Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

ગુજરાતના સ્વપ્નશીલ્પી શ્રી ચંદ્રકાન્ત બક્ષીની આજે ૧૫ મી પૂણ્યતીથી

આપણા ગુજરાતી સાહિત્ય જગતના શિરમોર સાહિત્યકાર શ્રી ચંદ્રકાન્ત બક્ષી૨૦-૮-૧૯૩૨ થી ૨૫-૩-૨૦૦૬ દરમિયાન આ પૃથ્વી ગૃહની મુલાકાત લઇ આપણી વચ્ચેથી પસાર થયાને પંદર વર્ષે પણ તેમનું ગુજરાત અને મહાજાતિ ગુજરાતી માટેનું તેમનું સખત અને સતત ચિંતન આજે પણ સાંપ્રત છે. એક સાહિત્યકાર તરીકે પોતાની મેઘધનુષી વિચારસરણી દ્વારા પ્રજા જીવનને સ્પર્શતા પ્રાણ પ્રશ્નો પણ ઉકેલી શકે છે. તેમાં શ્રી બક્ષી સાહેબ એક અને અજોડ રહ્યા છે.

તેઓ તેમના લેખો દ્વારા સતત ઝુંબેશ ચલાવતા કે કચ્છને પોતાની અલગ યુનિ. હોવી જોઇએ અને તેનું નામ ઓકસફોર્ડ યુનિ.માંથી પ્રથમ એમ.એ. થનાર ભારતીય બેરીસ્ટર અને લંડનની ઇન્ડિયા હાઉસની સ્થાપના કરનાર તથા ભારતીય ક્રાંતિકારીઓના પિતામહ શ્રી શ્યામજી કૃષ્ણવર્માના નામ સાથે જોડવું જોઇએ. (થોડા વર્ષો પહેલા કચ્છ યુનિવર્સિટી તથા તેનું નામ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી રાજય સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે)

અમદાવાદની સાબરમતી નદીને વર્ષભર પાણીથી છલકાવીને અમદાવાદમાં શામે અવધની રોશની લાવી શકાય. (અમદાવાદનો રીવરફ્રન્ટ પ્રોજેકટએ બક્ષી સાહેબનો આઇડીયા હતો અને આજે શામે અવધ - શામે અમદાવાદની રંગીની લોકો માણી શકે છે)

વિશ્વભરમાં ગુજરાતીઓ પથરાયેલા છે. ત્યારે અમદાવાદ કે સુરત કે વડોદરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવું જોઇએ. (આજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત છે)

દેશને ૭૦ ટકા મીઠુ ગુજરાત પુરૂ પાડે છે પણ તેની હેડ ઓફીસ જયપુર શા માટે? (કેટલાક વર્ષો પહેલા સોલ્ટ કમિશ્નર કચેરી, જયપુરથી શીફટ થઇ ગાંધીનગર આવેલ)

વિશ્વમાં કયાંય નવ દિવસનો ડાન્સ ફેસ્ટીવલ નથી. ગુજરાતે આપણા નવરાત્રી તથા પતંગ મહોત્સવ અને કચ્છના સફેદ રણનો રણોત્સવનો આંતરરાષ્ટ્રીય પ્રચાર કરી વિશ્વને ગુજરાતી કલ્ચરનો પરિચય કરાવી શકાય. (રાજય સરકારશ્રી દ્વારા નવરાત્રી મહોત્સવ/પતંગ મહોત્સવ તથા કચ્છના રણોત્સવની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી થઇ રહી છે)

તેઓને અફસોસ હતો કે  આપણે કનૈયાલાલ મુન્શીની કદર કરી શકયા નહીં, મુન્શી બંગાળમાં હોત તો 'ટાગોર' બન્યા હોત.  દયાનંદ સરસ્વતીને ઉત્તર ભારત અને પંજાબે દેવતા બનાવી દીધા... આપણે કયાં?  આપણા પ્રેમચંદ રાયચંદે મુંબઇના સર્જનમાં ખુબ સંગીન ફાળો આપ્યો. ગુજરાત બેખબર!!  પોણા બસ્સો વર્ષો સુધી અંગ્રેજ ગવર્નર નિમાતા રહ્યા પરંતુ પહેલા હિન્દી ગવર્નર ઓરીસ્સા માટે નિમાયેલા સર ચંદુલાલ ત્રિવેદી વિષે કેટલા ગુજરાતીઓ જાણે છે?  ટેલીવીઝન તંત્રના સર્વોચ્છ સ્થાને બિરાજેલ ગીજુભાઇ વ્યાસનું આપણે સન્માન જાળવી શકયા?

આવા એક ઉચા ગજાના સાહિત્યકાર જેમના હૈયે સતત ગુજરાત અને ગુજરાતીનું હીત હંમેશા કેન્દ્રસ્થાને રહેલું તેવા શ્રી ચંદ્રકાન્ત બક્ષી સાહેબની આજે ૨૫ માર્ચના પંદરમી પૂણ્યતીથીએ આવો સહુ સાથે મળી તેમના સ્વપ્નનું ગુજરાત બનાવવા સંકલ્પબધ્ધ થઇએ.

- હરનેશ સોલંકી, મુખ્ય સંયોજક : શ્રી ચંદ્રકાન્ત બક્ષી

સાહિત્ય વર્તુળ રાજકોટ મો.૯૪૨૬૨ ૩૭૭૫૦

(11:34 am IST)