Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

પાંચ દિ' પહેલા આખો દિવસ ગૂમ રહેલી બાળાને ઉપરના માળે રહેતો અંકિત મોરબી ભગાડી ગયો'તો

૧૮મીએ ઘરેની નીકળી ગયા બાદ રાતે ૧૮૧ની ટીમ પરત મુકી ગઇ હતી : ધમકીને લીધે બાળાએ ખાવા-પીવાનું છોડી દીધુ'તું: આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: પાંચ દિવસ પહેલા કોઠારીયા ચોકડી તિરૂપતી સોસાયટીની સગીરા ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ ગઇ હતી અને રાતે તેણીને ૧૮૧ની ટીમ તેના ઘરે મુકી ગઇ હતી. એ પછી તેણીએ સતત ખાવા પીવાનું બંધ કરી દીધું હતું. આ કિસ્સામાં તેણીને મકાનના ઉપરના ભાગે જ રહેતો યુવાન લલચાવી ફોસલાવી બાઇકમાં બેસાડી અપહરણ કરી મોરબી લઇ ગયાનું અને ધમકી આપ્યાનું ખુલતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે.

આજીડેમ પોલીસે મુળ જુનાગઢના બીલખાના હાલ કોઠારીયા રોડ તિરૂપતી સોસાયટી-૭માં રહેતાં સગીરાના પિતાની ફરિયાદ પરથી તેના ઉપરના મકાનમાં ભાડેથી રહેતાં અંકિત રમણિકભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૧) વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદી એકાદ વર્ષથી રાજકોટ ભાડે મકાન રાખી બકાલુ વેંચે છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં મોટી દિકરી ૧૬ વર્ષની છે. તે તા. ૧૮/૩ના તેણી મકાનના ઉપરના ભાગે રહેતાં બીજા ભાડૂઆત અંકિતના ઘરે ગઇ હતી. અંકિત તેના માતા અને ભાઇ સાથે રહે છે. તે ત્યાં ગઇ હોઇ તેની મમ્મીએ ઠપકો આપ્યો હતો. જેથી તેણી રિસાઇને ઘરેથી નીકળી ગઇ હતી.

એ પછી પિતા સહિતનાએ તેણીને આખો દિવસ શોધી હતી. પરંતુ મળી નહોતી. ત્યારબાદ રાતે સાડા અગિયારેક વાગ્યે ૧૮૧ની ટીમ તેણીને ઘરે મુકવા આવી હતી. એ પછી તેણીએ કંઇ ખાવા પીવાનું મુકી દીધું હતું અને ઘરમાં કોઇ સાથે વાત પણ કરતી ન હોઇ તેણીને બિલખા દાદીમા પાસે મુકી અવાઇ હતી. ત્યાં પણ તેણે ખાવા પીવાનું છોડી દીધું હતું. જેથી તેણીને ધારી ખાતે કુળદેવીના મઢે દર્શન કરાવવા માટે પિતા સહિતના સ્વજનો રાજકોટથી રવાના થયા હતાં.

બીલખાથી તેણી પણ દાદીમા સાથે નીકળી હતી. ધારીમાં બધા બે દિવસ રોકાયા હતાં અને ૨૧/૩ના પરત રાજકોટ આવી ગયા હતાં. એ પછી તેણીએ વાત કરી હતી કે પોતે ૧૮મીએ અંકિતના ઘરે ગઇ હતી ત્યારે અંકિતે કહેલુ કે તને કોઇ ઘરમાં ઠપકો આપે કે મારે તો તું હુડકો પોલીસ ચોકી પાસે આવજે ત્યાં મળશું. એ પછી તેણી હુડકો ચોકી પાસે જતાં અંકિત તેને બાઇકમાં બેસાડી મોરબી તેના માસીના ઘરે લઇ ગયો હતો. માસીએ રાખવાની ના પાડતાં તે તેણીને પાછો રાજકોટ લાવ્યો હતો. અને મિત્રના ઘરે તેણીને બેસાડી પોતે પોતાના ઘરે ગયો હતો.

જતાં જતાં અંકિતે ધમકી પણ આપી હતી કે તને હું મોરબી લઇ ગયો તેની વાત તારા મા-બાપને કરતી નહિ નહિતર બધાને હેરાન કરી નાંખીશ. આથી પોતાને બીક લાગતી હોઇ ખાવા પીવાનું મુકી દીધું હતું.  અંકિતે તેણીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બળજબરીથી મોરબી લઇ જઇ અપહરણ કર્યુ હોઇ અંતે ફરિયાદ નોંધાવી હતી.

આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, જાવેદભાઇ રિઝવી સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)