Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

લેબર કોર્ટના હુકમ બાદ કામદારને ૩૦ દિવસમાં નોકરીમાં ન લેવાય તો પુરો પગાર ચુકવવો જોઇએ

રાજકોટ તા.૨૪: અત્રેના મહેન્‍દ્રકુમાર રવજીભાઇ રાઠોડ, સંયુકત ખેતી નિયામક, પ્રાદેશિક ખેડુત તાલીમ કેન્‍દ્રમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા, ત્‍યારે મજકુર કામદારને સરકારે ૧૦/૬/૦૪થી નોકરીમાંથી છુટા કરતા તેઓએ લેબર કોર્ટ, રાજકોટ સમક્ષ રેફરન્‍સ કેસ કરેલો હતો. જે ચાલી જતા લેબર કોર્ટ, રાજકોટએ તા.૨૦/૫/૨૦૧૪ના રોજ સરકારને હુકમ કરી, મજકુર કામદારને કામે લેવા હુકમ કરેલ, પરંતુ કામદાર ફરજ પર હાજર થવા છતા, સામાવાળા સંસ્‍થાને કામ પર લીધેલ નહી અને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીટ પીટીશન દાખલ કરેલ. જે પણ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રીટ પીટીશન દાખલ કરેલ. જે પણ ગુજરાત હાઇકોર્ટ ડીસમીસ કરેલ હતી.

ત્‍યારબાદ મજકુર કામદાર તા.૬/૬/૨૦૧૪ના રોજ ફરજ પર હાજર થતા, ખેતીવાડી નિયામકે કામદારને ફરજ પર હાજર કરેલ નહી અને છેવટે તા.૨૦/૧૦/૧૫નાં રોજ સરકારે કામદારને ફરીથી સળંગ નોકરી પર લઇ લીધેલ હતા. આથી મજકુર કામદારે તા.૬/૬/૧૪થી તા.૧૯/૧૦/૧૫ સુધીના પગાર માટે લેબર કોર્ટ, રાજકોટ સમક્ષ કામદારે નેતા અને જાણીતા એડવોકેટ શ્રી લાલુભાઇ માવાણી મારફત રીકવરી અરજી નંબર-૩૧/૧૮ દાખલ કરેલ. જે ચાલી જતા તા.૨૧/૧/૨૦૨૦ના રોજ લેબર કોર્ટ, રાજકોટએ અરજદાર-મહેન્‍દ્રભાઇ રાઠોડની અરજી મંજુર કરી કુલ રૂા.૩,૪૫,૨૩૮/- ૬% વ્‍યાજ સાથે ૩૦-દિવસમાં ચુકવવાનો સરકારને હુકમ કરેલો જેની સામે હાઇકોર્ટમાં પીટીશન કરી હતી.

ગુજરાત હાઇકોર્ટનાં જસ્‍ટીસ શ્રી એસ.એન.ભટ્ટે સરકારની રીટ પીટીશન ડીસમીસ કરતા ઠરાવેલ છે કે, સરકારે મજકુર કામદારને લેબર કોર્ટના ચુકાદાની પ્રસિધ્‍ધી બાદ કામ પર લીધેલ નથી, તે હકીકત છે, લેબર કોર્ટના ચુકાદા બાદ કામદારે રીકવરી અરજી ચાર વર્ષ બાદ કરેલ છે, પરંતુ સદરહુ ઔદ્યોગિક વીવાદધારાની જોગવાઇઓ વીવાદધારાની સેકશન-૩૩(સી)(૨) મુજબ કામદારને આવી અરજી કરવાનો પ્રિ-એકઝીસ્‍ટીંગ રાઇટ છે. આથી સરકારને ઉપરોકત રકમ રૂા.૩,૪૫,૨૩૮/- ૬% વ્‍યાજ સાથે મજકુર કામદારને વધુમાં વધ ુ૧૨-અઠવાડીયાની અંદર ચુકવી આપવાનો હુકમ કરેલ છે.

લેબરકોર્ટ રાજકોટ સમક્ષ કામદાર વતી શ્રી બી.એમ.માવાણી એડવોકેટ તરીકે રોકાયેલ હતા અને નામ.ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મજકુર કામદાર વતી સિનિયર એડવોકેટ શ્રી પી.આર.દેસાઇ અને શ્રી હેમલ એન.શાહ રોકાયેલા હતા.

(3:28 pm IST)