Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

રાજકોટ જિલ્લામાં ૧૮૧ રેસ્‍કયુ વાહનની સંખ્‍યામાં વધારો કરવા કલેકટર દ્વારા દરખાસ્‍ત : સમીક્ષા બેઠક મળી

રાજકોટ તા.૨૧ : મહિલાઓને મુશ્‍કેલીમાં તાત્‍કાલિક મદદ મળી રહે તે માટે સરકાર દ્વારા યોજનાઓનું અમલીકરણ કરી શ્રેષ્ઠ સામાજિક સેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે રાજકોટ જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંકલનથી વિવિધ એજન્‍સીઓની સાથે મળીને મહિલા કલ્‍યાણની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે જે અંતર્ગત કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ ના અધ્‍યક્ષ સ્‍થાને મહિલા હેલ્‍પલાઇન  અભયમ ૧૮૧ની કામગીરી તેમજ ડીસ્‍ટ્રીક મોનીટરીંગ કમિટી અંતર્ગત સખી વન સ્‍ટોપ સેન્‍ટરની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
 રાજકોટ જિલ્લામાં  ૧૮૧ ટીમ દ્વારા મહત્‍વની કામગીરી કરવામાં આવી રહી હોય એની જરૂરિયાત મુજબ વધારે રેસ્‍કયુ વાન ૧૮૧ની જરૂર હોવાથી તે અંગે સરકારમાં દરખાસ્‍ત કરવામાં આવશે.જિલ્લામાં હાલ પાંચ વાહનો ઉપલબ્‍ધ છે. આ ઉપરાંત વન એઇટ વન ની કામગીરી અને કઈ રીતે મદદ મેળવી શકાય છે તે અંગે  મહિલાઓની અવર જવર વધારે હોય તેવા વિસ્‍તારોમાં આઇ.ઇ.સી.ની  પ્રવૃત્તિ વધારવા અને ટાર્ગેટ ઓડિયન્‍સ મુજબ કામગીરી કરવા કલેકટરશ્રી ધ્‍વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું.
રાજકોટમાં નવા બની રહેલા સખી વન સ્‍ટોપ ની બાંધકામની કામગીરી આગામી બે મહિનામાં પૂર્ણ થઇ જાય તે માટે કલેક્‍ટરે  સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લામાં  હાલ કરવામાં આવેલી કામગીરી અંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે માહિતી આપી હતી.
કમિટી મેમ્‍બર  જજ પ્રગતિબેન જૈન અને એમ.એ.કૌશિકે  અસરકારક કામગીરી માટે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપ્‍યું હતું.
આ બેઠકમાં દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન સિંગાળા, સોનલબેન રાઠોડ, મહિલા પોલીસ તેમજ અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.(

 

(10:33 am IST)