Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

૩૦મી સુધીમાં સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માયકોસિસના કેસ નિલ થઇ જાય તેવી આશાઃ તબિબી અધિક્ષક ત્રિવેદી

આજના દિવસે ૨૯૦ દર્દીઓઃ જરૂર હશે એ તમામના ઓપરેશન થશેઃ બે મહિનામાં ૫૦૭ ઓપરેશનનો રેકોર્ડ રાજકોટ સિવિલના નામે છે

રાજકોટ તા. ૨૧: કોરોના મહામારી પછી મ્યુકર માયકોસીસ રોગે આરોગ્ય તંત્રની ઉંઘ હરામ કરી દીધી હતી. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માયકોસિસના સોૈથી વધુ કેસ આવ્યા હોઇ પીડીયુ સિવિલ હોસ્પિટલના તંત્રએ આ રોગના દર્દીઓના ઓપરેશન માટે અને તેમના જીવ બચાવવા માટે રાત દિવસ એક કરી દીધા છે. પખવાડીયા પહેલા જ જાહેર થયું હતું કે મ્યુકર માયકોસિસના ૫૦૦થી વધુ ઓપરેશન કરી સિવિલ હોસ્પિટલે એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. ઈએનટી, નેત્ર, ન્યુરો, તાળવાના સર્જન, મેડિસિન, રેસિડન્ટ ડોકટર્સ, એન્સ્ટેથિક અને ર્નસિંગ સ્ટાફની ઉત્કૃષ્ઠ કામગીરીથી અનેક દર્દીઓના અંગોને નુકશાનીથી બચાવાયા હતાં. હવે આજના દિવસે સિવિલમાં મ્યુકર માયકોસિસના ૧૨૯ દર્દીઓ જ છે. ત્યારે હવે આગામી ૩૦ જુન સુધીમાં એટલે કે નવ દિવસમાં જ આ કેસ નિલ થઇ જશે તેવો આશાવાદ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ વ્યકત કર્યો છે.

નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલમાં ગત ૧૨મી જુને મ્યુકર માયકોસિસના ૫૦૭ દર્દીઓની સર્જરી પુરી કરી નવો જ રેકોર્ડ સ્થાપિત કરાયો હતો. આ ઓપરેશન માત્ર બે મહિનામાં કરવામાં આવ્યા હતાં. સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આટલા ઓપરેશન કદી પણ થયા નહોતાં. ડો. સેજલ મિસ્ત્રી, ડો. પરેશ ખાવડુ, ડો. સંદીપ વાછાણીની આગેવાનીમાં માયકોસીસના દર્દીઓની સારવારમાં સિવિલના આંખના સર્જન ડો. નીતિબેન શેઠ, ન્યુરો સર્જન ડો. અંકુર પાવાણી, તાળવાના સર્જન ડો. હિરેન સંઘાણી, ડો. ગૌરાંગ નકુમ, મેડિસિનના નોડલ ઓફિસર, એન્સ્ટેથિક ડો. વંદના અને તેમની ટીમ, નસિંગ સુિ-ટેન્ડન્ટ હિતેશ જાખરીયા અને સમગ્ર ર્નસિંગ સ્ટાફ સાથોસાથ ઈ.એન.ટી. સોસાયટીના ડોકટર્સ કે જેઓ દ્વારા દ્વારા રોજ બે ઓપરેશન ડોકટર્સની ટીમ દ્વારા સતત મ્યુકર માયકોસિસના ઓપરેશન કરવામાં આવ્યા છે.

કોરોનાની બીજી લહેર આવતાં કોરોનાની સાથે મ્યુકર માયકોસિસના કેસોએ પણ માથુ ઉંચકયું હતું અને સિવિલ હોસ્પિટલ તંત્ર સામે એક પડકાર ઉભો થયો હતો. પણ તબિબો સહિતના તમામ સ્ટાફે આ પડકાર ઝીલી લીધો હતો અને મ્યુકરના દર્દીઓની ફટાફટ સારવાર અને ધડાધડ ઓપરેશન કરવાનું શરૂ કર્યુ હતું અને બે જ મહિનામાં ૫૦૦થી વધુ ઓપરેશન કર્યા હતાં. તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે હવે માત્ર ૨૯૦ કેસ છે. આગામી ૩૦મી જુન સુધીમાં મ્યુકર માયકોસિસ સંપુર્ણ પણે કાબુમાં આવી જાય અને દર્દીઓની સંખ્યા નિલ થઇ જાય તેવી આશા છે. જે ૨૦૯ દર્દીઓ છે તેમાંથી જરૂર હશે એ તમામના ઓપરેશન ઝડપથી કરવામાં આવશે. નવ દિવસમાં મ્યુકર કાબુમાં આવી જાય તેવી આશા છે.

ઓપેરશન કેમેરા વિથ એન્ડોસ્કોપી યુનિટ અને કોબ્લેટરની સુવિધા  સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગમાં અત્યાધુનિક સર્જરી મશીનનું લોકાર્પણ

આ મશીનથી મ્યુકર માયકોસીસ, નાકમાં દૂરબીન વડે કરાતી સર્જરી, બાળકોના કાકડાની સર્જરી સરળ થશેઃ ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ, સિવિલમાં મફત

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્પિટલ ખાતે આજે સાંજે બપોરે ૪ કલાકે કલેકટરશ્રી રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં રૂ. ૨૫ લાખની કિંમતના કેમેરા વિથ એન્ડોસ્કોપી યુનિટ અને કોબ્લેટર યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ઈ.એન.ટી. વિભાગમાં સર્જરીમાં વપરાતું આ પ્રકારનું મશીન સિવિલમાં ઉપલબ્ધ થતા નાક અને ગળાની વિવિધ સર્જરી હવે ઝડપી અને સરળ બનશે તેમ અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.

મ્યુકર માયકોસીસ, નાકમાં દૂરબીન વડે કરાતી સર્જરી, બાળકોના કાકડાની દૂરબીન વડે કરાતી સર્જરી મોટા સ્ક્રીન પર મેગ્નિફાઈ કરી ડોકટર્સ જોઈ શકે છે. જયારે કોબ્લેટર દ્વારા કરાતી સર્જરીમાં બ્લીડીંગ અટકાવી શકાતું હોઈ વધારે લોહી વહી જતું મશીન દ્વારા જ અટકાવી દેવાના કારણે દર્દીના જીવના જોખમમાં ઘટાડો થશે. હાઈ રિસ્ક સર્જરી માત્ર ખાનગી હોસ્પિટલમાંજ થતી હતી, જે હવે સિવિલ હોસ્પિટલ ખાતે કરી શકાશે તેમ ઇએનટી વિભાગના ડો. સેજલ મિસ્ત્રીએ આ મશીનની ઉપયોગીતા વિષે જણાવતા કહ્યું હતું.

આ બંને યુનિટ અમેરિકા સ્થિત જોય ઓફ હેલપિંગ ફાઉન્ડેશનના સહયોગથી વસંતભાઈ અને પ્રભાબેન રાઠી દ્વારા સિવિલ હોસ્પિટલને ડોનેટ કરવામાં આવ્યા છે.

(4:56 pm IST)