Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સંઘર્ષ વચ્‍ચે રેશમાબેન પીએચ.ડી. થયા

કોરોનામાં સાસુ-સસરા ગુમાવ્‍યા : પતિની પણ ગંભીર સ્‍થિતિ હતીઃ બાળકો-પરિવારની જવાબદારી, નોકરી અને પીએચ.ડી.નું સંશોધન... રેશ્‍માબેન કહે છે, જીવનસાથી સાકીરનો સહયોગ ખૂબ રહયો

ડો.રેશ્‍માબેન સાથે તેમના જીવનસાથી સાકીર કારીયાણીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૪ : વર્તમાન સમયમાં દિકરીઓને અભ્‍યાસ કરવા માટે ઘણા સમાજમાં જાગૃતતા નથી. દિકરી અક્ષરજ્ઞાન મેળવી લીધા બાદ પરિવાર તેને અભ્‍યાસ છોડાવી દે છે. દિકરી હોશિંયાર હોય તો પણ એક જડ માનસીકતાને કારણે તેણીને અભ્‍યાસ કરવા મળતો નથી. પરંતુ હજુ પણ સમાજમાં ઘણા માતા-પિતા અશિક્ષિત હોવા છતા પોતાની દિકરીઓને અભ્‍યાસ કરાવવામાં માને છે. તેવી જ એક દિકરી એટલે રેશમાબેન અબ્‍દુલભાઇ નિયાતર સુરેન્‍દ્રનગર જીલ્લાના ચુડા ગામની સરકારી શાળામાં અભ્‍યાસથી શરૂઆત કરીને રાજકોટ ખાતે કરીયાણીયા પરિવારની પુત્રવધુ બન્‍યા બાદ પોતાનો અભ્‍યાસ છોડયો ન હતો અને ઘણી મુશ્‍કેલી વચ્‍ચે પીએચ.ડી.ની ડિગ્રી મેળવીને મુસ્‍લીમ સમાજની દિકરીઓને પ્રેરણા પુરી પાડી છે.

પિયરમાં બી.એડ સુધીનો અભ્‍યાસ પુર્ણ કર્યા બાદ રાજોટના રહેવાસી અનવરહુસેનભાઇ નુરાભાઇ કરીયાણીયાના અને જેબુનબેનના દિકરા સાકીર સાથે રેશ્‍માબેન લગ્ન થયા હતા. પિયરની જેમ રેશ્‍માબેનને સાસરીયામાં પણ અભ્‍યાસ માટે મોકળુ મેદાન મળ્‍યું હતું. લગ્નના થોડાક મહિનામાં તેણી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાષા ભવનમાં એમ.એડનો પ્રવેશ મેળવ્‍યો હતો. એમ.એડ બાદ તુરંત પીએચ.ડી.ની એન્‍ટ્રસ પરીક્ષામાં રેશ્‍માબેન પાસ થયા હતા. યુનિ.એ તેમના પીએચ.ડીના વિષય તરીકે ‘રાજકોટની આઝાદી પુર્વેની કન્‍યા શાળાનો અભ્‍યાસ' માન્‍યા રાખ્‍યો હતો. રેશ્‍માબેન ગર્ભવતી હોવા છતા પીએચ.ડીના તમામ સેમીનાર ભર્યા હતા. પીએચ.ડી.ની શરૂઆતની સાથે તેમના ઘરે નાનુ બાળક આવ્‍યુ હતું. બાળકની સારસંભાળ વચ્‍ચે એક તબક્કે પીએચ.ડી. મુકી દેવાનો વિચાર આવ્‍યો હતો. પરંતુ સાસરીયા પક્ષ દ્વારા મળેલ ટેકાને કારણે તેમને ફરી પીએચ.ડી.ની કામગીરી હાથ ધરી હતી.

રેશ્‍માબેન વિષયને લગતા રેફરન્‍સ મેળવવા માટે સુરતની વિર નર્મદ યુનિર્વર્સિટી, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગરની કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે પોતાના બે વર્ષના પુત્ર અને પતિ સાથે ગયા હતા અને વિષયને અનુરૂપ સાહિત્‍ય મેળવ્‍યું હતું.  હજુ પણ અન્‍ય યુનિવર્સિટી જવાની જિજ્ઞાસા હતી. ત્‍યારે કોરોનાને કારણે આખા દેશમાં લોકડાઉન લાગી ગયું . ફરી રેશ્‍માબેનની પીએચ.ડી.ની પાટે ચડેલી ગાડી ગબડી પડી હતી. કોરોના કારણે તેણીનું મહત્‍વનું કામ રાજકોટ ની આઝાદી પુર્વેની કન્‍યા શાળા પાસેથી માહીતી મેળવવાનું હતું. જે કોરોના કારણે અશકય બની ગયું હતું. કોરોના સમયમાં લોકો એક બીજાને મળવાનું ટાળતા હતા. ત્‍યારે  અજાણી વ્‍યકિતને  કેવી રીતના જવાબ આપવો તે દરેકના મનમાં પ્રશ્ન હતો. છતા રાજકોટની આઝાદી પુર્વેની કન્‍યા શાળા પૈકી કડવાબાઇ સ્‍કુલ, આઇપી મિશન  સ્‍કુલ અને બાઇસાહેબબા સ્‍કુલના સ્‍ટાફ દ્વારા જરૂર માહીતી આપવામાં આવી હતી. દરમિયાન રેશ્‍માબેનના જીવનમાં ભુકંપ આવ્‍યો. પીએચ.ડી.ની કામગીરી વખતે તેમની પતિ સાકીર કોરોના પોઝીટીવ આવ્‍યા બાદ તેમના સસરા-સાસુ પોતાનું બાળક અને પોતે પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. ઘરના તમામ સભ્‍ય કોરોના સામે લડી રહયા હતા ત્‍યારે તેમની પતિની તબિયત ખુબ બગડતા સિવિલ હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ત્‍યાર બાદ તેમના સાસુ, સસરાને પણ સિવિલ હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. ત્‍યાર બાદ તેમના સાસુ, સસરાને પણ સિવિલ હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. એક બાજુ પોતે કોરોના પોઝીટીવ અને પોતાનું બાળક પણ પોઝીટીવ ત્‍યારે તેમના નણંદ તેમની પતિ સાથે રાજકોટ મદદે આવ્‍યા હતા. તમામ તકલીફો વચ્‍ચે રેશ્‍માબેન કોરોના નેગેટીવ આવ્‍યા હતા અને ઘરની તમામ જવાબદારી પોતાના હાથમાં લઇ લીધી હતી. ઉપરવાળાને હજુ પણ તેમને ખુબ તકલીફ આપવાની હતી. તેમ જોત જોતામાં ૧૩-૪-ર૦ર૧ના તેમના સાસુ કોરોનાને કારણે ગુજરી ગયા.

  હજુ તેઓ આ આઘાતમાંથી બહાર આવે પતે પહેલા તો ૧પ-૪-ર૦ર૧ના દિવસે તેમના સસરા ગુજરી ગયા. ઘરના બે મોભી ચાલ્‍યા ગયાના દુઃખ વચ્‍ચે તેમના પતિ હોસ્‍પીટલમાં જીવન અને મોત વચ્‍ચે ઝઝુમી રહયા હતા. તેમને બનાવની જાણ ન થાય તે માટે નિયમીત તેમની માટે ટીફીન બનાવીને મોકલતા હતા. તેમના પતિને હોસ્‍પીટલમાંથી રજા આપ્‍યા બાદ તેમના જીવમાં ફરી જીવ આવ્‍યો હતો. ઘરના બે મોભીને ગુમાવ્‍યા બાદ તેઓ ગમમમાં સરી પડયા હતા. અને પીએચડીની કામગીરી ફરી અભેરાઇ ચડાવી દીધી હતી. પરંતુ તેમના પતિના સાથ સહકારથી ફરી સ્‍કુલોમાં ખુટતી માહીતી મેળવવાનું શરૂ કર્યુ હતું. ધ્રોલની શ્રીમતી એસ.બી.ગાર્ડી કોલેજના  પ્રિન્‍સીપાલ ડો. મુકેશભાઇ ટંડેલના માર્ગદર્શન હેઠળ નાનામાં નાની માહીતી મેળવીને રેશ્‍માબેને પોતાનું મહાશોધ નિબંધ પુર્ણ કર્યો છે અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં રજુ કરી પીએચ.ડી.ની ડીગ્રી મ ેળવી છે.

(4:46 pm IST)