Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ર૬મીએ ર૦ કરોડ કામદારોની હડતાલઃ બેંકના કર્મચારીઓ પણ જોડાશે

કેન્દ્ર સરકારની શ્રમિક અને કામદાર વિરોધી નીતિઓ વિરૂધ્ધ ૧૦ જેટલા કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ આપ્યુ છે એલાનઃ હડતાલમાં બેંક, રોડવેઝ, રેલ્વે, બીએસએનએલ, જીવન વિમા, ડાક, પેઇજલ, વિજળી, આંગણવાડીના કર્મચારીઓ જોડાશે : બેંકોને નબળી પાડવાના સરકારના પ્રયાસોઃ અનેક બેંકોનું ખાનગીકરણ કરવા પણ હિલચાલઃ નવા શ્રમ કાનુનો યુનિયનો અને કર્મચારીઓનું ગળુ દબાવે તેવા છે

રાજકોટ તા. ર૪ : કેન્દ્ર સરકારની શ્રમિક અને મજદૂર વિરોધી નીતિઓના વિરોધમાં ૧૦ કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ ર૬ મીને ગુરૂવારે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે જેમાં બેંક, રોડવેઝ, રેલ્વે, બીએસએનએલ, જીવન વિમા, ડાક, પેઇજલ, વિજળી સહિત આશા વર્કર્સ, આંગણવાડી વર્કર્સ અને ઔદ્યોગિક ક્ષેત્રોના સંગઠનો સામેલ થશે. કેન્દ્ર સરકાર બેંક, રેલ્વે, રોડવેઝના કામકાજને પણ ખાનગી હાથોમાં સોંપવા માંગે છે. અત્યાર સુધી શ્રમિક સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યા છતાં સરકારે ગંભીરતા નહી લેતાં કર્મચારી સંગઠનોએ હડતાલ પાડી પોતાનો અવાજ બુલંદ કરવા નિર્ણય લીધો છે. ટ્રેડ યુનિયનોએ નવા શ્રમ કાનૂનોને લઇને, ટ્રેડ યુનિયન અધિકારોને સમાપ્ત કરવા, કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાગુ નહી કરવા અને ખેડૂતો માટે બનાવવામાં આવેલાં ત્રણ કૃષિ કાનૂનોને લઇને પણ સવાલ ઉઠાવ્યા છે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે. પી. અંતાણીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે સરકારની શ્રમ વિરોધી નિતીઓ વિરૂધ્ધ આ હડતાલ તો માત્ર શરૂઆત છે. જો સરકાર અમારી માંગણીઓને નજર અંદાજ કરશે તો ભવિષ્યમાં તેના પરિણામો ભોગવવા સરકારે તૈયારી રાખવી પડશે. આ વખતની હડતાલ ભારત બંધ નહી પરંતુ મહાબંધ જેવી હશે. આ હડતાલમાં દેશના ર૦ કરોડ કર્મચારીઓ સામેલ થશે અને પોતાની માંગણી વિરૂધ્ધ અવાજ ઉઠાવશે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર કર્મચારીઓનો અવાજ સાંભળે.

તેઓએ જણાવ્યું છે કે સરકારની મજુર વિરોધી, લોક વિરોધી અર્થનીતિ અને મજૂર કાનુનમાં સુધારા કરવામાં આવેલ છે. ગુજરાતના બેંક કર્મચારીઓ આ હડતાલમાં સામેલ થશે.

મજુર સંગઠનોની ૭ માંગણીઓ ઉપરાંત બેંક કર્મચારીઓની માંગ છે કે બેંકોનું ખાનગીકરણની વિચારણા બંધ કરવી, બેંકોની શાખાઓ વધારવી, જાણી જોઇને લોન પરંતુ નહી કરનાર સામે કડક પગલા ભરવા અને બિનઉત્પાદક અકસ્યામતોની કડક વસુલી કરવી - સહકારી અને ગ્રામીણ બેંકોને સધ્ધર બનાવવી.

બેંકોમાં અત્યારે પુરા પ્રમાણમાં ભરતી કરવામાં આવતી નથી જેને કારણે બેંકોની ગ્રાહક સેવામાં તકલીફ પડે છે.નાના થાપણદારોને વ્યાજમાં વધારો કરવો અને નવી પેન્શન યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના અમલમાં મુકવી.

સરકાર ઉદ્યોગગૃહોને બેંક ખોલવાની પરવાનગી આપવાનું વિચારેલ છે. આ વર્ષમાં પંજાબ મર્કન્ટાઇલ બેંક, યશ બેંક અને લક્ષ્મી વિલાસ ખાનગી બેંકો નબળી પડી છે. યશ બેંકને સ્ટેટ બેંક અને એલઆઇસી જે જાહેર ક્ષેત્રના બેંકને ઉગારેલ છે. પંજાબ - મહારાષ્ટ્ર મર્કન્ટાઇલ બેંક અધ્ધરતાલ છે.

લક્ષ્મી વિલાસ બેંક છેલ્લા ત્રણ વર્ષથી નબળી પડી છે. રિઝર્વ બેંક તેનાં પ્રત્યે નજરઅંદાજ કરેલ. તેના શેરના ભાવ તળીયે ગયા અને નાના રોકાણકારોને નુકશાન થયું હવે તે ડીબીએસ બેંકને સંચાલન આવી રહેલ છે જે નજીવી કિંમતે આપવામાં આવશે. વિદેશી બેંકને શા માટે બેંક સોંપવામાં આવે છે ? જયારે આત્મનિર્ભર ભારતની વાત થાય છે ત્યારે મહામારીના કાળમાં હડતાલ પાડવાનું લોકોને યોગ્ય નહી લાગતું હોય પરંતુ સરકાર મહામારીનો લાભ લઇને મજૂર વિરોધી મજૂર સંગઠન સાથે પરામર્શ કર્યા વગર સંસદમાં ચર્ચા કર્યા વગર સામુહિક   સોદાબાજીનો અધિકાર છીનવી લઇ છે જયારે સરકારે કામદારો પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઇએ ત્યારે આ કાયદા શા માટે લાવવા જોઇએ, મોંઘવારી પર રોક શા માટે લાવી જોઇએ.

(3:05 pm IST)