Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

મ.ન.પા.નું બજેટ શહેરની વિકાસયાત્રાને વધુ આગળ ધપાવશે : ઉદય કાનગડ

રાજકોટ તા. ૨૩ : ગઇકાલે સ્ટેન્ડીંગ કમિટિએ મંજુર કરેલું મ.ન.પા.નું બજેટ શહેરની વિકાસયાત્રાને વધુ આગળ વધારશે તેવો વિશ્વાસ પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડ વ્યકત કર્યો છે.

મ્યુનિસપિલ કોર્પોરેશનનું નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નું રૂ.૨૨૯૧.૨૪ કરોડનું વાર્ષિક અંદાજપત્ર ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. આ બજેટને આવકારતા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદય કાનગડ જણાવે છે કે, રાજકોટના પ્રજાજનોએ છેલ્લા સાડા ચાર દાયકામાંથી પાંચ વર્ષને બાદ કરતા ચાલીસ વર્ષ રાજકોટના પ્રજાજનોએ ભારતીય જનતા પક્ષને શાસનધૂરા સોંપેલ છે. આ સમયગાળા દરમ્યાન શાસકોએ રાજકોટની વિકાસયાત્રા અવિરતપણે આગળ વધારી, લોકોના પ્રાથમિક સુવિધાના કામોની સાથોસાથ ચોતરફ અનેક વિકાસલક્ષી કામો કર્યા છે.

કમિશનરશ્રી દ્વારા રજુ કરવામાં આવેલ બજેટનો સંપૂર્ણ અભ્યાસ કરી મહાનગરપાલિકાનાં સ્ટેન્ડિંગ કમિટીનાં સભ્યો તથા વર્તમાન પદાધિકારીશ્રીઓ દ્વારા નવી ૨૨ વિકાસ યોજનાઓ ઉમેરવામાં આવેલ છે. જેમાં પાણી પુરવઠા, ડ્રેનેજ, રસ્તાકામ, લાઈટીંગ જેવા પ્રાથમિક સુવિધાના કામોની સાથોસાથ, ઇન્ડોર સ્ટેડીયમ, ઓડીટોરીયમ, ચિલ્ડ્રન પાર્ક, મહિલા ગાર્ડન, જેવા પ્રોજેકટને પણ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેમજ પર્યાવરણનું સંરક્ષણ આગળ વધારતી ગો ગ્રીન, મીયાવાંકી કન્સેપ્ટથી વૃક્ષારોપણ, ઈલેકટ્રીક કાર ખરીદી સહીતની યોજનાઓ પણ સામેલ કરવામાં આવેલ છે. શહેરીજનોની અપેક્ષા અને આકાંક્ષાને પરિપૂર્ણ કરતુ બજેટ મંજુર કરવા બદલ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલ સહિત તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

(4:05 pm IST)