Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હોલીકા દહન વખતે ભીડ એકઠી કરવાની મનાઇઃ ધૂળેટીની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધઃ પોલીસ કમિશનરનું જાહેરનામુ

પરંપરાગત રીતે પ્રદક્ષિણા-દર્શન-ધાર્મિકવિધી કરી શકાશેઃ પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે : કોરોનાની હાલની સ્થિતિને ધ્યાને રાખી શહેરીજનોને સહકાર આપવા મનોજ અગ્રવાલનો અનુરોધ : રંગ લગાવવાનું, હાથ મીલાવવાનું, ભેટવાનું સંપુર્ણ રીતે ટાળજો : પોલીસની ટીમો લોકોને સમજાવવા નીકળશેઃ કોઇની લાગણી દૂભાય તેવું વર્તન કરવું નહિઃ કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું

રાજકોટ તા. ૨૫: કોરોનાનું વધેલુ સંક્રમણ વધુ એક તહેવારને નડી ગયું છે. આગામી રવિવારે ૨૮મીએ હોળી પર્વની અને સોમવારે ૨૯મીએ ધૂળેટી પર્વની ઉજવણી થનાર છે ત્યારે આ તહેવારમાં હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને સંક્રમણ ન ફેલાય તે રીતે કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું કડક પાલન કરીને ઉજવણી કરવાની રહેશે. આ માટે શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે જાહેરનામુ બહાર પાડ્યું છે. હોળી પરંપરાગત રીત પ્રગટાવી શકાશે. પરંતુ આ માટ ખુબ જ મર્યાદિત લોકોએ હાજર રહવાનું અને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સહિતના નિયમો પાળવાના રહેશે. તેમજ સમયસર હોલીકાદહન કરવાનું રહેશે. હોળીના દર્શન, પ્રદક્ષિણા, ધાર્મિકવિધી પરંપરાગત રીતે કરી શકાશે. પરંતુ પણ એકઠી કરી શકાશે નહિ. ધૂળેટીના દિવસે પણ જાહેરમાં સામુહિક ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. લોકોને એક બીજાને રંગ લગાવવાના બહાન હાથ મીલાવવાનું, ભેટવાનું ટાળવા માટે અનુરોધ કરાયો છે. જાહેરમાં ઉજવણીના કોઇ કાર્યક્રમોને પણ મંજુરી આપવામાં આવી નથી.

સામાન્ય સંજોગોામાં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી માટે લોકો સોસાયટીઓ, શેરીઓ, નાકા, જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ કે અલગ અલગ ફાર્મ હાઉસ, રિસોર્ટ, પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી માટે એકઠા થતાં હોય છે. કોમર્શિયલ આયોજનો પણ થતાં હોય છે. પરંતુ હાલની સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધી જાય તેમ હોઇ અમુક પ્રતિબંધો મુકવા પડ્યા છે. પરંપરાગત હોલીકા દહનના કાર્યક્રમમાં ભીડ એકઠી ન થાય તે જોવું પડશે અને કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પડશે. આ પર્વમાં શાંતિ અને સલામતિ તથા ટ્રાફિક નિયમન જળવાઇ રહ તે માટે પોલીસ સતત એલર્ટ રહેશે અને ઠેકઠેકાણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે.

હોળી-ધૂળેટીના તહેવારમાં કોઇપણ લોકો જાહેર રસ્તા પર આવતાં જતાં રાહદારીઓને રંગ ઉડાડી શકશે નહિ, પાણી ભરેલા ફૂગ્ગા, રંગીન ફૂગ્ગા, રંગ મિશ્રીત ફૂગ્ગા, કાદવ, કિચડ, રંગ મિશ્રીત પાણી, તૈલી પદાર્થો, તૈલી વસ્તુઓ ફેંકવા પર પ્રતિબંધ છે. જાહેર રસ્તાઓ પર આવી ચીજવસ્તુઓ લઇને નીકળવા પર તથા દોડાદોડી કરવા પર પ્રતબિંધ છે. કોઇની લાગણી દૂભાય તેવું વર્તન કરવું નહિ અને ટ્રાફિકને અડધચણ થાય કે અકસ્માત થાય તેવું કરવું નહિ.

કોવિડ-૧૯ને ધ્યાને રાખી હોળી પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યામાં હાજર રહી પ્રગટાવી શકાશે. પ્રદક્ષિણા સાથે ધાર્મિકવિધી, દર્શન કરી શકાશે. પરંતુ આ વખતે ભીડ એકઠી કરી શકાશે નહિ. તેમજ કોરોના સંબંધી ગાઇડલાઇનની તકેદારી તથા સમયની મર્યાદા જાળવવાની રહેશે.

ધૂળેટીના દિવસે પણ જાહેરમાં ઉજવણી કરવા નીકળવા પર પ્રતિબંધ છે. જાહેર કાર્યક્રમોને પણ કોઇ મંજૂરી અપાઇ નથી. લોકોએ એક બીજાને રંગ ઉડાડવાને બહાને હાથ મીલાવવાનું, ભેટવાનું ટાળવાનો અનુરોધ પણ શ્રી અગ્રવાલે કર્યો છ. આ હુકમનો અમલ ૨૮ના રાતથી ૩૦ના રાતના બાર સુધી રહેશે.હુકમનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે શહેર પોલીસની ટીમો લોકોને સમજાવવા તથા ધાર્મિક સ્થળો પર પણ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થાય તે માટે સમજાવવા નીકળશે. હોળી-ધૂળેટીના દિવસોમાં પોલીસ કડક બંદોબસ્ત પણ જાળવશે અને જાહેરમાં કોઇ પણ ઉજવણી ન કરે તેનું ખાસ ધ્યાન રાખશે. શહેરીજનોએ દરેક વખતે સહકાર આપ્યો હોઇ ફરીથી તંત્રને સહકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.

(3:01 pm IST)