Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

‘કેમ છો બધા' ?! : રાજકોટમાં ૧૦ વર્ષથી વધુ સમયથી રહેતા પાકિસ્‍તાની હિન્‍દુ નાગરિકોને આવકારતા હર્ષ સંઘવી

કલેકટર કચેરી ખાતે ૧૩ લોકોને ભારતીય નાગરિકત્‍વ અપાયુ : શાંતિનો અનુભવ કરતા નાગરિકો

રાજકોટ તા. ૧૯ : પાકિસ્‍તાનથી સ્‍થળાંતરિત થઇ રાજકોટમા નિવાસ કરતા ૧૩ વ્‍યક્‍તિઓને ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્‍તે કલેકટર કચેરી ખાતે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ‘કેમ છો બધા' કહીને સૌને સહર્ષ આવકાર્યા હતા અને જણાવ્‍યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકાર સ્‍થળાંતરિત થયેલ નાગરિકોને સમાજના મુખ્‍ય પ્રવાહમાં સામેલ કરવા માટે હરહંમેશ પ્રતિબધ્‍ધ છે. સ્‍થળાંતરિત થયેલ લોકોના રોજિંદા જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર નક્કર પ્રયાસો કરે જ છે, જેના ભાગરૂપે આજે ૧૩ નાગરિકોને નાગરિકતાપત્ર અપાઇ રહયા છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ મોઢું મીઠું કરાવીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરતા ૧૩ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.

પાકિસ્‍તાનના કરાંચીમાંથી આવેલા અને છેલ્લા ૧૦ વર્ષથી રાજકોટમાં રહેતા શ્રી ભવાન વાપીએ ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી અને આભાર માનતા કહ્યું હતું કે, આજે અમે કોઈ પણ પ્રકારના ડર વિના જીવન જીવી રહ્યા છીએ. પાકિસ્‍તાનમાંથી જયારે ભારત આવ્‍યા ત્‍યારે જે શાંતિનો અનુભવ થયો હતો તે શાંતિ ભારતીય નાગરિકત્‍વ પ્રાપ્ત કરીને આજે ફરી અનુભવી છે. જે બદલ રાજય અને કેન્‍દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આ કાર્યક્રમમાં મેયર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્‍ય સર્વ શ્રી દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ,  રમેશભાઈ ટીલાળા, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, ક્રાઇમ બ્રાન્‍ચના ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. પૂજા યાદવ, પ્રાંત અધિકારી કે.જી.ચૌધરી અને અગ્રણી કમલેશ મીરાણી સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:37 pm IST)