Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

તારા પરિવારને જીવવા જેવો નહિ રહેવા દઉ, તારું સગપણ થશે તો તોડાવી નાંખીશઃ સગીરાને પ્રદિપ ઉર્ફ પારસ મૈયડની ધમકી

ગયા વર્ષે સહકાર સોસાયટીનો શખ્સ બાળાનું અપહરણ કરી ગયો'તોઃ જામીન પર છુટી કેસ પાછો ખેંચવા કહી સતત હેરાનગતિ : પરમ દિવસે બાળા તેના સ્વજનો સાથે ઘર નજીક ગોલાની દૂકાને હતી ત્યારે પ્રદિપે મિત્રો સાથે કારમાં આવી તેણીના પિતાને કેસ પાછો ખેંચવા કહી ધમકી દીધીઃ ભકિતનગર પોલીસે ગુનો નોંધી પ્રદિપને પકડી લઇ કાયદો સમજાવ્યો

રાજકોટ તા. ૨૩: સહકાર સોસાયટી પાસે શ્રીનગરમાં રહેતાં વેપારીની ૧૪ વર્ષની દિકરીને ગયા વર્ષે સહકાર સોસાયટીનો શખ્સ ભગાડી ગયો હતો. આ મામલે નોંધાયેલા ગુનામાં પોલીસે પકડ્યો હતો. જામીન પર છુટ્યા બાદ તે ફરીથી કાર લઇને ઘર પાસે તેમજ વેપારીની પાછળ પાછળ જઇને અને તેમની દિકરી જ્યાં જાય ત્યાં પણ પાછળ જઇ સતત ધમકીઓ આપતો હોઇ તેમજ પરમ દિવસે સાંજે પણ પરિવારજનો ઘર નજીક ગોલાની દૂકાન પાસે ઉભા હતાં ત્યારે આ શખ્સે ત્યાં આવી કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધી તેને પકડી લઇ કાયદાનો પાઠ ભણાવ્યો છે.

ભકિતનગર પોલીસે આ મામલે સહકાર સોસાયટી પાસે શ્રીનગર મેઇન રોડ પર રહેતાં અને સ્પ્રે કમર બેલ્ટનો ધંધો કરતાં વેપારીની ફરિયાદ પરથી સહકાર સોસાયટી-૬માં રહેતાં પ્રદિપ ઉર્ફ પારસ મનસુખભાઇ મૈયડ સામે આઇપીસી ૩૨૩, ૫૦૬ મુજબ ગુનો નોંધ્યો છે.

વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરી અને એક દિકરો છે. તા. ૨૧/૩ના સાંજે સાડા સાતેક વાગ્યે હું તથા મારી દિકરી અને દિકરો, દિકરાની પત્નિ અને મારી પત્નિ એમ બધા ભકિતનગર સર્કલથી જલારામ ચોક તરફ જતાં રોડ પર તકદીર ગોલાવાળા પાસે ઉભા હતાં ત્યારે પ્રદિપ ઉર્ફ પારસ મૈયડ ગ્રે કલરની આઇ ટ્વેન્ટી કારમાં તેના મિત્રોને બેસાડીને અમારી પાસે આવ્યો હતો અને અપહરણનો કેસ પાછો ખેંચી લેવા કહી ધમકી આપી હતી.

હું તેની પાછળ દોડતાં તે કાર લઇને ભાગી ગયો હતો. મારી દિકરી જ્યાં જ્યાં જાય ત્યાં પ્રદિપ તેની પાછળ પાછળ ફરતો રહે છે અને મારી નાંખવાની સતત ધમકી આપતો રહે છે. તેમજ મારી દિકરીને કહે છે કે તારા બાપને પણ જાનથી મારી નાંખીશ, તારા પરિવારને જીવા જેવો નહિ રહેવા દઉં. તારું જ્યાં સગપણ થશે તે પણ તોડાવી નાંખીશ. આ ઉપરાંત પ્રદિપ ઉર્ફ પારસ સતત અમારી આગળ પાછળ ગાડી લઇને ફરતો રહે છે. અમારા ઘર પાસેથી પણ ગાડી લઇને નીકળી માનસિક ત્રાસ આપે છે.

મારી ૧૪ વર્ષની દિકરીને પ્રદિપ ઉર્ફ પારસ અપહરરણ કરી ભગાડી ગયો હોઇ તેના વિરૂધ્ધ ભકિતનગર પોલીસ મથકમાં ૨૮/૧૨/૨૦૨૦ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી. હાલ તે જામીન પર છુટ્યો છે અને ફરીથી હેરાન કરવા માંડ્યો છે. તેમ વધુમાં ફરિયાદમાં જણાવતાં એએસઆઇ નરેન્દ્રભાઇ ભદ્રેચાએ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ હેડકોન્સ. એન. એલ. ચાવડાએ હાથ ધરી છે.

(1:09 pm IST)