Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

'નાયક' : પ્રદીપ ડવને જંગલેશ્વરમાં પાણી ચોરીની ફરીયાદ મળતા જ વિજીલન્સ ચેકીંગ શરૂ કરાવતા ફફડાટ

રાજકોટઃ નવનિયુકત યુવા મેયર પ્રદીપ ડવે વર્તમાન પાણીની કટોકટીમાં શહેરનાં નગરજનોને પુરા ફોર્સથી પાણી મળે તે માટે પાણીની ફરીયાદોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે અધિકારીઓને દોડાવ્યા છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં વાલ્વ ખોલી પાણી ચોરીનું દુષણ ફેલાયુ હોવાની ફરીયાદ મળતા જ તેઓએ તાબડતોબ ફરીયાદ મળી હતી તે વિસ્તારમાં વિજીલન્સની ટુકડી મોકલી અને ચેકીંગ શરૂ કરાવી દીધું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વોર્ડ નં. ૧૬ના અમુક વિસ્તારોમાં પાણીના વાલ્વ ખોલી નાખતા હોય જેના કારણે પુરા ફોર્સથી પાણી મળતુ ન હોવાની રજુઆત કોર્પોરેટરશ્રી અને સ્થાનીક રહેવાસીઓ દ્વારા મેયર ડો.પ્રદીપ ડવને કરવામાં આવેલ.જેના અનુસંધાને મેયરશ્રીએ સીટી એન્જીનીયર અને સંબંધક અધિકારીને ચેકીંગ કરવા તથા આવા લેભાગુ તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ. જે અંતર્ગત આજે વોર્ડ નં. ૧૬ના એન્જીનીયર સ્ટાફ તથા વીજીલન્સ સ્ટાફ સાથે રાખી અંકુર સોસાયટી, જંગલેશ્વર મેઇન રોડ વિગેરે જગ્યાએ ચેકીંગ કરવામાં આવેલ. આગામી દિવસોમાં પણ આ ચેકીંગ ચાલુ રહેશે અને જો કોઇ પાણી ચોરીમાં પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી ચેતવણી મેયર પ્રદીપ ડવે આપી છે.

(3:57 pm IST)