Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

સદભાવના વૃધ્ધાશ્રમનાં ૨૫૦ થી વધુ વડીલોને વેકસીન અપાઇ

જૈન મહાસતિજીઓએ વેકસીન લઇ લોકોને પણ વેકસીન લેવા અપીલ કરી

રાજકોટ,તા. ૨૩: શહેરમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વધુને વધુ લોકો વેકસીન લઇ પોતાની અને પોતાના પરિવારની રક્ષા કરે તેવા હેતુથી કામગીરી કરી રહી છે. શહેરમાં વડીલોનો વેકસીન લેવા અંગે ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે વેકસીન લેવા વડીલોનો ખુબ મોટી સંખ્યામાં પ્રતિભાવ મળ્યો છે. શહેરના વરિષ્ઠ નાગરિકો પોતે વેકસીન લઇ લોકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી રહ્યા છે તેના ઉદાહરણરૂપે આજે તા. ૨૩ના રોજ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃધ્ધાશ્રમના ત્રણેય યુનિટમાં રહેલા કુલ ૨૫૦ થી વધુ વડીલોને વેકસીન આપવાની કામગીરીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સહાયક કમિશનર હર્ષદ પટેલે નોડલ ઓફિસર તરીકે  સદભાવના વૃધ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા સાથે આ માટે સંકલન કર્યું હતું.

શ્રી સદભાવના વૃધ્ધાશ્રમ ખાતે વેકસીનેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ તમામ વ્યવસ્થા કરી આપી હતી. લોકોને વેકસીન લેવા અંગે કોઇ તકલીફ ન પડે તે માટે મહાનગરપાલિકા તમામ પ્રયાસો કરી રહી છે. અશકત નાગરિક માટે આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વાર પર જ વેકસીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજકોટની પ્રજા પોતે વેકસીન લઇ અન્ય લોકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપે છે.

વેકસીનેશનમાં બાકી રહેલા, જૈન સમાજના મહાસતિજીઓએ આજે પણ કોરોના સામેની વેકસીન લઇ લોકોને વેકસીન લેવા અપીલ કરી હતી.

(4:13 pm IST)