Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

રાજકોટમાં વધુ ૨૮ કિલો ગાંજો પકડાયો: શહેર એસઓજીએ ભાવનગર, શાપરના બે શખ્સને દબોચ્યા: શાપરની જમનાનું નામ ખુલ્યું: પીઆઇ જે.ડી.ઝાલાની ટીમનેસફળતા

એએસઆઇ ડી.બી.ખેર, હેડકોન્સ. ફીરોઝભાઇ રાઠોડ તથા દિગ્વીજયસિંહ ગોહીલની સંયુકત બાતમી

રાજકોટ: શહેર ભક્તિનગર પોલીસે બે શખ્સને ૨૦ કિલો ગાંજા સાથે પકડ્યા બાદ શહેર એસઓજીએ બે શખ્સને ૨૮ કિલો ગાંજા સાથે પકડ્યા છે અને એક શખ્સનું નામ ખુલ્યું છે.

 એસઓજીના પો.ઇન્સ. જે.ડી.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. ડી.બી.ખેર, હે.કો. ફીરોઝભાઇ રાઠોડ તથા દિગ્વીજયસિંહ ગોહીલની સંયુકત બાતમી પરથી અમદાવાદ હાઇવે ઉપર બામણબોર બાયપાસ હોટલ દાસારામ સામેના રોડ પરથી મહમદયાસી ઉર્ફે આશીફ ગુલામહુશેન કુરેશી-મુસ્લીમ સિપાઇ (ઉ.૪૨ રહે. સુંદરનગર વાઘનગર ગામ તા.મહુવા જી.ભાવનગર) તથા બુધેશ ભાલચંદ્ર પંડીત-બ્રામ્હણ (ઉ.૩૩ રેહ. ગણેશનગર મફતીયાપરા શાંતીધામ શાપર તા.ગોંડલ)ને રૂ.૨,૮૪,૧૫૦ના ૨૮ કિલો ગાંજા સાથે પકડી લીધા છે. શાપરની જમના નામની મહિલાનું નામ ખુલ્યું છે.

પોલીસે દસ હજારનો ફોન અને ૧૪૫૦ની રોકડ પણ કબ્જે કરી છે.

 પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ  ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેરમાં વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ તે અંતર્ગત આ કામગીરી થઈ હતી.

પીઆઇ જે.ડી. ઝાલા, એ.એસ.આઇ. ડી.બી.ખેર, હે.કોન્સ. દિગ્વીજયસિંહ ગોહીલ તથા ફીરોઝભાઇ રાઠોડ, હેડ કોન્સ. અરૂણભાઇ બાંભણીયા તથા ડ્રા.હે.કો. કૃષ્ણસિંહ જાડેજાએ આ કામગીરી કરી છે.પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી એસ.એચ.ઉપાધ્યાયએ આપ્યો હતો. 

(8:50 pm IST)