Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

બે માસ પહેલા પકડેલો પદાર્થ માદક હતો એ ખૂલ્યું, કયાંથી લાવ્યા ? તે અંગે તપાસ

બી-ડિવીઝન પોલીસે બે આરોપી દિક્ષીત અને આલસુરને કુવાડવા પોલીસને સોંપ્યાઃ રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટ, તા. ૨૫ :. શહેરના સંત કબીર રોડ પરથી બે મહિના પહેલા કબ્જે કરેલા શંકાસ્પદ પદાર્થ નશાયુકત હોવાનો રીપોર્ટ આવતા બી-ડિવીઝન પોલીસે બે શખ્સોને પકડી કુવાડવા પોલીસને સોંપ્યા છે.

સંત કબીર રોડ પર હોટલ શીવ પેલેસ-૨ની સામેથી તા. ૪-૧ના રોજ બી-ડિવીજન પોલીસે કર્ફયુ બંદોબસ્ત અંતર્ગત વાહન ચેકીંગમાં હતા ત્યારે એકટીવા લઈને નીકળેલા દીક્ષીત મુકેશભાઈ વ્યાસ (ઉ.વ.૨૧) (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર યુનિવર્સિટી રોડ) અને આલસુર ભરતભાઈ ઘેડીયા (ઉ.વ. ૨૪) (રહે. શ્યામ પાર્ક, પુષ્કરધામ ચોક યુનિવર્સિટી રોડ)ને શંકાના આધારે રોકી તલાસી લેતા તેની પાસેથી એક પ્લાસ્ટીકની ઝીપવાળી પારદર્શક કોથળીમાં સફેદ દાણાદાર શંકાસ્પદ પદાર્થ મળી આવતા બન્નેની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન આપતા પોલીસે આ શંકાસ્પદ પદાર્થને એફએસએલમાં મોકલવામાં આવતા ગઈકાલે આ પદાર્થ મેફેડ્રોન હાઈડ્રોકલોરાઈડ નામનો નશાયુકત હોવાનો રીપોર્ટ આવતા બી-ડિવીઝન પોલીસ મથકના પી.આઈ. એમ.બી. ઔસુરા, પીએસઆઈ એમ.એફ. ડામોર, બી.બી. કોડીયાતર, એ.એસ.આઈ. વીરમભાઈ ધગલ, સલીમભાઈ, હેડ કોન્સ. રશ્મિનભાઈ, મહેશભાઈ, અજયભાઈ, મનોજભાઈ, જયદીપસિંહ, મીતેષભાઈ, પરેશભાઈ, સંજયભાઈ, નીરવભાઈ, વિશ્વજીતસિંહ તથા ભાવેશભાઈ સહિતે દીક્ષીત અને આલસુરને પકડી લઈ ગુનો દાખલ કર્યો હતો. જેની તપાસ કુવાડવા રોડ પોલીસને સોંપવામાં આવી છે.

આ માદક પદાર્થ કયાંથી અને કોની પાસેથી લઈ આવ્યા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:24 pm IST)