Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જિલ્લા પંચાયતના આંગણે જ સિમેન્ટ રોડના ૪૨ લાખના કામમાં ભ્રષ્ટાચાર

કામ નબળુ થયુઃ સપાટો બોલાવતા નવા પ્રમુખ ભૂપત બોદર : તપાસ સમિતિ રચાશેઃ પંચાયતના વહીવટમાં કયાંય ખોટુ થતુ હોય તો જાણ કરો

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે પંચાયત કચેરીમાં થયેલ સિમેન્ટ રોડના કામની નબળી ગુણવત્તા બાબતે પત્રકારોને માહિતી આપેલ અને રસ્તાનું કામ બતાવેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૩ :. જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર મુકત શાસનનું વચન આપીને સત્તા ઉપર આવેલા ભાજપના પદાધિકારીઓએ સાફસુફી શરૂ કરી દીધી છે અને કોંગ્રેસના પાછલા શાસનમાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારના પોપડા ઉખેડયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરે પંચાયતના બિલ્ડીંગમાં જ લાખો રૂપિયાના ખર્ચે સિમેન્ટના રસ્તા બનાવવાનું નબળા કામનુ કૌભાંડ થયાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચાર માટે જે કોઈ જવાબદાર અધિકારી કે કોંગ્રેસ શાસનના પદાધિકારી હશે તેની સામે પગલા લેવાની જાહેરાત કરી છે.

પત્રકાર પરિષદને સંબોધતા ભૂપતભાઈ બોદરે કહ્યું હતુ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર મુકત શાસનના પહેલેથી જ આગ્રહી રહ્યા છે અને અમે પણ આજે નેમ રાખીને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતમા ભ્રષ્ટાચાર મુકત શાસન આપવા માટે કટીબદ્ધ છીએ. રાજકોટ જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં સિમેન્ટના રસ્તા બનાવવાના કામે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ છે તેવુ ધ્યાનમાં આવ્યુ છે. કોરોના કાર્ડમાં કોંગ્રેસના શાસનમાં પંચાયતના બિલ્ડીંગમાં આરસીસીના રસ્તા બનાવવાનું કામ થયુ ઓગષ્ટ-૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૦ સુધી રસ્તાનું કામ રાત્રે રાત્રે કરવામાં આવ્યુ હતુ અને ભાજપનું શાસન આવ્યા બાદ આ કામનું ચેકીંગ કરતા રસ્તાના કામની ગુણવત્તા તદ્દન હલકી કક્ષાની હોવાનુ ધ્યાનમાં આવ્યુ છે. આ બાબતે વધુ તપાસ કરતા કામ પેટે ૪૨ લાખ રૂપિયાનું બિલ જિલ્લા પંચાયતમાં રજૂ કરવામાં આવ્યુ છે. જેના ચૂકવણા બાકી છે તેવા તમામ કામોની તપાસ થશે.

આ બિલને મંજુરી પણ આપવામાં આવી નથી. કામમાં નાણાકીય ગેરરીતિ કરવામાં આવી છે અનેતેમા જે કોઈ અધિકારી કે કોંગ્રેસના શાસનના પદાધિકારીની સંડોવણી હશે તેની સામે પગલા લેવામાં આવશે. સાગઠિયા નામની એજન્સી દ્વારા કામ કરાયાનું જાણવા મળે છે. તપાસ સમિતિ બનાવાશે. જરૂર પડયે પોલીસ અને એ.સી.બી.માં ફરીયાદ કરાશે.

ભૂપતભાઈ બોદરે આવા ખોટા કામ કરનારા કોન્ટ્રાકટરો, ભ્રષ્ટ અધિકારીઓ અને તેમના મળતિયાઓને ચેતવણી આપતા કહ્યુ છે કે હવે કોઈ પ્રકારની લાલીયાવાડી ચલાવવામાં નહીં આવે. જે કોઈ પંચાયતમા કામ કરે છે તે નિષ્ઠાપૂર્વક કામ કરે તે જરૂરી છે. ભ્રષ્ટાચાર સામેની આ ઝુંબેશમાં મને તમારા પંચાયતના તમામ સભ્યોનો સંપૂર્ણ ટેકો મળ્યો છે અને હજુ આવનારા દિવસોમાં જિલ્લામાં જ્યાં ખોટું થતુ જણાશે ત્યાં પગલા લેવામાં આવશે. તેમણે રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા ૫૯૫ ગામના યુવાનોને ભ્રષ્ટાચાર સામેની આ ઝુંબેશમાં સહયોગ આપવા અપીલ કરી છે.

તેમણે કહ્યુ છે કે દરેક ગામડામાંથી ત્રણ યુવાનો આગળ આવે અને જિલ્લા પંચાયત પ્રમુખના ઈમેલ (bhupatbodar108@gmail.com) ઉપર કે વોટસએપ (૯૦૩૩૩ ૦૦૧૨૫) ઉપર કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચારની માહિતી આપે તો એક ખાસ ટીમ બનાવીને તપાસ કરવામાં આવશે અને જરૂર જણાયે પગલા લેવામાં આવશે. પગલા લેવામાં કોઈ પણ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે.

સ્ટાફની ખેંચ નિવારવા સરકારમાં રજૂઆત કરાશે

રાજકોટઃ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરે પંચાયતમાં સ્ટાફની ખૂબ ઘટ અંગેના પ્રશ્નના જવાબમાં જણાવેલ કે આ અંગે ડી.ડી.ઓ. સાથે ચર્ચા કરીને સ્ટાફની ઘટ નિવારવા વિગતવાર રજુઆત કરવામાં આવશે, કોન્ટ્રાકટ આપવામાં કે અન્ય કોઈપણ વહીવટી બાબતમાં સગાવાદ ચલાવાશે નહિ.

પંચાયતની 'એપ.' બનશે

રાજકોટઃ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે જણાવેલ કે ગ્રામ્ય સ્તર સુધી પંચાયત સબંધી સઘળી માહિતી પહોંચાડવા માટે અને લોકોની સુવિધા માટે ખાસ એપ. તૈયાર થઈ રહી છે. ટૂંક સમયમાં તેનુ લોન્ચીંગ થશે.

(4:03 pm IST)