Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ભંગારના ડેલામાંથી પકડાયેલા દારૂ-બિયરમાં નામ ખુલ્યું હતું

રતનપરમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જીલ્લા ગાર્ડનના હસીમ પરમારને ૨૮ હજારના બીયર સાથે પકડ્યો

તાલુકા-થોરાળા પોલીસના પણ દરોડાઃ બે શખ્સને ૧૬ બોટલો સાથે પકડ્યા

રાજકોટ તા. ૨૩: હોળી-ધૂળેટી પર્વમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે થઇને પોલીસ સતર્ક બની છે. સતત દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વધુ ત્રણ દરોડામાં દારૂ-બીયરનો જથ્થો ઝડપી લેવાયો છે. પરમ દિવસે ભંગારના ડેલામાંથી ક્રાઇમ બ્રાંચે દારૂ-બિયર સાથે એકને પકડયો હતો તેમાં જેનું નામ ખુલ્યું હતું એ શખ્સને રતનપરથી બીયરના જથ્થા સાથે પકડી લીધો છે. થોરાળા અને તાલુકા પોલીસે બે શખ્સને દારૂની બોટલો સાથે પકડ્યા છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે દૂધ સાગર રોડ પર ભંગારના ડેલામાં દરોડો પાડી રૂ. ૧,૭૦,૮૫૦નો દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરી રાહીલ ચોૈહાણની ધરપકડ કરી હતી. જે તે વખતે જીલ્લા ગાર્ડન પાસે કેજીએન ગેરેજ ઉપર ભાડાના મકાનમાં રહેતાં અને કેટલાક સમયથી રતનપર ડ્રીમલેન્ડ પાર્કમાં રહેવા ગયેલા હસીમ હનિફભાઇ પરમારે રતનપરના પોતાના ઘરમાં દારૂ-બીયરનો જથ્થો ઉતાર્યો હોવાની અને તે ત્યાં હોવાની બાતમી હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા તથા પ્રતાપસિંહ મોયાને મળતાં દરોડો પાડી રૂ. ૨૮૮૦૦ના ૨૮૮ બીયરના ટીન કબ્જે કરી તેને પકડી લેવાયો હતો. બે મોબાઇલ ફોન પણ કબ્જે કરાયા હતાં. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ ભકિતનગર અને ડીસીબીમાં દારૂના બે ગુના નોંધાઇ ચુકયા છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા,  વિક્રમભાઇ ગમારા, જીજ્ઞેશભાઇ મારૂ, સુર્યકાંતભાઇ અને જેમને બાતમી મળી તેણે આ કામગીરી કરી હતી.

થોરાળા પોલીસે દૂધ સાગર રોડ ભૈયાવાડીમાં રહેતાં જીવનસિંહ હેમતસિંહ ટમટા (ઉ.૨૬)ને તેના ઘર પાસેથી રૂ. ૩૦૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ એચ. જી. ગોહિલ, હેડકોન્સ. આનંદભાઇ, જેન્તીભાઇ ગોવાણી, નરસંગભાઇ ગઢવી, યુવરાજસિંહ રાણા, અમરદિપસિંહ જાડેજાએ આ કાર્યવાહી કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં તાલુકા પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગર પાછળ સતનામ સોસાયટી રોડ જય મુરલીધર મકાનમાં રહેતાં આશિષ ઉર્ફ લાલો ચંદુલાલ ડાંગર (ઉ.૩૧)ને રૂ. ૮૦૦૦ના ૧૦ બોટલ દારૂ સાથે તેના ઘર નજીક રોડ પરથી પકડી લીધો હતો. એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, વિજયગીરી ગોસ્વામી, હરસુખભાઇ સબાડ, મનિષભાઇ સોઢીયા અને હર્ષરાજસિંહ જાડેજા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના એએસઆઇ આર. બી. જાડેજા, હેડકોન્સ. મોહસીનખાન મલેક અને કોન્સ. ધર્મરાજસિંહ રાણાની બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

નારાયણનગરનો મનસુખ હદપાર ભંગમાં પકડાયો

ભકિતનગરના એએસઆઇ ફિરોઝભાઇ શેખ તથા હેડકોન્સ. સલિમભાઇ મકરાણીની બાતમી પરથી ઢેબર કોલોની ઝૂપડપટ્ટી પાસે નારાયણનગર-૧૦માં રહેતાં મનસુખ સવાભાઇ ચોૈહાણ (ઉ.૪૧)ને હદપાર હોવા છતાં તેના ઘર નજીક મળી આવતાં પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:09 pm IST)