Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

ભારતની આઝાદીમાં ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવનું બલિદાન અમૂલ્યઃ રાજુભાઈ

શહીદ દિન નિમિત્તે પં.દીનદયાળ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા વીર શહીદો ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂને વિરાંજલી અર્પણ

રાજકોટઃ આજે શહીદ દિન નિમિતે રેસકોર્સ એથ્લેટીકસ ગ્રાઉન્ડ પાસે પંડિત દિનદયાલ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સ્વતંત્ર સંગ્રામની લડતમાં ભારત માતાની સ્વતંત્રતા માટે બલીદાન આપીને શહીદી વોહરનાર ક્રાંતિવીરો ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂને શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ સંસ્થાના સંયોજક રાજુભાઈ ધ્રુવના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

શ્રી રાજુભાઇ ધ્રુવે આઝાદીના મહાન યોદ્ધાઓ અમર બલિદાની શ્રી ભગતસિંહના ત્યાગ, તર્પણ અને બલિદાન વિશે વાત કરી આજના યુવાપેઢીને શહીદ ક્રાંતિવિરોના બલિદાનની યાદ તાજી કરાવી.ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ,જતીન દાસ જેવા અસંખ્ય અનેક નામી અનામી સ્વાતંત્રયવીરો બલિદાન  આઝાદી અપાવવા માટે આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. આજની યુવાપેઢીને આ મહાનુભાવોના વિચારોને સમજી જાણીને દેશ સેવા કરવાની પ્રેરણા મળે છે.

ભગતસિંહને આજ રોજ ૨૩ માર્ચ ૧૯૩૧ના દિવસે ફાંસી આપવામાં આવે ત્યારે તેમની ઉંમર ફકત ૨૩ વર્ષ હતી. લગ્ન કરવાની વયે ભગતસિંહએ આઝાદીને પોતાની દુલ્હન બનાવી ફાંસીના ગાળીયાને વરમાળા બનાવી દેશની સેવામાં પોતાના જીવ ની આહુતિ આપી એ ભારતદેશ  ક્યારેય નહિ ભૂલે. બસ એમના વિચારો થકી આજના યુવાનો પ્રેરણા લઈ આગળ વધે અને દેશને સમર્પિત બને.

 શહીદો માંથી પ્રેરણા લઇ દેશસેવા પ્રત્યે રાર્ષ્ટ્ર ભાવના સુદ્ઢ કરવા દેશ અને સમાજ સેવા માટે કટિબદ્ધ રહેવા અનુરોધ કાર્યો હતો. આ પ્રસંગે એથ્લેટીકસ સ્પોર્ટ્સ કોચ તથા સંસ્થા ના અગ્રણી ભાવિકભાઈ અગ્રાવત, અરવિંદભાઈ જોશી, ભાસ્કરભાઈ ત્રિવેદી, અમિત ધ્રુવ ,જયરાજસિંહ રાઠોડ, રમતવીર દેવયાનીબા મહેન્દ્રસિંહ ઝાલા, મુજજમીલ સુધાગુનિયા,  કિરણભાઈ ચાવડા, તેજસ ગોરસીયા  સંજયભાઈ લોટીયા,  હરદીપસિંહ જાડેજા, કેયુર શુકલ અર્જુનભાઈ વાંક, વિમલ વાંક, પ્રતિકભાઈ ચાવડા, રાજિત વિડા,  હિતેષભાઇ પિંડારીયા, એથ્લેટીકસના વિદ્યાર્થી રમતવીર ભાઈ બહેનો દેશપ્રેમી રમતવીર નાગરિકો જોડાયા હતા.

(2:57 pm IST)