Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સંકલ્પ સાથેની સાધના પૂર્ણવિરામ સુધી પહોંચતી હોય છેઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.

પરમ ગુરુદેવના સાંનિધ્યે આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીની છ માસિક પુણ્યસ્મૃતિ અવસરે વંદનાજલિ અર્પણ

રાજકોટ, તા.૨૫: ગોંડલ સંપ્રદાયના ગુરુપ્રાણ પરિવારના પૂજયવરા શ્રી મુકત-લીલમ ગુરુણીના સુશિષ્યા આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીની છ માસિક પુણ્યસ્મૃતિનો અવસર રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે વંદનાંજલિ અર્પણ કરીને ઉજવાયો હતો.

રાજકોટના શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ - શ્રી સી.એમ. શેઠ પૌષધશાળાના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ, તપસ્વીની પૂજય શ્રી વનિતાબાઈ મહાસતીજીના સાંનિધ્યે આયોજિત આ અવસરે પૂજય શ્રી હસ્મિતાબાઈ મહાસતીજી, પૂજય શ્રી રાજેમતીબાઈ મહાસતીજી આદિ અનેક-અનેક મહાસતીજીઓ તેમજ ચતુર્વિધ સંઘની પ્રત્યક્ષ ઉપસ્થિતિ સાથે સમગ્ર ભારત તેમજ પરદેશના અનેક-અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના ભાવ સાથે જોડાય ગયા હતાં.

પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીને 'પ્રભુજી'તરીકે ઓળખાવીને આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ભાવાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, શરીરમાં વેદના હોવા છતાં નિર્દોષ, નિર્દંભ અને સહજ સંયમ જીવન જીવી જનારા પૂજય મહાસતીજીનું જીવન અને એમની વિદાય એક પ્રેરણા આપી રહી છે કે, જીવન જેમનું સહજ દશામાં વ્યતીત થયું હોય એમનું મૃત્યુ પણ સુસહજ બની જતું હોય છે. પરિસ્થિતિ ચાહે કોઈપણ હોય, સંયોગો ચાહે કેવા પણ હોય પરંતુ દરેક પરિસ્થિતિને સહજ બનાવવાની કળા પૂજય મહાસતીજીની જેમ આપણે ખીલવવાની છે. વ્યતીત થતો દરેક સમય એક સંદેશ આપી રહ્યો છે કે, કોઈ સમય કદી કાયમ નથી રહેવાનો. આપણે દરેક સમયે અંતરના દ્રઢ સંકલ્પ સાથે આપણી સાધનાને પૂર્ણવિરામ તરફ લઈ જવાની છે. સંકલ્પ જો દ્રઢ હોય તો કોઈપણ સાધના સહજ બની જતી હોય છે.

પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીની ૩૮ વર્ષ પર્યંત અંતિમ સમય સુધી અવિરત સેવા કરનારા એવા પૂજય શ્રી રેણુકાબાઈ મહાસતીજીએ આ અવસરે પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીના શ્રધ્ધા, સરળતા અને સમર્પણતા સ્વરૂપ ત્રણ ગુણની પ્રશસ્તિ કરીને જતાં-જતાં પણ જતન કરી જનારા એવા ગુરુણીની વિદાય પર ન પૂરી શકાય એવી ખોટના ભાવોની અભિવ્યકિત સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ અવસરે પૂજય શ્રી વીરમતીબાઈ મહાસતીજી, પૂજય શ્રી અમિતાબાઈ મહાસતીજી એ પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીના જીવનના અનુપમ ગુણોનું સ્મરણ કરીને ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી રોયલપાર્ક સંઘ પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે આ અવસરે સ્વાગત વકતવ્ય આપી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવને ચાતુર્માસની ભાવભીની વિનંતી કરી હતી. પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીના સંસારી સ્વજન એ સુંદર ભાવો સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરીને સહુ પ્રત્યે ઉપકારની અભિવ્યકિત કરી હતી.આ અવસરે વિશેષભાવો સાથે ઉપસ્થિત રહેલાં મેયર ડો. પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, કોર્પોરેટર ડો. રાજેશ્વરીબેન, જયોત્સનાબેન, ચેતનભાઈ સુરેજા, ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારી, જીતુભાઈ બેલાણી આદિ મહાનુભાવોના કરકમલથી પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીના જીવન આધારિત 'પ્રભુ સ્મરણ' પુસ્તિકાનું વિમોચન કરવામાં આવતાં હર્ષ હર્ષ છવાયો હતો. મેયર ડો. પ્રદીપભાઈ ડવ એ આ અવસરે કોરોના મહામારી સામે રક્ષણ આપતી વેકસીન લેવાનો વિનમ્ર અનુરોધ કર્યો હતો. પ્રતિક્ષાબેન શેઠ દ્વારા સોરઠી અંદાજમાં ગીત પ્રસ્તુતિ તેમજ હિલોનીબેન શેઠ આદિ બાલિકાઓ દ્વારા નૃત્ય ગીત પ્રસ્તુતિ સાથે ગુરુ ભગવંતના સ્વાગત વધામણા કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમલભાઈ મેહતા દ્વારા કરવામાં આવ્યું હતું.

પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીના પુણ્યસ્મૃતિ અવસરે, વર્ષ પેહલા તેઓના શ્રીમુખેથી વર્ષીતપ આરાધનાના પ્રત્યાખાન ગ્રહણ કરીને અનુક્રમે ઉપવાસ, મૌન ઉપવાસ અને એકાસણા તપની ૧૬-૧૬ મહિનાની ઉગ્ર આરાધના કરનારા શેઠ પરિવારના કેતનભાઇ શેઠ, વીણાબેન શેઠ તેમજ હિલોનીબેન શેઠના તપની અનુમોદના કરવામાં આવતા આ અવસર ન માત્ર શેઠ પરિવાર પરંતુ અનેક અનેક ભાવિકો માટે સંસ્મરણીય બની ગયો.

વિશેષરૂપે આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ દ્વારા સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણની ૧૦૦મી સંયમ જયંતિના ઉપલક્ષે દેશ-પરદેશના શ્રી સંઘો તેમજ ભાવિકોને એક વર્ષ દરમ્યાન એક લાખ આઠ હજાર આયંબિલ કરવાની પાવન પ્રેરણા અને અનુરોધ કરવામાં આવતાં સહુએ હર્ષ હર્ષથી વધાવી લીધી હતી.

(3:24 pm IST)