દ્વારા પ્રાચીન કલા અને સંસ્‍કળતિના વારસારૂપ નમુનાના સંરક્ષણ પ્રત્‍યે સભાનતા કેળવાય અને કલા પ્રવળતિમાં રસ ઉત્‍પન્ન થાય એ હેતુથી મ્‍યુઝિયમ દિનની ઉજવણીરૂપે આ શૈક્ષણિક, સંસ્‍કળતિક કાર્યક્રમો યોજાય છે. સોશિયલ મીડિયાના આ સમયમાં બાળકો મોબાઇલથી દૂર રહે અને શારીરિક તથા રચનાત્‍મક પ્રવળતિ કરે તે ઉદેશથી મ્‍યુઝિયમ દ્વારા આયોજિત  કરાયેલા આ વર્કશોપને સારો એવો પ્રતિસાદ બાળકો અને તેમના વાલીઓ તરફથી મળ્‍યો છે, જે સરાહનીય છે.

 રાજકોટના જ ધો.૧૨ના વિદ્યાર્થી અને યુવા કલાકાર - હિરલ રાઠોડના નિદર્શનમાં બાળકો-વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા કેળવાય, માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારુ રહે તેવા કલર થેરેપી આધારીત પેપર આર્ટના વર્કશોપ યોજાયો હતો, જેમાં ધો ૧૨ સુધીના ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

 વોટસન મ્‍યુઝિયમના કયુરેટર સંગીતા એન.રામાનુજે પેપર આર્ટ વર્કશોપ સંદર્ભે જણાવ્‍યુ હતું કે, થોડા સમય પહેલા અમારા મ્‍યુઝિયમની મુલાકાતે લાલબહાદુર સ્‍કુલના વિદ્યાર્થીઓ આવ્‍યા હતા. આ દરમિયાન શાળાના શિક્ષકે મને કહયુ કે અમારી વિદ્યાર્થિની હિરલ રાઠોડ સરસ પેપર આર્ટ કરે છે. તેના આ હુન્નર થકી અમારી શાળાની ‘મેરી ટેલેન્‍ટ મેરી પહેચાન' સ્‍પર્ધામાં વિજેતા બની છે. તેથી ૧૮ વર્ષીય ધો.૧૨ની છાત્રા હિરલના આ હુન્‍નરને અમે પિછાણી વિદ્યાર્થીઓનો હસ્‍ત કલાકારીમાં ઝુકાવ કેળવે તે માટે મ્‍યુઝિયમ ડેના દિવસે જ મ્‍યુઝિયમ દ્વારા જ કુ. હિરલના નિદર્શનમાં વર્કશોપનું આયોજન કર્યુ. મ્‍યુઝિયમ દ્વારા બાળકોને હાર્ડબોર્ડ, ઓઇલ પેઇન્‍ટ,  ટીસ્‍યુ પેપર, ફેવિકોલ, બ્રશ સહિતની સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. આમ મ્‍યુઝિયમમાં બાળકોના લાભાર્થે પેપર વર્કનો વર્કશોપ પ્રથમ વખત કર્યો.

 આ પેપર આર્ટના વર્કશોપમાં ભાગ લેનાર ધો.૯ની ૧૪ વર્ષની છાત્રા પ્રકળતિ નાકરાણી કહે છે, આ વર્કશોપ દ્વારા મને ઓઇલ પેઇન્‍ટ અને ટીસ્‍યુના ઉપયોગથી હેન્‍ડીક્રાફટના પોસ્‍ટર્સ બનાવતાં શીખવા મળ્‍યુ. હાર્ડ બોર્ડ ઉપર પહેલા ડ્રો પણ જાતે કર્યુ હતું. આ વર્ક શોપ અમારા જેવા વિદ્યાર્થીઓની કલા અને કૌશલ્‍ય બહાર લાવે છે. અને અમને આર્ટની વધુ નજીક લઇ જાય છે.

  મહાનુભાવોના ભાવભર્યા હસ્‍તાક્ષરના પ્રદર્શનમાં ભારતરત્‍ન સ્‍વર સામ્રાજ્ઞી લતા મંગેશકર, રમતવીર કેપ્‍ટન ધ્‍યાનચંદ, સચીન તેંડુલકર,  શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ સહિત આઝાદી માટે જેમનું અણમોલ યોગદાન છે તેવા મહાત્‍મા ગાંધીજી, ધર્મગુરુ દલાઇ લામા તેમજ ભારતના પ્રથમ અવકાશયાત્રીશ્રી રાકેશ શર્મા, ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રીશ્રી જીવરાજ મહેતા વગેરે વિખ્‍યાત હસ્‍તીઓના હસ્‍તાક્ષરનું કલેકશન લોકો માટે ખુલ્લુ મુકાયુ છે. આ પ્રદર્શન થકી એ મેસેજ પણ આપવામાં આવે છે કે અભિલેખિત વસ્‍તુઓને કેવી રીતે સુરક્ષિત કરવી અને તેનું કલેક્‍શન કેમ કરવું. આવી કલાકળતિઓની જાળવણી માટે યુવાઓને પ્રોત્‍સાહન અને પ્રેરણા મળે એવો ઉમદા ઉદ્દેશ્‍યથી આ કાર્યક્રમો યોજાયા છે. (૨૫.૮)

 

(-પારૂલ આડેસરા -માહિતી ખાતુ - રાજકોટ)

(3:08 pm IST)