Gujarati News

Gujarati News

News of Thursday, 21st April 2022

ભણવામાં ધ્‍યાન દેવાનું કહેનારી માતાને બે દિકરીઓ ધોકા, ધારીયા અને કૂકરથી માર મારી ભાગી ગઇ

બેટી બચાવો-બેટી પઢાઓ...ના નારા વચ્‍ચે બે બેટીઓ અત્‍યંત ક્રોધીત થઇ ગઇ! : મોરબી રોડ નંદનવન સોસાયટીની ઘટનાઃ વસંતબેન સોલંકીને માથામાં ગંભીર ઇજાઃ પોલીસે ૧૮ અને ૧૩ વર્ષની દિકરી સામે ગુનો નોંધ્‍યો : ૧૮ વર્ષની દિકરી કુંદને માર મારતી વખતે બૂમો પાડી કહ્યું-મારે ભણવું નથી છતાં ભણાવે છે!: ઘરમાંથી બંને બહેનો દાગીના પણ લેતી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૧: દિકરીઓ ભણી ગણીને આગળ વધે એ માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. બેટી બચાઓ, બેટી પઢાઓના સુત્રને પણ લોકો અનુસરી રહ્યા છે. બીજી તરફ શહેરના મોરબી રોડ પર વેલનાથપરાની સામે ગણેશ પાર્ક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં રહેતી બે બેટી ભણવાની બાબતમાં માતા દ્વારા થઇ રહેલી ટકોરને કારણે અત્‍યંત ક્રોધીત થઇ જતાં ૧૮ અને ૧૩ વર્ષની આ બે બેટીઓ સગી જનેતા પર ધોકા, કૂકર અને ધારીયાથી હુમલો કરી તેણીને લોહીલુહાણ કરી ઘરેથી ભાગી ગયાનો બનાવ સામે આવતાં ચર્ચા જાગી છે. પોલીસે આ બનાવમાં ગુનો નોંધી બંને બહેનોની શોધખોળ શરૂ કરી છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે નંદનવન સોસાયટીમાં રહેતાં વસંતબેન મનોજભાઇ સોલંકી (ઉ.૩૫) નામના દેવીપૂજક મહિલાની ફરિયાદ પરથી તેની ૧૮ વર્ષની દિકરી કુંદન અને ૧૩ વર્ષની દિકરી સામે આઇપીસી ૩૨૬, ૧૧૪, ૫૦૪, ૫૦૬ (૨), જીપીએક્‍ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો છે. વસંતબેને પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારે સંતાનમાં ત્રણ દિકરા અને બે દિકરી છે. મારા પતિ બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. તા. ૧૯/૪ના રાતે સાડા નવેક વાગ્‍યે મારા પતિ મનોજભાઇ અને મારા બે દિકરા વિશાલ તથા મહેન્‍દ્ર ચોટીલાના મોલડી ખાતે માતાજીના માંડવે ગયા હતાં. હું તથા મારો દિકરો મયુર અને બે દિકરી કુંદન તથા સગીર દિકરી ઘરે હતાં. મયુર ઘરમાં સુઇ ગયો હતો. બંને દિકરી ફળીયામાં બેઠી હતી. હું રૂમમાંથી બહાર ફળીયામાં આવી બાથરૂમ જતી હતી ત્‍યારે મારી દિકરી કુંદને અચાનક લાકડાનો ધોકો ઉપાડી મારા માથામાં ફટકારી દીધો હતો. જેથી હું પડી ગઇ હતી. એ પછી કુંદન અને સગીર દિકરી મારી ઉપર બેસી ગઇ હતી અને મને મારવા માંડી હતી.
કુંદન એવું બોલતી હતી કે-મારે ભણવું નથી તેમ છતાં મનેભણાવે છે, અને નાની દિકરીને પણ મને માર મારવાનું કહી ઉશ્‍કેરતી હતી. એ પછી કુંદને ફળીયામાં પડેલા કૂકર વડે માથા પાછળ ઘા ફટકાર્યા હતાં. જેથી મને લોહી નીકળવા માંડયા હતાં. ત્‍યારબાદ બચાવ માટે મેં હાથ આડો રાખતાં કુંદન ઘરમાંથી ધારીયુ લાવી હતી અને હાથમાં ઘા ઝીંકી દીધો હતો. એ પછી કુંદન અને સગીર દિકરી બંને ઘરેથી ભાગી ગઇ હતી. દિકરો મયુર સુતો હોઇ મેં તેને જગાડયો હતો અને પડોશમાંથી મારા જેઠ પ્રકાશભાઇને તે બોલાવી લાવતાં મને ખાનગી હોસ્‍પિટલમાં લઇ ગયા હતાં. હુમલો કરનાર મારી સગી દિકરીઓ હોઇ જેથી અમે જે તે વખતે ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ હવે પરિવારના સભ્‍યોએ ચર્ચા કર્યા બાદ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરતાં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં વસંતબેને જણાવ્‍યું છે.
વસંતબેનના પતિ મનોજભાઇએ કહ્યું હતું કે મોટી દિકરી વર્ષા ધોરણ-૧૦માં બે વખત નાપાસ થઇ છે. આ દિકરી અને તેનાથી નાની દિકરી ભણીને આગળ વધે એવી અમારી ઇચ્‍છા હોવાથી અમે બકાલુ વેંચી, મજૂરી કરી બંનેને ભણાવીએ છીએ. પરંતુ તે ભણવા ઇચ્‍છતી ન હોઇ અને તેની મમ્‍મી તેણે ભણવા બાબતે સતત ટોક ટોક કરતી હોઇ જેથી બંને બહેનો પોતાની મા પર હુમલો કરી ભાગી ગઇ છે. મનોજભાઇએ એવો આક્ષેપ પણ કર્યો છે કે દિકરીઓ ઘરમાંથી સોનાના દાગીના પણ લઇ ગઇ છે. પીએસઆઇ કે. યુ. વાળાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(3:14 pm IST)