Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

સુપ્રસિધ્ધ લાબેલા ગાંઠીયાવાળા છગનભાઇ ગોંધીયાનું નિધન

રંગીલા રાજકોટીયનોનેે ગાંઠીયાનું ઘેલુ લગાડનાર એવા : મુળ ભાયાવદરના ૧૯૫૮થી રાજકોટમાં સ્થાયી થયેલા, ફિલ્મી હસ્તીઓ, રાજકારણીઓ, ક્રિકેટરો પણ અનેક વખત છગનભાઇના બનાવેલા ગાંઠીયાનો સ્વાદ માણી ચુકયા છે, ૮૮ વર્ષની ઉંમર સુધી ગાંઠીયા બનાવતા

રાજકોટઃ સુપ્રસિધ્ધ લાબેલા ગાંઠીયાવાળા છગનભાઇ જેઠાલાલ ગોંધીયાનું ૯૦ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓએ 'લાબેલા ગાંઠીયા'નું નામ રાજકોટ સહિત દેશ-વિદેશમાં ગુજતુ કર્યું છે. તેઓએ બનાવેલા ગાંઠીયાનો સ્વાદ માણવા લોકો દુર-દુરથી આવતા. સદગત સ્વ. છગનભાઇના જીવન વિશે થોડુ જાણીએ તો મુળ વતન ભાયાવદરથી રાજકોટ વર્ષ ૧૯૫૮માં સમગ્ર પરિવાર સાથે આવેલા. બાદ રેલ્વે સ્ટેશન નજીક ગાંઠીયા અને પુરી શાકની રેકડી શરૂ કરેલી. આગળ વધતા ૧૯૬૦માં ૫-રઘુવીરપરા સીડીવાળી શેરી (જીવન બેંકવાળી શેરી) ખાતે તેમના પુત્ર પિયુષભાઇ સાથે દુકાન શરૂ કરી.

છગનભાઇએ બનાવેલા ગાંઠીયા સ્વાદ પ્રેમીઓના દાઢે વળગતા. ગાંઠીયાના શોખીનો છેક દુર-દુરથી ગાંઠીયાનો સ્વાદ માણવા આવતા. નોંધનીય છે કે આજે પણ લાબેલાના ગાંઠીયા એટલા જ પ્રસિધ્ધ છે. ધીમે-ધીમે ધંધો જામવા લાગ્યો. બસ પછી તો શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી ગાંઠીયાના શોખીનો આવવા લાગ્યા.  સૌરાષ્ટ્રના ગામેગામથી દેશ અને વિદેશમાં પણ ગાંઠીયા આજે પણ પાર્સલથી મોકલવામાં આવે છે. છગનભાઇ જેવા સ્વાદીષ્ઠ ગાંઠીયા બનાવતા તેવા જ ગાંઠીયા તેમના પુત્રો પણ બનાવે છે. આજે પણ તેની કવોલીટી જાળવી રાખી છે. રાજકારણીઓ, ફિલ્મસ્ટાર, ક્રિકેટરો  સહિતની હસ્તીઓ પણ છગનભાઇના ગાંઠીયાનો સ્વાદ વખતો વખત માણી ચુકયા છે. સોશ્યલ મીડીયામાં પણ લાબેલા ગાંઠીયાના વિડીયો ધુમ મચાવે છે.

સ્વભાવમાં એકદમ સરળ અને શાંત એવા સ્વ. છગનભાઇ ૮૮ વર્ષની ઉંમર સુધી ગાંઠીયા બનાવતા બાદ નાદુરસ્ત તબીયતના લીધે ગાંઠીયા બનાવવાનું મુકી દીધુ હતુ. પરંતુ આજની તારીખે પણ તેમના પરિવારજનો ગાંઠીયાનો ધંધો આનબાન શાનથી ચલાવી રહયા છે.  

સદગત છગનભાઇના દુઃખદ નિધનથી પરિવારજનો પણ શોકમાં ગરકાવ થઇ ગયા છે. છગનભાઇ જેઠાલાલ ગોંધીયા (લાબેલા ગાંઠીયાવાળા) (ઉ.વ.૯૦) તે પિયુષભાઇ, રાજુભાઇ અને જગદીશભાઇ તથા મધુબેન, ઉષાબેન અને દર્શનાબેનના પિતાશ્રી તેમજ મૌલીક, સાગર, દેવાંગ, વિભૂતિ, કિંજલ અને હાર્દિકના દાદાનું તા.૨૩ના દુઃખદ નિધન થયેલ છે. (૮૦૦૦૭ ૧૭૭૭૯) અકિલા પરિવારે બે મીનીટ મૌન પાડી સદગતને શ્રધ્ધાંજલી અર્પી હતી.

(4:11 pm IST)