Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હવે પાણીના દાર કરવાના ભાવમાં પણ બમણો વધારો

ચારેક મહિના અગાઉ ફૂટનો ભાવ રૂ.૪૦ હતો જે આજે રૂ.૮૦ બોલાય છે : રીંગદારવાળાઓએ રચી યુનિટી : દાર કરાવવા પહેલા એસોસીએશનને મળવુ ફરજીયાત : તેઓની પાસે નામ લખાવ્યા બાદ વારો આવ્યે ગાડી મોકલવામાં આવે : ડાયરેકટર દાર કરાવવા જાય તો તગડી રકમ વસૂલવામાં આવે : ડીઝલનો ભાવ વધારો કારણભુત

રાજકોટ તા. ૨૫ : પેટ્રોલ - ડિઝલ - તેલ - પ્લાસ્ટીક સહિતની વસ્તુઓમાં રોજબરોજ અસહ્ય ભાવવધારાના પગલે પ્રજાજનો હાડમારી વેઠી રહ્યા છે. કોરોનાની મહામારીના લીધે ધંધા - રોજગારને પણ અસર થઈ રહી છે અને ખર્ચાઓ બમણા થઈ જતાં આર્થિક પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. ખાસ કરીને મધ્યમ વર્ગ વધુ માર સહન કરી રહી છે.

હવે પાણીના દાર કરાવવા દુશ્કર બની જાય તે હદે ભાવ વધારો જીકાય ગયો છે. ચારેક મહીના પહેલા દાર કરાવવા ફુટનો ભાવ રૂ.૪૦ હતો. જે આજે રૂ.૮૦ બોલાય છે.

આ નિર્ણય કોઇ એકલ દોકલ દારવાળાનો નહીં પણ રીંગદારવાળાઓના એસોસીએશન દ્વારા લેવાયો છે. આ યુનિટ એ રીતે કામ કરી રહી છે કે કોઇને દાર કરાવવો હોય તો પહેલા એસોસીએશનનો સંપર્ક કરવો પડે. એમની પાસે નામ લખાવ્યા બાદ વારો આવ્યે ગાડી મોકલવામાં આવે.

ચર્ચાતી વાતો મુજબ એસોસીએશને ખુબ આકરા નિયમો બનાવ્યા છે. કોઇ દારવાળા ડાયરેકટ કયાંય પણ દાર કરવા જાય તો તગડી રકમ દંડ સ્વરૂપે એસોસીએશન પાસે જમા કરાવવી પડશે. વળી કોઇને એક સાથે દાર કરાવવા હોય તો પણ એક જ ગાડી નહીં આવે. અલગ અલગ માલીકીની બે ગાડી આવશે. તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દાર કરવાનો ભાવ આટલો બધો વધારી દેવા પાછળનું કારણ એસોસીએશનવાળા ડીઝલના ભાવ વધારો બતાવે છે. ડીઝલના ભાવ વધવાથી બોરના ભાવમાં વધારો કરવો પડયાનું કહેવાય છે.

(11:03 am IST)