Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

કોઠારીયા રિધ્ધી સિધ્ધીના નાલા પાસે મિકેનિકલ એન્જિનીયર યુવાનને છાતીમાં છરી ભોંકી લૂંટ

શ્વાતિ રેસિડેન્સીમાં રહેતો દિલીપ મોડાશીયા મોરબી નોકરી કરતો હોઇ ત્યાંથી રાજકોટ આવી પગપાળા ઘરે જતો'તો ત્યારે આંતરી લેવાયો : રેલ્વે પાટા પાસે બે શખ્સે ઓચિંતા આવી હાથ પકડી લીધાઃ પાછળથી બીજા બે આવ્યાઃ જે હોય તે આપી દેવા કહી છરી ઝીંકી ૩૯ હજારનો ફોન અને ૭૦૦ની રોકડ સાથેનું પર્સ લૂંટી ગયાઃ યુવાન ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ : આશરે ૨૩ થી ૨૫ વર્ષના લૂંટારા ગુજરાતી ભાષા બોલતા'તાઃ માલધારી ફાટક તરફથી આઠ દસ છોકરા આવતાં ચારેય લૂંટારા પાટા ઓળંગી અટીકા ફાટક તરફ ભાગ્યા : આજીડેમ પોલીસે લૂંટનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરીઃ ક્રાઇમ બ્રાંચની ટીમો પણ કામે લાગી : ચોરટાઓ, બૂટલેગરો પછી લૂંટારા પણ આવ્યા પટમાં

રાજકોટ તા. ૨૫: કોઠારીયાની સ્વાતિ રેસિડેન્સી નજીક રિધ્ધી સિધ્ધના નાલા પાસે રેલ્વેના પાટા નજીક સાંજે સાડા આઠેક વાગ્યે નોકરીથી છુટી પગપાળા ઘરે જઇ રહેલા મિકેનિકલ એન્જિનીયર ગુર્જર સુથાર યુવાનને ચાર શખ્સોએ આંતરી પકડી લઇ છાતીના ભાગે છરી ભોંકી દઇ રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઇ છે. યુવાનને છરીથી છાતીમાં છએક સે.મી.નો ઘા થઇ જતાં ઓપરેશનમાં લઇ જવાયો હતો. આજીડેમ પોલીસે લૂંટનો ગુનો નોંધી લૂંટારાઓની શોધખોળ આદરી છે.

આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસની ટીમે હોસ્પિટલે પહોંચી લૂંટારૂના હુમલામાં ઘાયલ કોઠારીયા ગામમાં શ્વાતિ રેસિડેનસી બ્લોક નં. એએ-૩૮ બહુચર કૃપા ખાતે રહેતાં અને મોરબી મુકામે એકાદ માસથી થ્રી ઝેડ એન્જિનિયરીંગમાં મેનેજમેન્ટનું કામ સંભાળતાં મિકેનિકલ એન્જિનીયર ગુર્જર સુથાર યુવાન દિલીપ જગદીશભાઇ મોડાશીયા (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી ચાર અજાણ્યા આશરે ૨૩ થી ૨૫ વર્ષના શખ્સો સામે આઇપીસી ૩૯૪, ૧૧૪ મુજબ લૂંટનો ગુનો નોંધ્યો છે.

દિલીપ મોડાશીયાએ પોલીસ સમક્ષ વિતક વર્ણવતા કહ્યું હતું કે-હું પરિવાર સાથે રહુ છું અને એક મહિનાથી મોરબી ખાતે નોકરી કરુ છું. આ કારખાનુ મારા મિત્ર મહેશભાઇ કછોટનું છે. હું રાજકોટથી મોરબી અપડાઉન કરુ છું. સવારે આઠેક વાગ્યે ઘરેથી નીકળી ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસેથી કંપનીની બસ જતી હોય તેમાં બેસી મોરબી જાઉ છું. ત્યાંથી સાંજે આઠેક વાગ્યે બસ મારતફ બાલાજી હોલ ઉતરી પાટાની રિક્ષામાં બેસી ગોંડલ ચોકડીથી આગળ નાલા પાસે ઉતરી મારા ઘરે પગપાળા જાઉ છું.

બુધવારે હું રૂટીન મુજબ નોકરીએ ગયો હતો. સાંજે આઠેક વાગ્યે બાલાજી હોલે ઉતરી ત્યાંથી રિક્ષામાં બેસી ગોંડલ રોડ ચોકડીએ ઉતરી પગપાળા ઘર તરફ શોર્ટકટ રસ્તેથી જતો હતો. એ વખતે રસ્તામાં રિધ્ધી સિધ્ધીના નાલા સામે રેલ્વેના પાટા ઓળંગતો હતો તયારે અંધારામાં બે શખ્સો અચાનક સામે આવી ગયા હતાં. તેણે મારા હાથ પકડી લીધા હતાં. ત્યાં બે શખ્સ પાછળથી આવ્યા હતાં. ચારમાંથી બે જણા પાસે છરી હતી. મને પકડતાં મેં રાડારાડ કરતાં તેણે અવાજ કરવાની ના પાડી હતી છરી મારા પેટ પાસે રાખી દીધી હતી. તેમજ મારો વન પલસ મોબાઇલ ફોન, પેન્ટના ખિસ્સામાંથી વૂડલેન્ડનું પર્સ પણ કાઢી લીધું હતું. જેમાં રૂ. ૭૦૦ રોકડા હતાં. તેમજ ડ્રાઇવીંગ લાયસન્સ, આધાર કાર્ડ, માતા-પિતાના ફોટા, બેંકોના ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ હતાં.

આ દરમિયાન આઠ દસ છોકરા માલધારી ફાટક તરફથી આવતાં આ ચારેય શખસો રેલ્વેના પાટા તરફથી અટીકા ફાટક તરફ ભાગી ગયા હતાં. મારો મોબાઇલ ફોન અને પર્સ લૂંટી ગયા હતાં. ચારમાંથી એક પાતળા બાંધાનો હતો અને એક જણાએ નાઇટ ડ્રેસ પહેર્યો હતો. કાઠીયાવાડી ગુજરાતી ભાષા બોલતાં હતાં. હું રાડારાડી કરી વંડી ટપી શ્વાતિ સોસાયટીના રસ્તા તરફ જતાં એક બાઇક ચાલક મળેલા. તેને અટકાવી મેં મારા મોટા ભાઇ અશ્વિનભાઇને ફોન કર્યો હતો. મને છાતી પાસેથી લોહી નીકળતું હોઇ છરીથી ઇજા થયાની ખબર પડી હતી. સાડાઆઠથી નવ વચ્ચે આ બનાવ બનયો હતો. મારા ભાઇ આવી જતાં ૧૦૮ બોલાવી પહેલા દોશી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં લઇ જવાયો હતો.

એકસ રે થતાં આશરે છ સેમીનો છરીનો ઘા છાતીના ભાગે વચ્ચે લાગી ગયાનું નિદાન થયું હતું. ઓપરેશન કરવાનું  ડોકટરે કહ્યું હતું. લૂંટારા રૂ. ૭૦૦ રોકડા તથા રૂ. ૩૯૦૦૦નો મોબાઇલ લૂંટી ગયા છે. તેને જોયે હું ઓળખી જઇશ.

દિલીપ મોડાશીયાએ ઉપરોકત વાત પોલીસને જણાવતાં પીઆઇ વી. જે. ચાવડા, જાવેદભાઇ રીઝવી, સ્મીતભાઇ વૈશ્નાણી, પીએસઆઇ જામંગ, વી. બી. સુખાનંદી, કિરીટભાઇ રામાવત સહિતે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ ઝાલા સહિતની ડી. સ્ટાફની ટીમે આરોપીઓને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ લૂંટારાઓને શોધવા કામે લાગી છે.

(3:21 pm IST)