Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

હસમુખભાઇ સોની ગુરૃવારે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરશે

કચ્છના બિદડા ખાતે સોની પરિવારના યુવક

રાજકોટ,તા.૨૪ : ગણતંત્ર દિવસ તા.૨૬ના રોજ કચ્છ ખાતે આવેલ માનવ મંદિર - બીદડાની ધન્ય ધરા ઉપર કચ્છ આઠ કોટિ મોટી પક્ષના પૂ.ગુરુ ભગવંત દિનેશચંદ્રજી મ.સા.ની અમૃતમય વાણીથી પ્રેરિત થઈ બનાસકાંઠા - ગરામડી ગામના રહેવાસી મુમુક્ષુ હસમુખભાઈ શંકરલાલ સોની ( ઉંમર વર્ષ ૪૨) તા.૨૬/૧/૨૦૨૩  પ્રજાસત્તાક પર્વના પાવન દિવસે પોતાના આત્માને કર્મોથી આઝાદ કરવા જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરશે.ઐતિહાસિક સંયમ મહોત્સવ  ઉજવાશે.માનવ મંદિર ખાતે વૈરાગ્યસભર અદ્દભૂત દ્રશ્ય સર્જાશે..

 અનંત ઉપકારી પૂ.ગુરુ ભગવંત દિનેશચંદ્રજી મ.સા.ના શ્રી મુખેથી દેવોને પણ દૂર્લભ એવો કરેમિ ભંતેનો પાઠ ભણી મુમુક્ષુ હસમુખભાઈ ''અણગારે જાયા'' એટલે કે પંચ મહાવ્રતને અંગીકાર કરી જૈન સાધુ બનશે.

જિનેશ્વર પ્રેરિત ધર્મમાં કોઈનો ઈજારો નથી, આ તો પાળે તેનો ધર્મ છે.જૈન શાસ્ત્રો  - ગ્રંથોમાં અનેક દ્રષ્ટાંતો આવે છે. ચોવીસે ચોવીસ તીથઁકરો ક્ષત્રિય હતાં. પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ બ્રાહ્મણ હતા.દલિત પરિવારના મેતારજ મુનિએ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરી આત્મ કલ્યાણ કરેલ. મુમુક્ષુ હસમુખભાઈ સોની   છેલ્લા ત્રણ વષૅથી પૂ.ગુરુદેવ દિનેશચંદ્રજી  મ.સા.પાસે જ્ઞાનાભ્યાસ કરી રહેલ છે.જ્ઞાતિએ જૈન નથી પરંતુ સોની - મહાજન છે. આ મહાવીરનું શાસન છે જયાં સૌના સરીખા આસન છે આ ઉકિતને સોની પરીવારમાંથી આવતા મુમુક્ષુ હસમુખભાઈ ચરિતાથૅ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૬૮ ની ઉંમર અને ૪૭ વર્ષના સંયમ પર્યાયધારી ત્રિગુણ સ્થવિરા પૂ.ગુરુ ભગવંત દિનેશચંદ્રજી મ.સા.ની દીક્ષા પણ ૪૭ વર્ષ પૂર્વે ૨૬/૧ ના રોજ થયેલ. માનવ મંદિર બીદડા - કચ્છની પુણ્ય ભૂમિ ઉપર સંયમ મહોત્સવમાં ત્રણ સંતો એવમ્ લગભગ ૪૦ સતિવૃંદ ઉપસ્થિત રહી ભગવાન મહાવીરે -પ્રરૃપેલ સંયમ માર્ગની ચતુર્વિધ સંઘ ભૂરિ - ભૂરી અનુમોદના કરશે તેમ મનોજ ડેલીવાળાએ જણાવેલ.ત્યાગ માર્ગની અનુમોદના કરવા સંયમ મહોત્સવમાં પધારવા માનવ મંદિર સંકુલ તરફથી સૌ ભાવિકોને ભકિત ભર્યું નિમંત્રણ છે.

વધુ માહિતી માટે માનવ મંદિર બિદડા ૦૨૮૩૪ ૨૪૫૧૨૫ તથા ૨૪૫૨૪૬નો સંપર્ક કરી શકાશે.

(12:10 pm IST)