Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

થોરાળાના જૂગારના ગુનામાં પાંચ માસથી ફરાર જંગલેશ્વરના નામચીન હનીફ ઘોડીને કર્ફયુ ભંગ સબબ પકડી લેવાયો

ભકિતનગર પોલીસે દબોચ્યોઃ અગાઉ ભકિતનગર-ડીસીબીના ૭ ગુનામાં સંડોવણીઃ થોરાળા પોલીસને કબ્જો સોંપાયો

રાજકોટ તા. ૨૩: જંગલેશ્વરના નામચીન હનીફ ઉર્ફ ઘોડીને થોરાળા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા જૂગારના ગુનામાં તે ફરાર હોઇ ગત રાતે તે જંગલેશ્વરમાં તેના ઘર પાસે આવ્યાની માહિતી મળતાં ભકિતનગર પોલીસની ટીમે તેને પકડી લઇ થોરાળા પોલીસને સોંપવા તજવીજ કરી હતી. કર્ફયુ ભંગનો અલગથી ગુનો તેના વિરૂધ્ધ દાખલ કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ રાત્રીના ભકિતનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને કોન્સ. રણજીતસિંહ જાડેજાને બાતમી મળી હતી કે છેલ્લા પાંચ મહિનાથી થોરાળા પોલીસ સ્ટેશનના જૂગારના ગુનામાં ફરાર હનીફ ઉર્ફ ઘોડી હુશેનભાઇ જેસાણી (રહે. જંગલેશ્વર શેરી નં. ૩૧) તેના ઘર પાસે આવ્યો છે. આ બાતમીને આધારે ટીમે ત્યાં પહોંચી તપાસ કરતાં હનીફ ઉર્ફ ઘોડી મળી આવતાં તેને પકડી લીધો હતો. તે થોરાળાના ગુનામાં ફરાર હોઇ ત્યાં સોંપવા તજવીજ કરવામાં આવી હતી.

કર્ફયુના સમયમાં હનીફ મળી આવ્યો હોઇ તે અંગે ભકિતનગર પોલીસમાં અલગથી ગુનો નોંધાયો હતો. હનીફ વિરૂધ્ધ અગાઉ ૨૦૦૫માં ભકિતનગરમાં જૂગારનો, ફરજમાં રૂકાવટ-મારામારીનો, તેમજ એ વર્ષમાં જ જૂગારનો અન્ય એક કેસ, ૨૦૦૮માં જૂગારનો, એ વર્ષમં ઠગાઇનો, ૨૦૧૪માં ડીસીબીમાં દારૂનો તથા ૨૦૧૮માં ભકિતનગરમાં જૂગારનો ગુનો નોંધાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડે જુના ગુનાઓમાં ફરાર શખ્સોને શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, આર. જે. કામળીયા, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, ભાનુભાઇ મિંયાત્રા, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, સલિમભાઇ, કોન્સ. ભાવેશભાઇ, રણજીતસિંહ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ જાડા, મનિષભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(1:08 pm IST)