Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો હાહાકાર : ૨૪ કલાકમાં ૬નો ભોગ લીધો

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે સવારે ૮થી આજે સવારે ૮ સુધીમાં ૬ દર્દીઓ કોરોના સામે હારી ગયા : સિવિલ અને ખાનગી કોવિડમાં સારવાર માટે ૧૦૩૯ બેડ ખાલી

રાજકોટ તા. ૨૫ : શહેર - જિલ્લામાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. ગઇકાલે એક પણ મોત નહી નોંધાયા બાદ આજે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાએ ૬નો ભોગ લીધો છે.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ રહેલા તા.૨૪નાં સવારનાં ૮ વાગ્યા થી આજે તા.૨૫નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬ દર્દીઓના મોત નિપજ્યા હતા.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૪૯૮ પૈકી ૧૦૩૯ બેડ ખાલી છે. નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૧૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

(11:02 am IST)