Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

સમરસ હોસ્ટેલમાં રપ૦ બેડ ઓકસીજન પાઇપલાઇન વાળી કેન્સર-કોવીડ હોસ્પીટલ - વીરનગર હોસ્પીટલ કાલથી શરૂ

ખાનગી હોસ્પીટલ અંગે કોર્પોરેશન મંજૂરી આપશેઃ જસદણ-ગોંડલ-ધોરાજીમાં પણ સેટઅપ... : રાજકોટની હોસ્પીટલોમાં પ૦ ટકા બેડ ફરજીયાત કોવીડ દર્દી અંગે જરૂર પડયે આવતા વીકમાં ઓર્ડરો... : ૧લી એપ્રિલથી ઔદ્યોગિક વિસ્તારના ૪પ થી ઉપરના શ્રમિકોને પણ આવરી લેવાશે : જીલ્લામાં ગઇકાલ સુધીમાં ૮૦પ૧૧ ને રસી અપાઇ ગઇ ૬૦ થી ઉપરના ૬૭૪૦૦ને પણ આવરી લેતું આરોગ્ય તંત્ર...

રાજકોટ તા. રપઃ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાં કોરોના દર્દી માટે બેડ, વેન્ટીલેટર, દવા, ઓકસીજન અંગે કોઇ મુશ્કેલી નથી, પુરતો સ્ટોક છે.

તેમણે ઉમેર્યું હતું કે, સમસર હોસ્ટલનો એક ભાગ લેવાયો છે, જેમાં પ૦૦થી વધુ બેડ રહેશે, એમાં પ૦ ટકા બેડ-એટલે કે રપ૦ બેડ ઓકસીજન પાઇપ લાઇન વાળા અને રપ૦ બેડ સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ માટે રહેશે.

તેમણે જણાવેલ કે, સમરસ હોસ્ટેલમાં સુવિધા કાલે કે શનિવારથી શરૂ થઇ જશે, જયારે કેન્સર-કોવીડ હોસ્પીટલ કે જેમાં ૧૯ર બેડ છે તે કાલથી અને વીરનગરથી ૧૦૦ બેડ કોવીડ-૧૯ હોસ્પીટલ કાલથી શરૂ કરી દેવાશે, આ માટે સ્ટાફનું સેટઅપ ગોઠવી દેવાયું છે, આ ઉપરાંત જસદણ-ગોંડલ-ધોરાજીમાં પણ કોવીડ-૧૯ હોસ્પીટલ અંગે ૯૦ થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ બનશે.

ખાનગી હોસ્પીટલ અંગે કલેકટરે ઉમેર્યું હતું કે આ કાર્યવાહી કોર્પોરેશન કરી રહ્યું છે અને તે મંજૂરી આપશે, રાજકોટની મોટી હોસ્પીટલોમાં પ૦ ટકા બેડ ફરજીયાત કોરોના દર્દી અંગે રાખવા અંગેના આદેશો અંગે કલેકટરે ઉમેર્યું હતું કે હાલ તેવી જરૂરિયાત નથી, હજુ ૧ થી ર દિવસ સ્થિતિ જોવાશે, સંભવિત આવતા અઠવાડિયે આવા ઓર્ડરો થઇ શકે છે, તેમણે ઉમેર્યું હતું કે રાજકોટ જીલ્લામાં ગઇકાલ સુધીમાં ૮૦પ૧૧ લોકોને રસી અપાઇ છે, જેમાંથી ૬૦ થી વધુ વયના ૬૭૪૦૦ આવરી લેવાયા છે, હાલ ગ્રામ્ય લેવલે ૩પ૦ કેન્દ્રો ચાલુ છે, ઔદ્યોગિક વિસતારમાં ૧લી એપ્રિલથી શ્રમિકોને પણ આવરી લેવાશે.

(4:29 pm IST)