Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

મનહરપુરના ચારૂબેન મારકુટથી બચવા એક્‍ટીવા લઇ ભાગ્‍યા, પતિ અને દિયરે ન્‍યારા પાસે આંતરી ધોકાવી હાથ ભાંગી નાખ્‍યો

પતિ જૂગારનો ફિલ્‍ડ બેસાડતો હોઇ પખવાડીયા પહેલા પોલીસને બોલાવતાં ખાર ખાઇ ગયો'તો : કોળી મહિલાએ ભાઇને ફોન કર્યો હોઇ ભાઇ હસમુખ અને કાકાજીનો દિકરો હાર્દિક બચાવવા આવતાં તેની પતિ ચંદુ અને દિયર દેવશીએ ધોલધપાટ કરીઃ ચંદુને પણ ઝપાઝપીમાં ઇજા

રાજકોટ તા. ૨૧: જામનગર રોડ પર મનહરપુરમાં રહેતી અને પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવતી ચારૂબેન ચંદુભાઇ સમેરવા (ઉ.વ.૩૫) નામની કોળી મહિલાને રાતે તેનો પતિ ચંદુ અને દિયર દેવશી મારકુટ કરતાં હોઇ તે મારથી બચવા એક્‍ટીવા હંકારી આણંદપર કોઠારીયા પોતાના માવતરે જવા ઘરેથી ભાગતાં પતિ-દિયરે ન્‍યારા નજીક આંતરી લઇ ધોકાવાળી કરી હાથ ભાંગી નાંખ્‍યા હતાં. વચ્‍ચે પડેલા તેના ભાઇ અને કાકાજીના દિકરાને પણ ફટકારવામાં આવ્‍યા હતાં.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મનહરપુર રહેતી ચારૂબેન ચંદુભાઇ સમેરવા (ઉ.૩૫) તથા તેણીનો પતિ ચંદુ વેલજીભાઇ સમેરવા (ઉ.૩૫) તેમજ ન્‍યારા ગામે રહેતો કાકાજીનો દિકરો દેવજી મુકેશભાઇ વાડોદરીયા (ઉ.૩૨) અને કોઠારીયા આણંદપર રહેતો તેણીનો ભાઇ હસમુખ બટુકભાઇ દારોદરા (ઉ.૩૧) રાતે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં. જેમાં ચારૂબેને પોતાના પર પતિ ચંદુ અને દિયર દેવસી તેમજ હસુ સહિતે ધોકાથી હુમલો કરી હાથ ભાંગી નાંખ્‍યાનું જણાવ્‍યું હતું. જ્‍યારે હસમુખ અને દેવજીએ પોતાને ચંદુ અને તેના ભાઇ દેવશીએ મારકુટ કર્યાનું જણાવ્‍યું હતું. જ્‍યારે ચંદુએ પોતાને સાળા હસમુખ અને કાકાના દિકરા દેવજીએ મારકુટ કર્યાનો આક્ષેપ કરતાં ચારેયને દાખલ કરાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી.

ચારૂબેને હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યું હતું કે હું પારકા ઘરના કામ કરુ છું. મારે બે સંતાન છે. પતિ ચંદુ અને દિયર દેવશી રિક્ષા હંકારે છે. મારા પતિ ચંદુને જૂગાર રમવાની લત્ત લાગી ગઇ હોઇ પંદરેક દિવસ પહેલા તેણે ઘરે જૂગારનું ફિલ્‍ડ બેસાડતાં મેં પોલીસને જાણ કરી દેતાં પોલીસ આવી હતી. જો કે એ પહેલા પતિ સહિતના ભાગી ગયા હતાં. તે રમી શકતો ન હોઇ ત્‍યારથી મારા પર ખાર ખાઇને ફરતો હતો. ગત રાતે બાજુમાં રહેતો મારો દિયર દેવશી આવ્‍યો હતો અને તેણે તથા મારા પતિએ મળી મને મારકુટ ચાલુ કરી હતી. દિયર પણ અગાઉથી હેરાન કરે છે.

આ બંનેના મારથી બચવા હું એક્‍ટીવા લઇ આણંદપર માવતરે જવા ઘરેથી ભાગી નીકળી હતી. રસ્‍તામાંથી મારા ભાઇ હસમુખને ફોન કરી સામે આવવા કહ્યું હતું. પણ હું ન્‍યારા પહોંચી ત્‍યાં પતિ અને દિયરે પકડી લીધી હતી. એ વખતે જ મારો ભાઇ હસમુખ આવી ગયો હતો. ન્‍યારા રહેતો કાકાજીનો દિકરો દેવજી પણ નીકળતાં તે પણ આવી ગયો હતો. પતિ અને દિયરે અમને ત્રણેયને ધોકાથી ફટકાર્યા હતાં. તેમ વધુમાં ચારૂબેન જણાવતાં પડધરી પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

 

 

 

 

 

 

આટલા ગુના ઓછા હતાં ત્‍યાં હવે આકાશ ઉર્ફે મરચો ગાંજાના રવાડે ચડયોઃ એસઓજીએ પકડયો

ચોરી, લૂંટ, ચિલઝડપ, ધાકધમકી...૨૮ ગુનામાં અગાઉ સંડોવાઇ ચુક્‍યો હતો

પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ ડી. બી. ખેર અને ટીમે ભાવનગર રોડ પરથી પકડયોઃ ૮૦૦ ગ્રામ ગાંજો સુરતથી લાવ્‍યાનું રટણઃ જયંતિભાઇ ગોવાણી, ઇન્‍દ્રસિંહ જાડેજા, હાર્દિકસિંહ પરમાર અને કૃષ્‍ણદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૧: શહેરના ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ પાસે મનહરપરા-૭માંરહેતાં નામચીન ચિલઝડપકાર આકાશ ઉર્ફ મરચો હરિભાઇ બાબરીયા (ઉ.૨૫)ને તેના ઘર નજીક મનહરપરા રોડ પર ટીવીએસ મોપેડ નં. જીજે૦૩ડીએસ-૫૩૦૫માં રૂા. ૮૦૦નો ગાંજો રાખી નીકળતાં પોલીસને જોઇ ભાગતાં તેને દબોચી લેવાયો હતો. થોરાળા પોલીસ સ્‍ટેશનમાં તેના વિરૂધ્‍ધ એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો છે. આકાશ ઉર્ફ મરચો ૨૦૧૪થી શહેરમાં ચિલઝડપ, લૂંટ સહિતના ગુના આચરે છે. પકડાય, જેલમાં જાય, છુટે અને ફરીથી આવુ જ કરવાની આદત ધરાવે છે. અત્‍યાર સુધી તેના વિરૂધ્‍ધ ચોરી-લૂંટ-ચિલઝડપ-ધમકીના ૨૮ ગુના નોંધાયા હતાં. હવે બાકી રહી ગયું હોય તેમ ગાંજા સાથે પકડાતાં એનડીપીએસના ગુનામાં પકડાયો છે.

આકાશ ઉર્ફ મરચા વિરૂધ્‍ધ રાજકોટ પ્ર.નગર, ભક્‍તિનગર, બી-ડિવીઝન, એ-ડિવીઝન, વાંકાનેર તાલુકા, માલવીયાનગર, થોરાળા, તાલુકા, યુનિવર્સિટી અને બી-ડિવીઝન પોલીસની હદમાં છેલ્લા નવ વર્ષમાં ૨૮ ગુના નોંધાયા હતાં. હવે ૨૯મો ગાંજાનો ગુનો થોરાળામાં દાખલ થયો છે.

પ્રાથમિક પુછતાછમાં પોતે સુરત તરફથી ગાંજો લાવ્‍યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ જયંતિભાઇ ગોવાણી, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, રણછોડભાઇ આલ અને હિતેષભાઇ પરમારે આ કામગીરી કરી હતી.

(4:20 pm IST)