Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ભારતીય સંસ્‍કૃતિનો દબદબો વિશ્વભરમાં છવાશે : રોકશન

ફિલ્‍મ મેકર, એકટર અને ડીરેકટર તરીકે ૧૭ વર્ષની સફળ યાત્રા ખેડનાર રોકશન ‘અકિલા'ની મુલાકાતે : ભોજપુરી, ગુજરાતી, હિન્‍દી, મરાઠી સહીતની ફિલ્‍મો કરી ચુકયા છે : હાલ વેબ સીરીઝ ‘સ્‍પીરિચ્‍યુઅલ ઇન્‍ડિયા'ના શુટીંગ માટે બન્‍યા જુનાગઢના મહેમાન : ગુરૂદતાત્રેયના પરમ ભકત

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝ, સેન્‍સર બોર્ડ અને ભારતીય સંસ્‍કૃતિની રસપ્રદ વિગતો વર્ણવતા રોકશન પ્રોડકશન મુંબઇના મિ. રોકશન અને બાજુમાં અશોકભાઇ વાળા, દિનેશભાઇ વીંઝુડા, શાંતાબેન મકવાણા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) (૧૬.૩)

રાજકોટ તા. ૨૩ : ‘ભારતીય સંસ્‍કૃતિ જ શ્રેષ્‍ઠ છે અને તેનો દબદબો વિશ્વભરમાં છવાશે' તેમ જાણીતા એકટર, ડીરેકટર અને ફિલ્‍મ મેકર શ્રી રોકશને ‘અકિલા' સાથેની મુલાકાત દરમિયાન જણાવ્‍યુ હતુ.

તેઓએ જણાવેલ કે આ દેશમાં જે સ્‍પીરીચ્‍યુઅલ પ્‍લેસ છે તેવા કુરૂક્ષેત્ર, ચિત્રકુટ, મથુરા, વૃંદાવન, દ્વારકા, જુનાગઢ સહીતના સ્‍થળો હું ફરી ચુકયો છુ, અને તેનું મને ગૌરવ છે. ઇન્‍ડિયન કલ્‍ચર ઇઝ ગ્રેટ. દેશવાસીઓ પણ મારી વાતને સમજે અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના મહાસત્તા તરફના કદમને મજબુત બનાવે તેવી મારી અપીલ છે.

મુળ મુંબઇના અને હાલ જુનાગઢ ‘સ્‍પીરીચ્‍યુઅલ ઇન્‍ડિયા' વેબ સીરીઝના શુટીંગ માટે આવેલા રોકશને જણાવ્‍યુ હતુ કે આ વેબ સીરીઝનું શુટીંગ જુનાગઢ ઉપરાંત ચિત્રકુટ, મહારાષ્‍ટ્ર અને કર્ણાટકના અમુક સ્‍થળોએ પણ કરાશે. જેનું કામ હવે પૂર્ણ થવામાં છે. એપ્રિલ ૨૦૨૩ ના તેના પ્રથમ એપીસોડનું લોન્‍ચીંગ દિલ્‍હી ખાતે કરાશે.

‘સ્‍પીરીચ્‍યુઅલ  ઇન્‍ડિયા'ની સાથે હાલ તેઓ હોલી વુડ ફિલ્‍મ ‘ગોરા' માટે પણ કામ કરી રહ્યા છે. જેમાં મુખ્‍ય અભિનેતાની ભુમિકા પણ પોતે જ નિભાવી છે. ‘ગોરા' ફિલ્‍મ લવ સ્‍ટોરી છે. રશીયન મમ્‍મી અને ઇન્‍ડિયન પપ્‍પાના સંતાન એવા જેકશનના જીવનની વાત છે. આ ફિલ્‍મનું શુટીંગ રશીયામાં ચાલી રહ્યુ છે. આ ફિલ્‍મના પ્રોડયુસર ગુજરાતના જ દિનેશભાઇ વીંઝુડા છે.

અહીં ઉલ્લેખનીય છે કે મિ. રોકશન ફિલ્‍મ મેકર, એકટર, ડીરેકટર તરીકે ભોજપુરી, ગુજરાતી, હિન્‍દી, મરાઠી એમ અનેક ભાષાઓમાં કામ કરી ચુકયા છે. હિન્‍દી ફિલ્‍મોની વાત કરીએ તો દેવાનંદ સાથે ‘ચાર્જશીટ' ઉપરાંત ‘સજની દેશમાં  બલમ વિદેશમાં', ‘જન્‍પ' જેવી ફિલ્‍મોમાં તેઓએ કસબ અજમાવ્‍યો છે.

જયારે પ્રોડયુસર તરીકે તેમની પ્રથમ  મરાઠી ફિલ્‍મ ‘ગેજેપાકરારે' અને બાદમાં બોલીવુડ ફિલ્‍મ ‘એક ઉડાન હોસલો સે ભરા' કરેલ. બસ પછી તો ફિલ્‍મ ઉદ્યોગ ખુબ ફળેલો અને અનેક ફિલ્‍મોમાં એકટર, ડીરેકટર અને ફિલ્‍મ મેકર તરીકેના કામો કર્યા. હાલ મુંબઇમાં ‘રોકશન ફિલ્‍મ પ્રોડકશન' નામથી પોતાનો વ્‍યવસાય સંભાળી રહ્યા છે.

આ તકે યુવા વર્ગમાં જે ડ્રગ્‍સ કલ્‍ચર જોવા મળે છે તે અંગે પણ તેઓએ દુઃખ વ્‍યકત કર્યુ હતુ. યુવા વર્ગને તેઓએ આવા દુષણની દુર રહેવા અપીલ કરી હતી. યુવાઓએ કયારેય નાસીપાસ ન થવા અને પોતાનામાં રહેલી કલાને શોધીને તેને દુનિયા સામે મુકવા ખુબ સંઘર્ષ કરવા તેઓએ શીખ આપી હતી. ખાસ કરીને ભારતીય સંસ્‍કૃતિને ઉજાગર કરવા સૌએ સાથે મળીને પ્રયત્‍નશીલ બનવા તેઓએ અંતમાં જણાવ્‍યુ હતુ. (૧૬.૩)

હાલ સેન્‍સર બોર્ડમાં જે કંઇ ચાલી રહ્યુ છે તેનાથી હું ખુબ વ્‍યથિત : રોકશન

રાજકોટ : મિ.રોકશન ‘ફિલ્‍મ સેન્‍સર બોર્ડ ઓફ ગવર્નમેન્‍ટ' ના સભ્‍ય તરીકે પણ રહી ચુકયા છે. ૬૦૦ થી વધુ ફિલ્‍મો તેઓ જજ કરી ચુકયા છે. ત્‍યારે આ સેન્‍સર ક્ષેત્રનો પોતાનો અનુભવ વાગોળતા તેઓએ જણાવ્‍યુ હતુ કે સેન્‍સર બોર્ડ માટે પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે. કઇપણ રોકથામ લગાવતા પહેલા ખુબ વિચારવુ પડે છે. સામે દરેકને પોતાની સ્‍વતંત્રતા હોય છે. માટે અજાણતા પણ કોઇનું ગળુ ઘોંટવાનો પ્રયાસ ન થઇ જાય તેનો પુરતો ખ્‍યાલ સેન્‍સર બોર્ડે રાખવાનો હોય છે. જો કે હાલ સેન્‍સર બોર્ડમાં જે કંઇ ચાલી રહ્યુ છે તેનાથી હું ખુબ વ્‍યથીત છુ. (૧૬.૩)

ગુરૂદતાત્રેય આશ્રમ સોલાપુર સાથે જોડાઇને સેવાઓ માટે સમય ફાળવે છે

રાજકોટ : ‘સ્‍પીરીચ્‍યુઅલ ઇન્‍ડિયા' વેબ સીરીઝ અને ‘ગોરા' હોલીવુડ ફિલ્‍મના કામને લઇને ગુજરાતના પ્રવાસે આવેલા રોકશન ખુબ ધાર્મિક વૃત્તિના છે. તેઓ ગુરૂ દત્તાત્રેયમાં ખુબ શ્રધ્‍ધા ધરાવે છે. સોલાપર મહારાષ્‍ટ્રમાં આવેલ શ્રી ગુરૂદેવ દત્તાત્રેય આશ્રમ સાથે તેઓ સંકળાયેલા છે અને લંગર પ્રસાદ જેવી સેવાઓમાં જોડાતા રહે છે. ગુરૂદત્તાત્રેય ભગવાન બ્રહ્મા, વિષ્‍ણુ, મહેશનો  જ અંશ છે. ત્‍યારે તેમની પીઠ સ્‍થપાય તે માટે પણ તેમના પ્રયત્‍નો રહે છે. સાથો સાથ ‘બેટી બચાવો સંસ્‍કૃતિ બચાવો' અભિયાનને પણ આગળ ધપાવી રહ્યા છે.

(4:10 pm IST)