Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

જૈન - જૈનેતર ૫૧ વ્યકિતઓના નિઃશુલ્ક ઓપરેશન માટે નેત્રયજ્ઞ રજિસ્ટ્રેશન કાર્ડ વિતરણ કરાયા

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ પૂ.નમ્રમુનિ મ.સા.ના આંખના મોતિયાનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયાના ઉપલક્ષે

રાજકોટ,તા. ૨૩: જે જરૂરિયાતમંદ જૈન જૈનેતર દર્દીએ ઓપરેશન માટે પોતાનું નામ લખાવેલ તે તમામને રજીસ્ટ્રેશન કાર્ડનું વિતરણ કરવા ત્થા જરૂરી માર્ગદર્શન આપવા માટેનું તા.૨૧ માર્ચ રવિવારના સાંજે ૫ કલાકે રાજકોટ શ્રી મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ શેઠ પૌષધશાળાના મધ્યસ્થ હોલમાં આયોજન કરેલ.

આ અવસરે મુસ્લિમ પરિવારમાથી આવતા અબ્દુલભાઇ સુમારભાઈ વતાણી બિરાદરે પોતાના ભાવ વ્યકત કરતાં જણાવ્યું કે પૂ.ગુરૂદેવ માત્ર જૈન સમાજ માટે નહીં પરંતુ દરેક સમાજના નાનામાં નાના લોકોને મદદરૂપ થઈ રહ્યાં છે,મારા જેવા નાના માણસને પણ આ યોજનામાં સૌ સહાયરૂપ બને તે બદલ સૌનો આભાર માનું છું.

ગઢવી સમાજના બલરાજભાઈ ગઢવીએ કવિ દુલા કાગની રચના પ્રસ્તુત કરી જણાવ્યું કે પશુઓ ગાય,ભેંસ વગેરે દૂધ આપે છે પરંતુ પોતે તે દુધ પીતા નથી...વૃક્ષો જગતને કોઈ પણ આશા કે અપેક્ષા વગર છાંયડો આપે છે તેમ પૂ.ગુરૂદેવ પણ દાતાઓ ,દાનવીરો પાસેથી જે દાન આવે છે એ જરૂરિયાતમંદ - દીન દુઃખીયાઓને અર્પણ કરી દે છે. પૂ.ગુરૂદેવ માત્ર જૈન સમાજના જ નથી પરંતુ અઢારેય આલમના છે.પૂ.ગુરૂદેવનું જે ડોકટરે આંખનુ ઓપરેશન કર્યું હોય તે જ ડોકટર અમારા સૌને રોશની આપવામાં મદદરૂપ બનશે તેનાથી અમોને ખૂબ આનંદ છે.

આ અવસરે શ્રી મનહરપ્લોટ સ્થા.જૈન સંઘના પ્રમુખ ડોલરભાઈ કોઠારી એ સૌનું સ્વાગત કરી દર્દીઓને જરૂરી માહિતી ત્થા સુચારૂ માર્ગદર્શન આપેલ.શ્રી અહર્મ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતાએ રાષ્ટ્રસંત પરમગુરૂદેવશ્રી પ્રેરિત નેત્રયજ્ઞ વિશે ની વિસ્તૃત માહિતી આપેલ.જૈન સાહિત્યકાર મનોજભાઈ ડેલીવાળાએ જણાવ્યું કે રાષ્ટ્રસંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી દાતાઓ અને સેવાભાવી ડો.અનિમેષભાઈ ધ્રુવના સહકાર અને સહયોગથી આપ સૌના ઓપરેશન સફળતાપૂર્વક તેમજ સુખરૂપ થશે.એડવોકેટ કમલેશભાઈ શાહ, મિલનભાઈ કોઠારી ખાસ ઉપસ્થિત રહી દર્દીઓના ઓપરેશન શાતાપૂર્વક થાય તે માટેની શુભેચ્છા પાઠવેલ.

અહર્મ યુવા સેવા ગ્રુપના રાજેશ્વરીબેન બદાણી, નીરવ અજમેરા તેજશ બાવીશી સમીર શાહ મનોજ પડીયા તથા શ્રી મનહરપ્લોટ જૈન સંઘના બકુલ મહેતા પ્રદીપભાઈ મહેતા રાજેન્દ્ર વોરા તુષાર અદાણી વગેરે ઉપસ્થિત રહેલ અને સેવા પ્રદાન કરેલ. શ્રી.મનહર પ્લોટ સંઘ તરફથી દરેકને આઈસ્ક્રીમ, માસ્ક આપવામાં આવેલ.

ઋણ સ્વીકારની અભિવ્યકિત જૈન અગ્રણી ઉપેનભાઈ મોદીએ જયારે કાર્યક્રમનું સંચાલન તુષારભાઈ મહેતાએ કરેલ.

(2:54 pm IST)