Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ભુ-તળ સાજા રાખવા હોય તો વરસાદી પાણી જમીનમાં ઉતારો

રસ્તા પાકા, ફુટપાથો પાકી, ફળીયા પણ પાકા તો પાણી જમીનમાં ઉતરશે કઇ રીતે?

રાજકોટમાં આજી, ન્યારી અને લાલપરી એમ ત્રણ ત્રણ નદી છે અને ત્રણ ત્રણ ડેમ પણ છે. પરંતુ વસતી વધતા પાણીની જરૂરીયાત અધુરીને અધુરી રહે છે. આજે તો સૌની યોજના થકી નર્મદાનું પાણી ડેમોમાં ઠાલવવાની વૈકલ્પિક વ્યવસ્થા છે. પરંતુ તેનો આધાર કયાં સુધી? જુના રાજકોટમાં પહેલા ડંકીમાં ૩૫ થી ૪૦ ફુટે પાણી મળતુ હતુ તે આજે ૮૦૦ થી ૧૯૦૦ ફુટ સુધીના ઉંડા બોર કર્યા પછી મળે છે. જમીનમાં પાણીના સ્તર નીચે જઇ રહ્યા છે. જમીનમાં પાણી ખુટતા ગરમીનું પ્રમાણ વધે છે.

પાણીના સ્તર નીચા જવાના કારણો તપાસીએ તો શહેરોમાં આજે પાકાબાંધકામો નડી રહ્યા છે. મકાનોની અગાસી સીવાયના ભાગો ખુલ્લા હોવા જોઇએ તેના બદલોે માર્ગો પાકા, ફુટપાથો પાકી, મકાનોના ફળીયા પણ પાકા. તો પાણી જમીનમાં ઉતરશે કઇ રીતે? જો વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં નહી આવે તો આવનારા દિવસોમાં ખુબ મોટી મુશ્કેલીઓ મો ફાડશે.

સૌથી શ્રેષ્ઠ વિકલ્પ જળ રીચાર્જનો છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારીશુ તો જ ભવિષ્યમાં સર્જાનાર પાણીની અછતથી બચી શકીશુ. આ માટે ચાર રસ્તાના ચોક હોય ત્યાં કે અન્ય અનુકુળ જગ્યાએ મોટા બોર કરીને તેમાં પાણી ઉતારવાની વ્યવસ્થા થવી જોઇએ. ઘરે ઘરે પણ અગાસી પરથી વહેતા વરસાદના પાણીને જમીનમાં ઉતારવા જોઇએ. તો જ જમીનમાં પાણીનું સ્તર ઉંચુ આવી શકે અને આપણને ચોખ્ખુ પાણી મળવાથી રોગચાળો ઘટશે. પર્યાવરણ પણ સુધરશે. ગરમીનું પ્રમાણ પણ કંટ્રોલમાં રહેશ.

આ માટે બિલ્ડરોએ પણ કમાલ બતાવવાની જરૂર છે. શ્રેષ્ઠ ઉદાહરણ જોઇએ તો રાજકોટમાં શેઠ બિલ્ડર્સે સીલ્વર હાઇટસ બીલ્ડીંગમાં ૨૫૦૦૦ વાર જગ્યામાં ૫૦ થી વધુ ૬ ઇંચના અને ૨૦૦ ફુટ ઉંડા બોર બનાવ્યા છે. તેને અઢી ફુટ ચેનલ દ્વારા જોડી દેતા વરસાદનું પાણી સંપૂર્ણપણે જમીનમાં ઉતરી રહ્યુ છે. તેમના આ કાર્યમાંથી અન્ય બિલ્ડરોએ પ્રેરણા લીધા જેવી છે. દરેક બિલ્ડર, ફલેટ, મકાન ધારક જળ રીચાર્જીંગને અમલમાં મુકે તો જ આવનારી પાણી સમસ્યામાંથી ઉગરી શકીશું. વરસાદી પાણીને જમીનમાં ઉતારો. પાણી બચશે તો જ આપણે બચશું.

- રમેશભાઇ ઠકકર, મો.૯૯૦૯૯ ૭૧૧૧૬

(2:56 pm IST)