Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોના કાબૂમાં આવ્‍યો એમાં યોગનો પણ ખુબ મોટો ભાગઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

શહેરીજનોને રોગમુક્‍ત રહેવા નિયમિત યોગ કરવા આહવાનઃ કોરોના ભગાવવા વેક્‍સીનેશનને પણ મહત્‍વ આપવા અનુરોધ : શહેર પોલીસ હેડક્‍વાર્ટર ખાતે પોલીસ કમિશનર, જોઇન્‍ટ પોલીસ કમિશનર, બંને ડીસીપી, તમામ એસીપી, તમામ પોલીસ ઇન્‍સ્‍પેકટર્સએ સોશિયલ ડિસ્‍ટન્‍સ સાથે યોગ કર્યાઃ શહેર પોલીસે ૧૦ હજાર સુપર સ્‍પ્રેડરને શોધીને વેક્‍સીનેશન કરાવ્‍યું: આજથી મેગા ડ્રાઇવ શરૂ થશે તેમાં બાકી રહેલા તમામને વેક્‍સીન લઇ લેવા અપિલ : આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની શુભેચ્‍છા પાઠવતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલઃ પોતે યોગ ગુરૂ બન્‍યા ને યોગા કરાવ્‍યા

કરો યોગા યોગા...: શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તમામા એસીપી અને તમામ પોલીસ ઇન્‍સ્‍પેકર્ટ્‍સ દ્વારા હેડક્‍વાર્ટર ખાતે યોગા કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.    (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: આજે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિતે શહેરના પોલીસ હેડક્‍વાર્ટર ખાતે વહેલી સવારે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની આગેવાનીમાં તમામ પોલીસ અધિકારીઓએ યોગા કર્યા હતાં. આ પ્રસંગે શ્રી અગ્રવાલે જણાવ્‍યું હતું કે વેૈશ્વિક મહામારી કોરોના હવે ખતમ થવામાં છે. વેક્‍સીનેશનની સાથોસાથ યોગ પણ આ મહામારીને કાબૂમાં લેવામાં ખુબ ઉપયોગી સાબિત થયા છે. સોૈ શહેરીજનોએ રોગમુક્‍ત રહેવા નિયમિત યોગ કરવા જોઇએ. કોરોના મહામારીને નેસ્‍તનાબૂદ કરવા આજથી વેક્‍સીનેશનની મેગા ડ્રાઇવ શરૂ થઇ રહી છે તેમાં બાકી રહી ગયેલા તમામે વેક્‍સીન લઇ લેવી જરૂરી છે. 

શ્રી અગ્રવાલે તમામ રાજકોટ વાસીઓને સાતમા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની શુભમકાના પાઠવતાં કહ્યું હતું કે યોગના માધ્‍યમથી લોકોનું શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય વધે અને વિશ્વ કુટુંબની ભાવના વધે એવી આશા સાથે સોૈને શુભેચ્‍છા પાઠવું છું. મારા મત પ્રમાણે વૈશ્વીક મહામારી કોરોનામાંથી આપણે બહાર આવી રહ્યા છીએ તેમાં યોગનો પણ ખુબ મોટો ભાગ છે. રાજકોટવાસીઓને અનુરોધ આગ્રહ છે કે સ્‍વસ્‍થ તંદુરસ્‍ત રહેવા માટે નિયમિત યોગા કરતાં રહો. શહેર પોલીસના તમામ ઉચ્‍ચ અધિકારીઓએ સોશિયલ ડિસ્‍ટન્‍સ સાથે યોગા કર્યા છે. રાજકોટ શહેર પોલીસના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઓનલાઇન ચેલેન્‍જ મારફત કે ડીજીશ્રીની લાગણી અને સારા હેતુને કારણે પોતાનું સ્‍વાસ્‍થ્‍ય સુધારવા પ્રયત્‍નશીલ રહ્યા છે. કોરોના મહામારીમાં નોટિફિકેશન પ્રમાણે કામગીરી ચાલે છે ત્‍યારે સોશિયલ ડિસ્‍ટન્‍સ, માસ્‍ક, વેક્‍સીનેશન, સેનેટાઇઝરનું સોૈ શહેરીજનોએ હજુ પણ પાલન કરવું પડશે. આજથી પાંચ હજાર સેન્‍ટર પર મોટા પાયે વેક્‍સીનેશનની મેગા ડ્રાઇવ-કામગીરી શરૂ થઇ છે. જે લોકો વેક્‍સીન લેવામાં બાકી છે એ તમામે વેક્‍સીન લઇ લેવી જોઇએ.

શહેર પોલીસની જોઇન્‍ટ એન્‍ફોર્સમેન્‍ટ ટીમ દ્વારા દસ હજાર જેટલા સુપર સ્‍પ્રેડરને શોધીને તેમનું વેક્‍સીનેશન કરાવવાની કામગીરીમાં મહત્‍વનો ભાગ ભજવ્‍યો છે. સોૈને યોગા દિવસની શુભેચ્‍છા સાથે વધુ એક વખત કોરોના વેક્‍સીન લઇ લેવા શ્રી અગ્રવાલે અંતમાં જણાવ્‍યું હતું.

હેડક્‍વાર્ટર ખાતે યોજાયેલા યોગા કાર્યક્રમમાં શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયા, એસીપી એચ. એલ. રાઠોડ, એસીપી એસ. આર. ટંડેલ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી જે. એસ. બારીયા સહિતના તમામા એસીપીશ્રીઓ તથા તમામ પોલીસ મથકના પીઆઇશ્રીઓ હાજર રહ્યા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ નિયમીત યોગ કરે છે. આજે તેઓ પોતે યોગગુરૂ બન્‍યા હતાં અને તમામ અધિકારીઓને યોગા કરાવ્‍યા હતાં.

(12:16 pm IST)