Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

નવાગામમાં ઇંટોના ભઠ્ઠાવાળા નિલેષ અને પિતા ચતુરભાઇ સિતાપરા પર ઇમરાન સહિત પાંચ શખ્સનો સશસ્ત્ર હુમલો

ઘાયલ પિતા-પુત્ર સારવારમાં: નિલેષના ભાઇ અનિલને ઇમરાનની પત્નિ સાથે સંબંધ હોવાની શંકા હુમલા પાછળ કારણભુતઃ છરી, ધોકા, પાઇપથી તૂટી પડ્યાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: નવાગામ આણંદપરમાં તળાવ નજીક રહેતાં અને ચુનારાવાડમાં ગેરેજ ધરાવતાં પ્રજાપતિ યુવાનને નવાગામ છપ્પનીયામાં રહેતી મુસ્લિમ પરિણિતા સાથે સંબંધ હોવાની શંકા તેણીના પતિ ઇમરાનને ઉપજતાં ઇમરાન સહિતનાએ રાતે અનિલને શોધવા તેના ઘરમાં હથીયારો સાથે ઘુસી જઇ ધમાલ મચાવી હતી. અનિલ ન મળતાં તેના ભાઇ અને પિતા પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડાઇ હતી.

ઇંટોનો ભઠ્ઠો ચલાવતાં નિલેષ ચતુરભાઇ સિતાપરા (પ્રજાપતિ) (ઉ.વ.૩૨) અને તેના પિતા ચતુરભાઇ લાલજીભાઇ સિતાપરા (ઉ.વ.૫૨) રાતે લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતાના પર ઇમરાન સહિતે હુમલો કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર શેફર્ડ સોસાયટી રંગીલાની પાછળ રહેતાં અને ઇંટોનો ભઠ્ઠો ચલાવતાં નિલેષ ચતુરભાઇ સિતાપરા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી નવાગામ છપ્પનીયા કવાર્ટરમાં રહેતાં ઇમરાન મોગલ, સિકંદર મોગલ, બાબો, રઝાક અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૬, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૫૨, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

નિલેષ સિતાપરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પિતા સાથે ઇંટોનો ભઠ્ઠો ચલાવે છે અને તેનો ભાઇ અનિલ (ઉ.વ.૨૫) ચુનારાવાડમાં ગેરેજ ધરાવે છે. પોતાના ભાઇ અનિલને ઇમરાનની પત્નિ સાથે સંબંધ છે તેવી ઇમરાનને શંકા કુશંકા હોઇ તેના કારણે ખાર રાખી રાતે સાડા દસેક વાગ્યે ઇમરાન, સિકંદર, બાબો, રઝાક અને બે અજાણ્યા શખ્સો ઘરે આવ્યા હતાં. ડેલી ખખડાવતાં પોતે ડેલી ખોલતાં જ અનિલ કયાં છે? કહી દેકારો કર્યો હતો. અનિલ ઘરે ન હોઇ પોતાના પર આ શખ્સોએ લોખંડના પાઇપ, છરીથી હુમલો કરતાં પોતાને પગમાં ઇજા થઇ હતી.

દેકારો થતાં પિતા ચતુરભાઇ બચાવવા માટે દોડી આવતાં તેને પણ ડાબા પગ, જમણા હાથમાં છરીના ઘા ઝીંકી દેવાયા હતાં. આ ઉપરાંત બીજા શખ્સોએ લાકડી-પાઇપથી માર માયો ર્હતો. તેમજ ઢીકાપાટુ પણ માર્યા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં આ બધા અનિલને મારી જ નાંખવો છે તેમ કહી ધમકી આપી ભાગી ગયા હતાં. ઘરમાં ઘુસી આ શખ્સોએ ધમાલ મચાવી હતી.

કુવાડવા પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને હિતેષભાઇ ગઢવીએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(1:10 pm IST)