Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

કુચીયાદળ પાસે કારને અકસ્‍માત નડયોઃજુનાગઢના હેમાક્ષીબેન વાઘેલાનું મોતઃ પતિ અને માતાને ઇજા

હેમાક્ષીબેનને કેન્‍સર થયું હોવાથી અમદાવાદ બતાવવા જતા હતાં: પતિ જતીનભાઇ, માતા અનસોયાબેન સારવારમાં: પતિના મિત્ર મકસુદભાઇનો બચાવઃ ઇજાગ્રસ્‍તોને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૪: કુવાડવા નજીક કુચીયાદળનો બ્રીજ ઉતરતાં ગુજરાત મોટર નજીક કાર રોડ ડિવાઇડરમાં અથડાતાં જુનાગઢના મહિલાનું મોત નિપજ્‍યું હતું. જ્‍યારે તેણીના પતિ અને માતાને ઇજા પહોંચી હતી. કાર ચાલક પતિના મિત્રનો બચાવ થયો હતો. મહિલાએ કેન્‍સર થયું હોઇ તેની સારવાર માટે અમદાવાદ જતી વખતે આ અકસ્‍માત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જુનાગઢ રહેતાં અને બેંકમાં નોકરી કરતાં જતીનભાઇ જેન્‍તીભાઇ વાઘેલા (ઉ.વ.૪૦)ના પત્‍નિ હેમાક્ષીબેન વાઘેલા (ઉ.વ.૩૫)ને કેન્‍સર થયું હોઇ તેને અમદાવાદ બતાવવા જવા માટે જતીનભાઇ મોડી રાતે પત્‍નિને કારમાં બેસાડી રવાના થયા હતાં. સાથે હેમાક્ષીબેનના માતા અનસુયાબેન જેન્‍તીભાઇ ચુડાસમા (ઉ.વ.૬૫) પણ હતાં. કાર જતીનભાઇના મિત્ર મકસુદભાઇ હંકારી રહ્યા હતાં. વહેલી સવારે કાર રાજકોટના કુચીયાદળ નજીક નવો બ્રીજ ઉતરી આગળ વધી ત્‍યાં એકાએક રોડ ડિવાઇડર સાથે અથડાઇ જતાં મકસુદભાઇ સિવાયના તમામને ઇજાઓ થઇ હતી. સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન હેમાક્ષીબેનનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.

(3:40 pm IST)