Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

બે દિ'માં જ મ.ન.પા.નો જમીન વેચાણનો ટાર્ગેટ પૂરો

આજે બે પ્લોટમાંથી માત્ર ૧ વેચાયો : અયોધ્યા ચોકની જમીનના ૨૫.૭૮ કરોડ ઉપજ્યા

કુલ ૮ પ્લોટની હરરાજી રખાયેલ પરંતુ વેચાયા માત્ર બે : બાકીના ૬ પ્લોટની હરરાજીમાં કોઇએ ડિપોઝીટ જ ન ભરી : આજે વેચાયેલ ૪૬૭૯ ચો.મી.ના પ્લોટમાં પ્રતિ ચો.મી.ના ૫૫,૧૦૦ના ઉપજ્યા : ૨૦૨૦-૨૧ની જમીન વેચાણની આવકના ૧૩૫ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ : હવે આવતા વર્ષે હરરાજી થશે

રાજકોટ તા. ૨૩ : મ.ન.પા. દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંતિમ દિવસોમાં જમીનોની ઓનલાઇન હરરાજીનો દોર શરૂ થયેલ. જે અંતર્ગત ગઇકાલે નાનામૌવા ચોકવાળો પ્લોટ ૧૧૮ કરોડમાં વેચાયો હતો અને આજે હરરાજીના બીજા દિવસે ૧૫૦ રીંગ રોડ પર અયોધ્યા ચોકમાં બે પ્લોટની હરરાજી થયેલ પરંતુ તેમાંથી ૧ પ્લોટ જ વેચાતા આજે ૨૫.૭૮ કરોડની આવક તંત્રને થતાં ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ના જમીન વેચાણની આવકનો ૧૩૫ કરોડનો લક્ષ્યાંક માત્ર બે દિવસમાં જ પૂર્ણ થઇ ગયો હતો.

આ અંગે ટી.પી.ઓ. શ્રી સાગઠિયાએ સત્તાવાર જાહેર કર્યા મુજબ મ.ન.પા. ૨૦૨૦માં કોરોના મહામારીને કારણે જમીનની હરરાજી કરી શકેલ નહીં. દરમિયાન સરકારે લોકડાઉનમાં રાહત આપતા મ.ન.પા.ના ૮ જેટલા વિવિધ વિસ્તારમાં આવેલા પ્લોટોની ઓનલાઇન પધ્ધતિથી હરરાજી ગોઠવેલ. જે ગઇકાલથી શરૂ થયેલ અને પ્રથમ હરરાજીમાં નાનામૌવા ચોકના મોકાના પ્લોટના ૧૧૮ કરોડ ઉપજ્યા હતા.

જ્યારે આજે બીજા દિવસે બે પ્લોટની હરરાજી ગોઠવાયેલ પરંતુ ૧ પ્લોટમાં કોઇએ ડીપોઝીટ ભરી ન હતી. જ્યારે ૧૫૦ રીંગ રોડ અયોધ્યા ચોકમાં આવેલ ૪૬૭૯ ચો.મી. પ્લોટની હરરાજી પ્રતિ ચો.મી.ના ૫૫ હજાર લેખે શરૂ કરાયેલ. જેમાં બે પાર્ટીએ રસ દાખવેલ અને અંતે રાજકોટના એમ.ટી. બિલ્ડકોન પ્રા.લી.ના પરેશ ભાલારાએ પ્રતિ ચો.મી. માત્ર ૧૦૦ રૂ.ની ઉંચી બોલી લગાવી પ્રતિ ચો.મી. રૂ. ૫૫,૧૦૦ લેખે આ મોકાનો પ્લોટ રૂ. ૨૫,૨૮,૧૨,૯૦૦માં ખરીદ્યો હતો.

દરમિયાન આ તકે શ્રી સાગઠિયાએ સ્પષ્ટ કર્યું હતું કે, ૮માંથી બે પ્લોટ વેચાયા છે. જ્યારે હજુ ૬ પ્લોટની હરરાજી બાકી છે પરંતુ તેમાં કોઇ પાર્ટીએ ડીપોઝીટની રકમ નહી ભરતા હવે આ ૬ પ્લોટની હરરાજી મુલત્વી રખાયેલ છે જે આવતા નાણાકિય વર્ષમાં કરવામાં આવશે.

ઓન-લાઇન હરરાજીનો જોઇએ તેવો ફાયદો તંત્રને મળ્યો નહી

માત્ર પ્રતિ ચો.મી. રૂ. ૧૦૦થી ૨૦૦ જ મળ્યા : બંને પ્લોટ રાજકોટની પાર્ટીએ જ ખરીદ્યા : બહારના રોકાણકારો એ કેમ રસ ન લીધો !

રાજકોટ : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જમીનની ઓન-લાઇન હરરાજીથી દેશના અન્ય રાજ્યોના રોકાણકારોેને ફાયદો મળશે તેવી આશા વ્યકત કરી હતી પરંતુ હરરાજી બાદ તંત્રને આ પ્રકારની હરરાજીથી કોઇ જ વિશેષ ફાયદો થયો નહી હોવાની ચર્ચા છે.

કેમકે ૮માંથી માત્ર બે પ્લોટ વેચાયા છે. બાકીના ૬માં કોઇએ રસ ન દાખવ્યો અને જે બે પ્લોટ વેચાયા તેમાં અપસેટ કિંમતથી માત્ર રૂ. ૧૦૦ થી ૨૦૦નો જ ભાવ વધુ મળ્યો અને તે પણ રાજકોટના બિલ્ડરોએ જ ખરીદ્યા. આમ, ઓન-લાઇન હરરાજી જેવી ગાજી હતી તેવી વરસી નહી તેવી ચર્ચાએ જોર પકડયું છે.

(3:08 pm IST)