Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

શ્રી દેવકુંવરબા હાઈસ્‍કુલનો રવિવારે શતાબ્‍દી મહોત્‍સવ

રાજાશાહીથી લોકશાહી સુધીની અવિરત શિક્ષણયાત્રા : શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજીએ તેમના દીકરીબાની સ્‍મૃતિમાં તેઓના નામે આ શાળાની શરૂઆત કરેલી : શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્વ અને વર્તમાન શિક્ષકોનું સન્‍માન, સાંસ્‍કૃતિક કાર્યક્રમ

રાજકોટ : શ્રી આદર્શ મંડળ સંચાલિત, શ્રી દેવકુંવરબા હાઈસ્‍કુલના શતાબ્‍દી વર્ષના ઉપક્રમે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા શતાબ્‍દી મહોત્‍સવ, ભૂતપૂર્વ અને વર્તમાન ગુરૂજનોના સન્‍માન અને સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન આગામી તા. ૨૯ના રવિવારે બપોરે ૨:૩૦ થી સાંજે ૭ સુધી કરવામાં આવેલ છે.

કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી પ્રતાપભાઈ દોશી (કો.ફાઉન્‍ડર, ઓલ ઈન્‍ડિયા કેમીસ્‍ટ એન્‍ડ ડ્રગીસ્‍ટ એસોસીએશન), મુખ્‍ય મહેમાનપદે શ્રી બી.એસ. કૈલા (જિલ્લા શિક્ષણાધિકારી - રાજકોટ) તેમજ અતિથિ વિશેષ તરીકે ડો.શ્રી રતુભાઈ શીંગાળા (ભૂતપૂર્વ આચાર્ય પી.ડી.એમ. કોલેજ), નવીનભાઈ ઠક્કર (ઉપપ્રમુખ રાજકોટ કેડળવણી મંડળ), અલ્‍પનાબેન ત્રિવેદી (ટ્રસ્‍ટી મહાત્‍મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ), નરેન્‍દ્રસિંહ જાડેજા (પ્રમુખ - ન્‍યુ એરા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ રાજપરા), ધ્રુવકુમાર એન. દવે (નિવૃત ઈન્‍ચાર્જ આચાર્ય પી.ડી.એમ. કોલેજ), યશવંતભાઈ જનાણી (સમાજ સેવા સંગઠન અને તંત્રી, છાત્ર શકિત), બકુલભાઈ ગણાત્રા (ચાર્ટર્ડ એકાઉટન્‍ટ) અને સલમાબેન થોભાણી (ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ) ઉપસ્‍થિત રહેશે.

શાળાના પૂર્વ વિદ્યાર્થીઓએ જણાવેલ કે વર્તમાન સમયમાં જયારે સેલ્‍ફ ફાયનાન્‍સ સ્‍કુલના વધતા જતા વર્ચસ્‍વ વચ્‍ચે શ્રી દેવકુંવરબા હાઈસ્‍કુલે ૨૦૨૨માં તેની સ્‍થાપનાના સો વર્ષ પૂરા કર્યા. ગોંડલના શિક્ષણપ્રેમી રાજવી મહારાજા શ્રી ભગવતસિંહજીએ તેની પુત્રીના શિક્ષણ પ્રત્‍યેના લગાવને કારણે તેમની સ્‍મૃતિમાં તેમના નામ પરથી શ્રી દેવકુંવરબા હાઈસ્‍કુલની સ્‍થાપના કરી હતી.

જૂનું રાજકોટ એટલે કે બેડીપરા, બેડીનાકા, રૈયા નાકા, રામનાથપરા વિ. વિસ્‍તારને આવરી લઈને ગોંડલ સ્‍ટેટના જૂના ઉતારાવાળી જગ્‍યામાં શ્રી દેવકુંવરબા હાઈસ્‍કુલની સ્‍થાપના થઈ. ૧૯૬૨ પહેલા સૌરાષ્‍ટ્ર સરકારના વખતમાં આ શાળાનું સંચાલન વિધાનસભાના સ્‍પીકર, ધારાશાષાી શ્રી ગજાનનભાઈ જોષી હસ્‍તક હતું.

શાળાના આગેવાનોએ જણાવેલ કે સ્‍વપ્‍નદૃષ્‍ટા અને શિક્ષણપ્રેમી શ્રી કે.એમ. માવાણી કે જે તા.૧-૧૨-૨૨ના રોજ અનંતયાત્રાએ ચાલી નીકળ્‍યા પરંતુ શાળાની શતાબ્‍દી વર્ષની ઉજવણી કરવાનો વિચાર અમલમાં મૂકી જયોતિ પ્રગટાવતા ગયા. તે પ્રમાણે તા.૨૯ના રોજ શ્રી પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમમાં શાળાના વયોવૃદ્ધ ભૂ.પૂ. વિદ્યાર્થી અને દવા બજારના ભીષ્‍મ પિતામહ શ્રી પ્રતાપભાઈ દોશીના અધ્‍યક્ષસ્‍થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ છે. જેમાં નવીનભાઈ ઠક્કર, ડો.અલ્‍પનાબેન ત્રિવેદી, ધ્રુવકુમાર દવે, યશવંતભાઈ જસાણી વિ. ઉપસ્‍થિત રહેશે.

આ સંસ્‍થામાં નાનજીભાઈ ચૌહાણ, રવિકાંતભાઈ દવે, જયંતિભાઈ દોશી, રસીકભાઈ કોટક, મહાવીરસિંહ જાડેજા, સ્‍વ.માવજીભાઈ પરમારનું માર્ગદર્શન મળ્‍યુ હતું.

આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ શિક્ષકો અને દાતાઓનું સન્‍માન પણ કરવામાં આવશે.

તસ્‍વીરમાં સર્વ શ્રી મનુભાઈ કોટક (આદર્શ મંડળ ટ્રસ્‍ટી મંત્રી - મો.૯૮૨૫૪ ૮૦૫૮૫), નરેશભાઈ મીરાણી - ૯૮૯૮૨ ૨૦૨૧૫, હિતેષભાઈ માવાણી - ૯૪૨૭૫ ૬૪૩૫૯, પરેશ ડી. પંડયા - ૯૮૨૫૨ ૦૦૦૪૨, દિપેશભાઇ કતીરા - ૯૮૨૪૦ ૭૭૬૯૧, કીર્તીભાઈ ધીનોજા - ૯૪૨૬૯ ૬૧૦૩૧ અને પ્રદ્યુમન પરમાર - ૭૬૦૦૦ ૨૬૨૩૯ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:48 pm IST)