Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd March 2021

રૂડાના ૨૪ ગામો માટે ૨૮ કરોડની પાણી પુરવઠા યોજના 'રૂડા'નું ૨૮૭ કરોડનું બજેટ મંજુર કરતા ઉદિત અગ્રવાલ

એઈમ્સને જોડતો નવો રોડ-પરાપીપળીયા પાસે ચાર માર્ગિય બ્રીજ માટે ૧૧.૮૧ કરોડની જોગવાઈઃ ૨ ટી.પી. સ્કીમના વાંધા સૂચનોનો નિકાલઃ વિવિધ બ્રીજ અને રસ્તાઓ માટે ૫૧ કરોડની જોગવાઈઃ નવી ૬ ટી.પી. બનાવવા ૨૫ લાખઃ પ્રધાનમંત્રી આવાસ માટે ૧૯૧ કરોડ

રાજકોટ, તા., ૨૩: 'રૂડા'ની બોર્ડ બેઠકમાં આજે ર૦ર૧-રરનું ર૮૭.૬ કરોડનું બજેટ મંજુર કરાયું હતું. જેમાં પાણી પુરવઠા, નવા બ્રીજ, રસ્તા, નવી આવાસ યોજના, નવી ટી.પી. સ્કીમો વગેરે માટે જોગવાઇઓ કરાયાનું રૂડાના કાર્યકારી ચેરમેન ઉદીત અગ્રવાલે જાહેર કર્યુ હતું.

આજે બપોરે  ૧૨-૦૦ કલાકે રાજકોટ શહેરી વિકાસ સતામંડળની ૧૬૩મી બોર્ડ બેઠક રૂડાના ચેરમેનશ્રી ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી.

આ બોર્ડ બેઠકમાં આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૨૮૭.૦૬ કરોડનું બજેટ રજુ કરવામાં આવેલ હતું. જે બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. તેમજ રૂડા દ્વારા વિક્રમજનક સમયમાં બનાવાયેલ  ટી.પી.સ્કીમ નં. ૩૮/૨ (મનહરપુર-રોણકી) તથા ૪૧ (સોખડા-માલીયાસણ) માટે રજુ થયેલ વાંધા સુચનો બોર્ડ સમક્ષ મુકવામાં આવેલ, જે અંગે ચર્ચા વિચારણાના અંતે નિયમોનુસાર આ ટી. પી. સ્કીમો સરકારશ્રીમાં સત્વરે મોકલવાનક્કી કરાયેલ હતું. આ ઉપરાંત ખંઢેરી રેલ્વે સ્ટેશન તથા ખંઢેરી/પરા પીપળીયા ગામને AIIMS સુધી પહોંચવાના મુખ્ય રસ્તા સાથે જોડતો ૧.૦૨ કિમીનો ચાર માર્ગીય રસ્તો અને એક ચાર માર્ગીય બ્રીજનું કામ રૂ. ૧૧.૮૧ કરોડનાખર્ચે કરાવવાના કામને મંજુરી આપવામાં આવેલ હતી. 

આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ઉદીત અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર,રિજિયોનલ કમિશનરશ્રી (નગરપાલિકાઓ) ના અધિક કલેકટરશ્રી એન. એફ. ચૌધરી,રૂડાના સી.ઈ.એ. શ્રી ચેતન ગણાત્રા,આરએમસી સીટી એંજીનિયરશ્રી દોઢીયા, કલેકટર કચેરીના મામલતદારશ્રી તન્ના,એસટીપી શ્રી ક્રિષ્નારાવ હાજર રહેલ હતાં.

બોર્ડ બેઠકમાં કુલ-૨ ટી.પી.સ્કીમના વાંધાસુચનોનો નિકાલ

ગુજરાતના શહેરોના ઝડપી અને સુનિયોજિત વિકાસ બાબતની સરકારશ્રીની પ્રાથમિકતાને ધ્યાને લઈ, રૂડા દ્વારા ફકત ત્રણ (૩) મહિનાના વિક્રમજનક સમયમાં ટી.પી.સ્કીમ નં. ૩૮/૨ (મનહરપુર-રોણકી) તથા ૪૧ (સોખડા-માલીયાસણ)નો મુસદ્દો ઘડી, ઓનર્સ મીટિંગ પૂર્ણ કરી તા.૨૩.૦૩.૨૦૨૧ની બોર્ડ મીટિંગમાં રજુ થયેલ વાંધા સુચનો ચર્ચા માટે મુકવામાં આવેલ હતાં.હવે આ બંને સ્કીમો  સરકારશ્રીની મંજૂરી અર્થે સાદર કરવામાં આવશે.

આમ, સામાન્ય રીતે એક – દોઢ વર્ષમાં તૈયાર થતી ટી.પી. સ્કીમ રૂડા દ્વારા માત્ર ૧૦૦ દિવસ જેટલા સમયમાં તૈયાર કરી સરકારશ્રીમાં મોકલવા આજરોજ બોર્ડની મંજુરી લેવામાં આવેલ હતી.

અધિનિયમની જોગવાઈ અનુસાર ટી.પી.સ્કીમનો ઇરાદો જાહેર થયેથી તે વિસ્તારમાં વિકાસ પરવાનગીની કામગીરી સ્થગિત કરવાની થાય. પરંતુ રૂડા દ્વારા વિક્રમજનક ટૂંકા સમયમાં ટી.પી.સ્કીમનો મુસદ્દો ઘડી સરકારશ્રીની મંજૂરીએ સાદર કરવાને કારણે આ વિસ્તારનો વિકાસ ફકત ત્રીજા ભાગના સમય માટે જ સ્થગિત થશે.  વિકાસ પરવાનગીની કામગીરી ટુંક સમયમાં પુનૅં શરૂ થશે.

બજેટની ધ્યાનાકર્ષક યોજના

રૂ.૫૧.૪૫ કરોડની રોડ અને બ્રીજ માટે જોગવાઇ.

રીંગરોડ-૨, ફેઝ-૨ કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના હૈયાત રસ્તાનું વાઇડનીંગ

રીંગરોડ-૨, ફેઝ-૩ ગોંડલ રોડથી ભાવનગર રોડ સુધીનાં રસ્તાનું કામ.

રીંગરોડ-૨, ફેઝ-૪ ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીનાં રસ્તાનું કામ.

રાજકોટ શહેરથી એઈમ્સ હોસ્પીટલ સુધીનો ૪-માર્ગીય અને ૬-માર્ગીય રસ્તાનું કામ.

ખંઢેરી રેલ્વે સ્ટેશનથી ખ્ત્ત્પ્લ્ હોસ્પીટલનાં મુખ્ય રસ્તાને જોડતા ૪-માર્ગીય રસ્તાનું કામ.

રૂ. ૨૮.૦૮ કરોડની ૨૪ ગામની પાણી પુરવઠા યોજના માટે જોગવાઇ.

રૂ. ૧૯૧ કરોડની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે ૪૫૦૦ મકાનો બાંધવા માટેની જોગવાઇ.

નવી ૬ ટી.પી. સ્કીમો બનાવવા માટે રૂ.૨૫.૦૦ લાખની જોગવાઇ.

નવા પ્રોજેકટો

૧) ખંઢેરી ગામ તથા ખંઢેરી રેલ્વે સ્ટેશનથી એઈમ્સ હોસ્પીટલ સુધી પહોંચવા સરળતા રહે તે માટે ૧.૦૨ કી.મીનો ૪-માર્ગીય રસ્તો તથા ૧(એક) ૪-માર્ગીય માઇનર બ્રીજનું કામ - રૂ.૧૧.૮૧ કરોડ.

૨) રીંગરોડ-૨, ફેઝ-૨ કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના રસ્તાનું ૪-માર્ગીય રસ્તામાં રૂપાંતર - રૂ.૧૦.૫૦ કરોડ.

૩) રૂડામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે રૂ. ૫.૦૦ કરોડની જોગવાઈ.

(4:16 pm IST)